જન્મથી જ એક હાથનું કાંડું ન ધરાવતી 12 વર્ષીય કિશોરી બની ભરતનાટ્યમ વિશારદ

ભૂલ માણસથી જ નહીં પરંતુ ક્યારેક કુદરતથી પણ થતી હોય છે એ ન્યાયે જન્મથી જ સુરતની ૧૨ વર્ષીય કિશોરીના ડાબા હાથની મુઠ્ઠી જ બંધ આપી હતી. પરંતું કુદરતની નજીવી ભુલને સુરતની ૧૨ વર્ષીય  કિશોરીએ ક્લાસીકલ ડાન્સના કૌવતથી સુધારી લીધી છે. સાત વર્ષ સુધી ભરત નાટયમ જેવા શાસ્ત્રીય નૃત્યની અઘરી નૃત્ય કલામાં વિશારદ થઈ હતી. રવિવારે પાલના પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે  હકડેઠઠ ભરાયેલા હોલમાં આ કિશોરી મંચસ્થ ભગવાન નટરાજને પોતાની નૃત્યકલાંજલિ આપી હતી.

આનંદ મહેલ રોડ ખાતે રહેતા અજયભાઈ જરીવાલા અને જાગૃત્તિબેનને ત્યાં આજથી ૧૨ વર્ષ પહેલા પુત્રીનો જન્મ થયો હતો.પરંતુ કુદરતની કંજુસાઈ કહો કે  કસુર કહો  રૂપરૂપના અંબાર સમી માસુમ નવજાત બાળકીના ડાબા હાથની  બંધ મુઠ્ઠીને ખોલવાનું સર્જનહાર ભુલી ગયો હતો.પરંતુ જરીવાલા દંપતિએ  માસુમ પુત્રી આર્યાનો  સામાન્ય બાળકની જેમ જ ઉછેર કરવા મન મક્કમ કર્યું હતું.

અજય ભાઈ કહે છે કે, એનું નામ આર્યા એટલે જ રાખ્યું.જેનો અર્થ થાય છે  અષ્ટ ભૂજા.અમે આર્યાને ક્યારેય એવું ફીલ થવા દીધું નથી કે તે અન્ય બાળકોથી અલગ છે.એની બંધ મુઠ્ઠીમાં જ એના કિસ્મતના દરવાજા ખુલી જાય એ  રીતે તેને ઉછેરવાનું નક્કી કર્યું. આર્યાના ડાબા હાથ ખાસ માટે સીલીકોનનો પંજો  મંગાવવામાં આવ્યો છે.જેણે આર્યાના બંને હાથ વચ્ચે  કુદરતી અને કૃત્રિમ વચ્ચેની ભેદરેખાને ભુંસી નાખી  છે.જાગૃત્તિબેન કહે છે કે, હાલમાં લુડ્ઝ કોન્વેન્ટમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી આર્યા સ્કુલની દરેક સાંસ્કૃત્તિક પ્રવૃત્તિમાં ભાગ લે છે.નવરાત્રિમાં બાવીસ સ્ટેપના દોઢીયાથી માંડીને એકાંકીમાં પણ ભાગ લઈને હવે ભરત નાટયમમા પારંગત થવા જઈ રહી છે. છેલ્લાં સાત વર્ષથી કલાગુરુના મેઘનાબેન મહેતા પાસે ભરત નાટયમની અઘરી તાલીમ પુર્ણ કરી છે.

કલાગુરુ મેઘનાબેને જણાવ્યું કે, ભરત નાટયમ નૃત્ય શૈલીમાં હાથની મુદ્રાઓ આવશ્યક છે.પરંતુ આર્યાએ કુદરતી અને કૃત્રિમ હાથ વચ્ચેની પાતળી ભેદરેખાને ભરત નાટયમમાં વિશારદ થઈને વિસરાવી દીધી છે.આર્યાએ ભરત નાટયમની અઘરી કલાસાધના પૂર્ણ કરીને રવિવારે પોતાની એક હાથની બંધ મૂઠ્ઠી ખોલ્યા વિના આરંગેત્રમ દ્વારા ભગવાન નટરાજને પોતાની ભાવાંજલિ આપી હતી.જેને ઉપસ્થિત શ્રોતાઓએ સ્ટેન્ડીંગ ઓવેએશન આપીને વધાવી લીધી હતી.

12 વર્ષની આર્યા અત્યારે આઠમા ધોરણમાં ભણે છે પરંતુ સાથે સાથે આર્યા ભારતનાટ્યમ જેવી ક્લાસિકલ ડાન્સની છેલ્લા સાત વર્ષથી સાધના કરે છે ડાન્સની ખૂબી એ છે કે તેમાં હાથની મુદ્રાઓ બહુ મહત્વ ધરાવે છે. મેઘનાબેન મહેતા પાસે ભરતનાટ્યમની ડીગ્રી હાંસલ કરી છે. આર્યા એક હાથ વડે પોતાની કલા અંજલી નટરાજને અર્પણ કરી અપંગતાને પણ આશીર્વાદમાં ફેરવી નાખશે.

આર્યા કહે છે કે તેનો એક હાથ પંજાથી ભલે કુત્રિમ હોય પરંતુ આર્યા કુત્રિમ તથા કુદરતી હાથ વચ્ચેની ભેદરેખાને પોતાની શાસ્ત્રીય નૃત્ય કલાની તાલીમ દ્વારા ભૂંસી નાખી છે. આર્યાના પિતા અજય જરીવાલાએ જણાવ્યું હતું કે એક તો પુત્રી જન્મનો આનંદ હોય બીજી તરફ એક હાથનો પંજો જ ના હોય તો એક પિતા તરીકે વિમાષણ તો થાય પરંતુ આર્યાની તાલાવેલીને જોઈને અને એના કુત્રિમ હાથથી આરંગેત્રમ કરતી જોઈને એટલો જ આનંદ  થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *