ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં કેટલાક બુટલેગરો દારૂની સપ્લાય કરવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવતા રહે છે. બુટલેગરો ઘણીવાર પાઉડરની આડમાં દારૂની સપ્લાય કરે છે, તો કેટલીકવાર પેસેન્જર બસની સીટની નીચે ચોર ખાનાઓ બનાવીને દારૂની સપ્લાય કરે છે. પણ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરના દારૂની સપ્લાયના મનસુબા સફળ થતા નથી.
ગુજરાતમાં દારૂની પ્રવૃત્તિ અટકાવવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા રાજ્યની પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર રેડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યની પોલીસે અલગ-અલગ જગ્યા પર ચાલતા દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી હતી. આ રેડ દરમિયાન બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવાની પણ ઘટના સામે આવી હતી. ત્યારે હવે ડીસા પોલીસે અમુલ ડેરીના લખાણવાળા ટેમ્પાની આડમાં સપ્લાય થતા દારૂના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
એક રીપોર્ટ અનુસાર, દારૂની હેરફેર કરવા માટે અને પોલીસથી બચવા માટે બુટલેગરો અલગ અલગ કીમિયાઓ અપનાવતા હોય છે. ત્યારે ડીસામાં બુટલેગરોએ દારૂની સપ્લાય કરવા માટે અમુલ દૂધની સપ્લાય કરતી મીની ટ્રક જેવી જ એક બીજી ટ્રક તૈયાર કરી હતી. આ ટ્રકમાં બુટલેગરો દારૂની સપ્લાય કરતા હતા. જ્યારે આ બુટલેગરો દારૂનો મુદ્દામાલ ભરીને રાજસ્થાન તરફથી આવતા હતા. ત્યારે બનાસકાંઠા LCBને આ ટેમ્પો પર શંકા જતા પોલીસે અમુલનો ટેમ્પો ઊભો રાખીને તેની તપાસ કરી હતી. તો ટેમ્પામાંથી લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકમાં રહેલી રૂપિયા 2,12,500ની કુલ 2,125 વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી અને દારૂની હેરાફેરી કરતા ફજલ કુરેશી, બિલાલ ચૌહાણ, હનીફ તુવરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રમુભા સોલંકી, ખુદાબક્ષ બેલીમ અને અનીસ ફરાર થઇ ગયા હતા. આ દારૂની હેરાફેરી મામલે પોલીસે 6 લોકો સામે ફરિયાદ દાખલ કરીને ફરાર આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.