ભારત સરકારે પ્રસિદ્ધ યોગી અને યોગોદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા અને સેલ્ફ રિયલાઈજેશન ફેલૉશિપના સંસ્થાપક પરમહંસ યોગાનંદની 125મી જયંતીના અવસરે 125 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. આ વિશેષ સ્મારક સિક્કો રજૂ કરવાના સમયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થા તરફથી સત્તાવાર રીતે આ જાણકારી આપવામાં આવી છે. પશ્ચિમી દેશોમાં “યોગ પિતા” તરીકે ઓળખાતા સંસ્થાપક પરમહંસ યોગાનંદનો આ સિક્કો 125 રૂપિયાનો છે. આ સિક્કાની પાછળની તરફ પરમહંસ યોગાનંદનું ચિત્ર, હિન્દી અને અંગ્રેજી ભાષામાં “પરમહંસ યોગાનંદની 125મી જયંતી” અને તેમના જીવનકાળના વર્ષની છાપ છે. આ સિક્કામાં સામેની તરફ ભારત સરકારના અશોક ચક્રનું ચિહ્ન, હિન્દીમાં ભારત અને અંગ્રેજીમાં INDIA સાથે 125 રૂપિયા અંકિત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સિક્કાનું વજન 35 ગ્રામ છે. જેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસતનું મિશ્રણ છે. આ તકે નિર્મલા સીતારમણે જણાવ્યું કે, યોગીજીએ એક સાર્વભૌમત્વનો સંદેશ આપ્યો, જે કોઈ એક વિશેષ વિચારધારા કે ધર્મ પર આધારિત નહતો. તેમણે પોતાના સંદેશને સમગ્ર વિશ્વ માટે સ્વીકાર્ય બનાવ્યો. ભારતને પોતાના સપૂત પર ગર્વ છે, જેણે આપણા મને શાંતિ અને સદ્ધભાવથી ભરી દીધું.
આ કાર્યક્રમમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, સંસ્કૃતિ સચિવ અરૂણા ગોયલ અને સ્વામી વિશ્વાનંદ ગિરી ઉપસ્થિત રહ્યા હતા.