સુરત/ બ્રિજ પર ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતા 23 વર્ષીય યુવકનું મોત, પરિવારનો એકનો એક કુળદીપક બુઝાયો

Surat Accident: સુરતમાં આજેરોજ ફરીએક વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હજુ બે દિવસ અગાઉ મહારાષ્ટ્રથી આવેલા યુવકે કાળ ભરખી ગયો છે.યુવક મહારાષ્ટ્રના પુણે ખાતે BSCનો અભ્યાસ કરતો હતો અને માતા બીમાર હોવાથી તેને મળવા માટે સુરત( Surat Accident ) આવ્યો હતો. પરિવારના એકના એક દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

માતાની તબિયત ન સારી હોવાના કારણે બે દિવસ અગાઉ જ આવ્યો હતો
લીંબાયત આસપાસ નગરમાં 23 વર્ષીય ચન્દ્રરાજ તુકારામ પાટીલ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં બે બહેનો વચ્ચે ચંદ્રરાજ એકનો એક ભાઇ છે. પિતા તુકારામ ડ્રાઇવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ચંદ્રરાજ હાલ મહારાષ્ટ્રના પુણેમાં BSCનો અભ્યાસ કરતો હતો અને તેને પૂર્ણ થવાને 4 મહિના જ બાકી હતા.ત્યારે સુરત ખાતે રહેતી માતાનું ઓપરેશન હોવાથી પુણેથી તે સુરત આવ્યો હતો.

મિત્રો સાથે જતો હતો તે દરમિયાન કાળ ભરખી ગયો
ગત રોજ ડીંડોલી વિસ્તારમાં રહેતા મિત્રનો જન્મદિવસ હતો અને પોતે અન્ય બે મિત્રો સાથે મોટર સાયકલ પર સવાર થઈ ટ્રિપલ સવારી ચા પીવા માટે ગયો હતો. જે દરમ્યાન પુરપાટ ઝડપે રહેલી ત્રણેય મિત્રોની મોટર સાયકલ આગળ જતા ટેમ્પો જોડે ભટકાઈ હતી. જે અકસ્માતની ઘટનામાં ચંદ્રકાન્તનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોની નાની-મોટી સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ત્રણેય મિત્રોને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા
રાત્રે 11 વાગ્યાના અરસામાં થયેલા અકસ્માત બાદ ત્રણેય મિત્રોને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ ચન્દ્રરાજને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય બંનેને સામાન્ય ઇજા થઇ હતી. બીમાર માતાને મળવા આવેલા ચન્દ્રરાજને સુરત આવ્યાના એક દિવસમાં જ કાળ ભરખી ગયો હતો.

પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચ્યા
ડીંડોલી પોલીસે અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પરિવારને જાણ કરી હતી. પુત્રના અકાળે મોતના પગલે પરિવારજનો ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટના અંગે ડીંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.