ગુજરાતના બારડોલી (Bardoli, Gujarat) શહેરમાં આમ આદમી પાર્ટીના નેતાની કારમાંથી બાઇક સવારે રૂ. 20 લાખ રોકડા લઇને ભાગી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ પૈસા બારડોલીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના છે. પોલીસે રાજેન્દ્ર સોલંકીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે જ આટલી મોટી રકમ ક્યાંથી આવી તે અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં બારડોલી નગરમાં સ્પોર્ટ્સ બાઇક ચાલક બાઇક પર ભાગતા બે જણાનો પીછો કરી રહ્યો છે.
કારનો કાચ તોડી પૈસા ભરેલી થેલી લઈને ભાગી રહેલા બે શખ્સોનો એક બાઇક સવાર પીછો કરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર પાછળ બેઠેલા વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. બાઇક ચાલક પૈસા લઇને ભાગી ગયેલા આરોપીઓને રોકવાની ચેતવણી પણ આપી રહ્યો છે. આખરે બેગ છીનવીને ભાગી ગયેલો આરોપી થેલો રોડ પર ફેંકીને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. બંને ગુનેગારોનો પીછો કરનાર વ્યક્તિનું નામ આદિલ મેનન છે. આદિલ પૈસા ભરેલી બેગ લઈને બારડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસને બેગ સોપી હતી.
આદિલ મેનને જણાવ્યું હતું કે સાંજે લગભગ 5.30 વાગ્યે બે લોકો ઈકો સ્પોર્ટ કારનો કાચ તોડીને પૈસા ભરેલી બેગ લઈને ભાગી રહ્યા હતા. આ જોઈને હું લગભગ દોઢ કિલોમીટર સુધી તેની પાછળ ગયો અને પછી તે બેગ રસ્તામાં જ મૂકીને ભાગી ગયા હતા. તે બેગ લઈને હું બારડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને બેગ સોપી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે કારમાંથી કાચ તોડીને પૈસા નીકાળવામાં આવ્યા હતા તે કાર બારડોલી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની છે. જ્યારે કેસની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ પૈસા આંગડિયા પેઢીમાંથી આવ્યા હતા.
પોલીસે જ્યારે રાજેન્દ્ર સોલંકીને આ પૈસા અંગે પૂછ્યું તો તે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જે બાદ પોલીસે આ મામલે ઈન્કમટેક્સ વિભાગને પણ તપાસ સોંપી છે. આ મામલે હવે આવકવેરા વિભાગ અને સુરત ગ્રામ્ય પોલીસની એસઓજી ટીમ વધુ તપાસ કરશે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સતત વિવાદોમાં ઘેરાયા છે. આવા સંજોગોમાં હવે બારડોલી વિધાનસભાના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી 20 લાખ રૂપિયા મળતા તે પણ સવાલોના વર્તુળમાં ઘેરાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.