રાજકોટ/ કાકાને બચાવવા જતાં ભત્રીજાએ જીવ ગુમાવ્યો- પાનના ગલ્લાવાળાએ માત્ર 3,000ની ઉઘરાણીમાં યુવકને આડેધડ છરીના ઘા ઝીંક્યા

Published on Trishul News at 5:29 PM, Tue, 30 January 2024

Last modified on January 30th, 2024 at 5:30 PM

Rajkot News: રાજકોટના શાપર વેરાવળમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે રુપિયાની લેતીદેતીમાં યુવક પર હુમલો કરાયો હોવાનો ખુલાસો થયો હતો. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે રાજકોટની(Rajkot News) સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકે જીવ ગુમાવ્યો હતો. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાળાગાળી કરતા ઈસમોને ના પડતા કરવામાં આવ્યો હુમલો
સોમવારના રોજ મૃતક યુવકના કૌટુંબિક કાકા પ્રવીણ મકવાણા રાત્રિના નવ વાગ્યે વેરાવળ ખાતે આવેલ સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે ગયા હતા. ત્યારે યસ સોનગરા તથા તેના ભાઈ ચિરાગ સોનાગરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમારા 4500 રૂપિયા બાકી છે. તે પૈસા તમે અત્યારે જ આપો. ત્યારે પ્રવીણ મકવાણાએ કહ્યું હતું કે, હાલ મારી પાસે પૈસા નથી થોડા સમય પછી તમને પૈસા આપી દઈશ. ત્યારે તરત જ બંને ભાઈઓ બોલાચાલી કરવા લાગ્યા હતા.આ અરસામા પ્રવીણ મકવાણાનો ભત્રીજો જયદીપ મકવાણા ત્યાંથી પસાર થતો હતો.

તે સમયે જયદીપે બંને ભાઈઓને ગાળો નહીં આપવાનું કહેતા તે બંને ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ દુકાનની બહાર આવીને ત્રણેય વ્યક્તિઓ દ્વારા જયદીપને માર મારવામાં આવ્યો હતો તેમજ યસ દ્વારા પોતાની પાસે રહેલી છરી વડે જયદીપને આડેધડ ઘા પણ મારવા લાગ્યા હતા. જયદીપ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી જતા ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા હતા. આરોપીઓ દ્વારા પ્રવીણ મકવાણાને પણ જ્ઞાતિ પ્રતિહડધુત કરીને ઢીકા પાટુનો માર માર્યો હતો.

એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી ત્રણેય શખ્સોને પકડી પૂછપરછ હાથ ધરી
આ બનાવ અંગે પોલીસે મૃતક યુવાનના મોટા બાપુ ભરતભાઈ પાલાભાઈ મકવાણાની ફરિયાદ પરથી રાજકોટની ન્યુ સુભાષ સોસાયટીમાં રહેતા યશ મનસુખભાઈ સોનાગરા, ચિરાગ મનસુખભાઈ સોનાગરા અને એક અજાણ્યા શખ્સ સામે હત્યા અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી ત્રણેય શખ્સોને પોલીસે સકંજામાં લઈ વિશેષ પુછપરછ હાથ ધરી છે. આ બનાવની તપાસ ગોંડલના ડીવાયએસપી કે.જે.ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
મૃતકના પિતા રાજેશભાઈને સંતાનમાં બે દીકરી અને એક દીકરો, જેમાં સૌથી મોટી દીકરી જ્યોતિ, જે બનાસકાંઠા ખાતે આરોગ્ય ખાતામાં નોકરી કરે છે. તેનાથી નાની કિંજલ (ઉં.વ.22) જે રાજકોટ દોશી હોસ્પિટલમાં પ્રાઇવેટ નોકરી કરે છે. દીકરો જયદીપ (ઉં.વ.20) સૌથી નાનો હતો, જે છૂટક મજૂરી કરતો હતો. જયદીપ અહીં શિવનગર શેરી નં.2માં તેની માતા કંચનબેન તથા બહેન કિંજલ એમ ત્રણેય સાથે રહેતો હતો. જયદીપના પિતા રાજેશભાઈ બહેન જ્યોતિ સાથે બનાસકાંઠા રહે છે. હત્યાના બનાવની જાણ થતાં બનાસકાંઠાથી પિતા અને બહેન રાજકોટ દોડી આવ્યાં હતાં.ત્યારે યુવકના મોતના પગલે તેના પરિવારમાં રુદનની ચિચિયારીઓ ગુંજી ઉઠી છે.