રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનું આજી ડેમમાં ડૂબવાથી મોત- મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો થયો વાઈરલ

Rajkot Ajidam Accident: ગણપતિ વિસર્જન વખતે તંત્રએ નક્કી કરેલા ધારાધોરણનું પાલન નહીં કરીને પોતાની જાતે જ ઊંડા પાણીમાં જઇ ગણપતિનું વિસર્જન કરવાની ઘેલછા અગાઉ અનેક લોકો માટે જીવલેણ બની છે. શનિવારે આવી જ ઘેલછાએ મામા-ભાણેજનો ભોગ લીધો હતો. આજી ડેમના ઊંડા પાણીમાં ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરતી વખતે અચાનક જ ખાડામાં ડૂબી જવાથી મામા-ભાણેજનાં મોત નીપજ્યાં હતાં. દુઃખદ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ હતી.

રાજકોટના Rajkot  કોઠારિયા રોડ પરના આશાપુરાનગરમાં રહેતા કેતનવન ગોપાલવન ગોસ્વામીના ઘરે ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. દરરોજ ધામધૂમથી ગણપતિજીની સ્તુતિનું ગાન થતું, આરતી થતી અને આસપાસના વિસ્તારના લોકો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાતા હતા. પાંચમા દિવસે મૂર્તિનું વિસર્જન કરવાનું ગોસ્વામી પરિવારે નક્કી કર્યું હતું. લગભગ બપોરે બે વાગ્યાની આસપાસ આશાપુરાનગરથી મૂર્તિને વાહનમાં બેસાડી ગોસ્વામી પરિવારના સભ્યો વિસર્જન માટે આજી ડેમ જવા રવાના થયા હતા. બપોરના સવા ત્રણ વાગ્યાના અરસામાં આજી ડેમે મોગલ માતાજીના મંદિર પાસે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ibhavnagar (@ibhavngar)

કેતનવન તેના નાનાભાઇ રાજવન અને ભાણેજ હર્ષ કલ્પેશભાઇ ગોસ્વામી ગણપતિજીની મૂર્તિ લઇ ડેમના પાણીમાં ચાલતા થયા હતા. ડેમમાં થોડે સુધી આગળ જઇ ઊંડા પાણીમાં મૂર્તિને વિસર્જન કરવાની ઇચ્છાથી બંને ભાઇ અને તેનો ભાણેજ મૂર્તિ સાથે પાણીમાં આગળ ચાલી રહ્યા હતા, ડેમમાં અચાનક જ ઊંડો ખાડો આવતાં ભાણેજ હર્ષ તેમાં ડૂબવા લાગતા મામા કેતનવન તેને બચાવવા જતા તે પણ ખાડામાં ડૂબવા લાગ્યા હતા તે વખતે જ સાથે રહેલા રાજવને ભાઇ તથા ભાણેજને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ સ્થિતિ પામી ગયેલા કેતનવને નાનાભાઇ રાજવનને ડૂબતા ડૂબતા ધક્કો મારી દેતા રાજવન બચી ગયો હતો.

નજર સામે જ મામા કેતનવન અને ભાણેજ હર્ષ ખાડામાં ડૂબી જતાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડના મરજીવાઓએ ડેમના પાણી ડખોળ્યા હતા એક કલાકની જહેમત બાદ કેતનવન અને હર્ષનો મૃતદેહ હાથ આવ્યા હતા.

ઘટનાને પગલે આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેતનવન ગોસ્વામી બે ભાઇમાં મોટા હતા. બેટરીની દુકાન ચલાવતા હતા અને તેને સંતાનમાં એક પુત્રી છે જ્યારે હર્ષ ગોસ્વામીના માતા-પિતા સોમનાથ વેરાવળ રહે છે. હર્ષ પાંચેક વર્ષથી રાજકોટમાં તેના મામા કેતનવન સાથે રહેતો હતો અને પોલીટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *