સુરત/ રિક્ષામાં આગળ-પાછળ ખસવાનું કહી મુસાફરોની નજર ચુકવી મોબાઈલની ચોરી કરતાં 2 ઝડપાયા

Surat mobile theft: ઓટો રિક્ષામાં બેઠેલાં મુસાફરોને આગળ-પાછળ ખસવાનું કહી નજર ચુકવી મોબાઈલ ચોરી( Surat mobile theft) અને સ્નેચિંગ કરતી રીઢા આરોપીઓની ગેંગને સુરતની ખટોદરા…

Surat mobile theft: ઓટો રિક્ષામાં બેઠેલાં મુસાફરોને આગળ-પાછળ ખસવાનું કહી નજર ચુકવી મોબાઈલ ચોરી( Surat mobile theft) અને સ્નેચિંગ કરતી રીઢા આરોપીઓની ગેંગને સુરતની ખટોદરા પોલીસે ઝડપી પાડી કુલ 8 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે.જ્યારે ગેંગના અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.આરોપીઓ પાસેથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓટોરિક્ષા માં બેસાડી મુસાફરોની નજર ચૂકવી ચોરી કરેલા કુલ 54 જેટલા મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એકલ-દોકલ દેખાતા પેસેન્જરોને ઓટોરિક્ષા માં બેસાડી આગળ -પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ઓટો રીક્ષા ગેંગ સક્રિય થઈ છે.જે ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે.આ દરમ્યાન આવી જ એક ગેંગના બે માણસોને ઝડપી પાડવામાં ખટોદરા પોલીસની ટીમને સફળતા મળી છે.ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના રુપાલી નહેર પાસે અજાણ્યા બે શખ્સો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા છે,તે મુજબની માહિતી ખટોદરા પોલીસને મળી હતી.જે માહિતીના આધારે ખટોદરા પોલીસની ટીમે રૂપાલી નહેર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ જણાય આવેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જે બંને શખ્સોના નામઠામ અંગે પૂછતા બે પૈકીના એકનું નામ શૈલેષ શંકરલાલ પરમાર અને બીજાનું અનિલ સૈદાણે હોવાનું સામે આવ્યું હતું.

4.69 લાખની કિંમતના ચોરીના 54 જેટલા મોબાઈલો કબ્જે કર્યા
ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને શખ્સોની અંગઝડતી લેતા જુદી-જુદી કંપનીના ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા. જેથી ખટોદરા પોલીસે બંને આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. ખટોદરા પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતાં ચોરીના અન્ય મોબાઈલ મળી આવ્યા હતા. જ્યાં બંને શખ્સો પાસેથી 4.69 લાખની કિંમતના ચોરીના 54 જેટલા મોબાઈલો કબ્જે કરી વધુ તપાસ ખટોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

રાંદેર પોલીસ મથકના પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પણ પોલીસને સફળતા મળી
ખટોદરા પોલીસની તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે ચોરીના આ મોબાઈલો શહેરના જુદા જુદા વિસ્તારોમાં એકલ-દોકલ દેખાતા પેસેન્જરોને ઓટોરિક્ષામાં બેસાડી આગળ- પાછળ ખસવાનું કહી નજર ચૂકવી ચોરી કર્યા છે.જે હકીકત ના આધારે ખટોદરા વેસુ અને ગોડાદરા પોલીસ ચોપડે નોંધાયેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા.તેવી જ રીતે e-fir અંતર્ગત શહેરના કાપોદ્રા,અલઠાણ, પાંડેસરા,રેલવે સહિત રાંદેર પોલીસ મથકના પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પણ પોલીસને સફળતા મળી હતી.

બે મોબાઈલ ચોર ઝડપાયા
ખટોદરા પોલીસના હાથે ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી અનિલ સૈદાણે સુરતના માન દરવાજા વિસ્તારનો રહેવાસી છે.જે આરોપી અગાઉ પણ શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં જુગાર સહિત મોબાઈલ ચોરીના આઠ ગુનામાં ઝડપાઇ ચૂકયો છે.જ્યારે આરોપી શૈલેષ શંકરલાલ પરમારની પણ અઠવાલાઇન્સ અને કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડી અને મોબાઈલ ચોરીના ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે.ખટોદરા પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ માં મોબાઈલ ચોરી કરતા ગેંગના અન્ય બે સાગરીતોના નામો સામે આવ્યા છે.જેમાં સલમાન ઉર્ફે સલમાન હડ્ડી ઘાસવાલા અને અહમદ રઝા આસિફ પઠાણ નામના શખ્સો શામેલ છે.જે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મુસાફરનું ધ્યાન ભટકાવી ચોરી કરતા
પકડાયેલા આરોપીઓની ગેંગ સુરતના જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં જઈ મુસાફરોને બેસાડતા હતા અને ત્યારબાદ પાછળથી સીટ પર બેસતા નહીં ફાવતું હોવાનું કઈ આગળ પાછળ કરીને મુસાફરનું ધ્યાન ભટકાવીને તેમની પાસેથી મોબાઇલ ફોન ચોરી કરી લેતા હતા. આ ઉપરાંત શહેરને જુદા જુદા વિસ્તારમાં એકંદ લોકલ જતાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ પણ કરી લેતા હતા.