છેલ્લા એક મહિના કરતાં પણ વધારે સમયથી મોદી સરકારના 3 કૃષિ કાયદાની વિરુધ્દ આક્રમક રીતે દેશના ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. પંજાબમાં આવેલ અમૃતસરમાં આજે ખેડૂતોના સમર્થનમાં કાઢવામાં આવેલ ટ્રેક્ટર રેલીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
અનિયંત્રિત ટ્રેક્ટર રેલીમાં ચાલી રહેલ મહિલાઓને અથડાઈને આગળ નીકળી ગયું હતું. ઘટનામાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે. આની સાથે જ 5 મહિલાઓને ગંભીર રીતે ઈજા પહોંચી છે. પોલીસની પુછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપીને ટ્રેક્ટર ચલાવતા જ આવડતું ન હતું. આની સિવાય તેમની પાસે કોઈ લાયસન્સ પણ ન હતું.
બલ્લામાં મંગળવારે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી :
અમૃતસરમાં આવેલ અટારી-બેરાક બાઈપાસ સ્થિત ગામ બલ્લામાં આજે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સામેલ થયેલા એક ટ્રેક્ટર ડ્રાઈવરે અચાનક જ નિયંત્રણ ગુમાવી દીધું હતું. જેને લીધે ટ્રેક્ટર મહિલાઓ સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં 2 મહિલાઓના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે કુલ 5 મહિલાને ખુબ ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો :
ઘટના સર્જાયા બાદ લોકો ગભરાઈ ગયા હતા. લોકોએ ટ્રેક્ટર ડ્રાઈવરને પકડી પાડીને પોલીસ સ્ટેશન બલ્લાના હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળને ચારેય તરફથી ઘેરી લેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગામ બલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ટ્રેક્ટર પરેડની જાહેરાત કરાઈ હતી :
મળી રહેલ જાણકારી પ્રમાણે કિસાન સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીનાં રોજ ટ્રેક્ટર પરેડ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરેડમા સામેલ થવા માટે વિસ્તારના ગુરુદ્વારા સાહિબાનથી જાહેરાત કરી હતી. જેને લીધે મંગળવાર બપોર સુધી બલ્લા બાઈપાસ પાસે સંખ્યાબંધ ટ્રેક્ટર ટ્રોલી એકત્ર થઈ હતી.
આ પરેડમાં ખુબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઈ હતી. મહિલાઓ બાળકોની સાથે પરેડની આગળ ચાલી રહી હતી. આ દરમિયાન એક ટ્રેક્ટર ચાલકે પાણીના ટેન્કરને પોતાની ટ્રોલીમાં લઈ જઈ રહ્યો હતો. જયારે તે ટ્રેક્ટર મહિલાઓની પાસે પહોંચ્યું ત્યારે ચાલકે ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવી દેતા મહિલાઓને અથડાઈને આગળ ચાલતુ રહ્યું હતું. ડ્રાઈવરની ઓળખ સુખ પુત્ર ગુલજાર સિંહ તરીકે થઈ રહી છે.