સિઝેરીયનના યુગમાં પણ નોર્મલ ડિલીવરી થઇ રહી છે અલબત્ત ઘરેથી હોસ્પિટલ જતી વેળા રસ્તામાં આવા કિસ્સાઓ વધુ બને છે. મંગળવારે સવારે ચોકબજાર વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે શ્રમજીવી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 ના અધિકારી અને કર્મચારીએ સ્થળ પર પહોંચી સમય સુચકતા વાપરી પ્રસૂતિ કરાવી હતી.
ચોકબજારમા લાલા લાજપતરાય ગાર્ડનમાં રહેતા 19 વષીૅય શ્રમજીવી નૂરજાબેન યુસુફ પઠાણને આજ રોજના સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી. 108ને કોલ કરાયો પણ વરસાદને કારણે નજીકની બધી એમ્બ્યુલન્સ બીઝી હતી. જેથી સુરત 108 ના અધિકારી રોશન દેસાઈને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક અઠવાલાઇન્સ લોકેશનની એમ્બ્યુલન્સને બોલાવી હતી. એક તરફ વરસાદ પડી રહયો હતો અને બીજી તરફ મહિલાને પ્રસૂતિની પીડા વધતા દર્દથી કણસી રહી હતી.
મહિલાને વરસાદથી બચાવવા વૃક્ષ નીચે લઇ જવાયા બાદ એમ્બ્યુલન્સ ઉપર ફરજ બજાવતા ઇએમટી અલ્પેશ ભાઈ અને પાયલોટ ડેનિસભાઈ ચૌધરીની ટીમે આજુબાજુથી ચાદર અને કાપડ સામગ્રી એકત્ર કરી મહિલાને કોર્ડન કરી હતી. અને ત્યાંથી પસાર થતી મહિલાઓની મદદ મેળવી સફળતાપુર્વક પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ બાળકને જન્મ આપતા શ્રમજીવી પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી. બાદમાં મહિલા અને બાળકને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા.