વડોદરામાં સસ્તું ઘી લેવાની લાલચ લાખોમાં પડી- 3 મહિલાઓએ ઘી વેચવાના બહાને 5 લાખની કરી ચોરી

Vadodara Crime: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સસ્તું ઘી મેળવવાના ચક્કરમાં એક પરિવારે પાંચ લાખના ઘરેણાં ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે.ઘરે ઘી વેચવા આવેલી ત્રણ…

Vadodara Crime: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સસ્તું ઘી મેળવવાના ચક્કરમાં એક પરિવારે પાંચ લાખના ઘરેણાં ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે.ઘરે ઘી વેચવા આવેલી ત્રણ મહિલાએ નજીવા ભાવે ઘી( Vadodara Crime ) આપી જમવાનું માગ્યું હતુ, જેથી મહિલાએ ઘી વેચવા આવેલી મહિલાઓને પ્રેમથી જમાડી હતી. એ બાદ ઠગ મહિલાઓએ જમાડ્યાનું ઋણ ચૂકવવું પડે એવું જણાવી દૂધ માટે બોટલ માગી હતી અને બીજે દિવસે ફરી આવવા જણાવ્યું હતું. એ બાદ બીજા દિવસે બે મહિલા દૂધ ભરીને ફરી આવી હતી. એમાંથી એક મહિલાએ દંપતીને સોનાનો નકલી સિક્કો આપી ખાડો ખોદતા સમયે સોના-ચાંદી જેવી વસ્તુ ભરેલો લોટો મળી આવ્યો હતો એવું જણાવ્યું હતું. એ બાદ અન્ય મહિલાએ સોનીને ન જાણતી હોવાનું કહી સોનાના નકલી સિક્કા ભરેલી પોટલી દંપતીને પકડાવી રૂપિયા 3.75 લાખ રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ લઇ રફુચક્કર થઈ ગઈ હતી. લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ લઈ રફુચક્કર થઇ જનારી મહિલાઓ CCTVમાં કેદ થઈ છે. તાલુકા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

5 લાખના ઘરેણાંની ચોરી કરી થઇ ફરાર
ભાયલી વિસ્તારમાં ઘી વેચવા આવેલી મહિલાએ 5 લાખના ઘરેણાની ચોરી કરી છે. 30 ડિસેમ્બરે 3 મહિલાઓ ઘરે આવી સસ્તુ ઘી વેચ્યું હતું. જેઓ બીજા દિવસે દુધ લાવી ઘરમાંથી 5 લાખના ઘરેણા અને રોકડ લઇ ફરાર થઈ હતી. જે સમગ્ર ઘટના અંગેની તપાસમાં સોસાયટીના CCTV ચેક કરતા માલૂમ થયો હતો કે, ઘી વેચવા ફરી રહેલી મહિલા ચોરી કરી છે.આ અંગે તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તારાબેન ઉર્ફ તેજલબેન હિમેશભાઇ મિસ્ત્રી (ઉં.વ.42) ભાયલી ગામમાં સુથાર ફળિયામાં કોન્ટ્રેક્ટર પતિ અને બે બાળકો સાથે રહે છે. તા. 30 ડિસેમ્બર-2023ના રોજ બપોરના સમયે તારાબેન અને તેમનાં સાસુ ગીતાબેન ઘરે હતાં. એ દરમિયાન ફળિયામાં દેશી ઘી વેચવા માટે બે મહિલા આવી હતી. તેમને ઘર વપરાશ માટે ઘી લેવાનું હોવાથી મહિલાઓને પોતાના ઘરે લઇ ગયાં હતાં અને એક હજારમાં 2 કિલો ઘી ખરીદ્યુ હતું.

5,60,000નો મુદ્દામાલ આપી દીધો
મહિલાએ કોન્ટ્રેક્ટર હિતેશભાઈ મિસ્ત્રીને વિશ્વાસમાં લેવા માટે વાતને આગળ ધપાવતાં જણાવ્યું હતું કે સોના-ચાંદી જેવી મળેલી વસ્તુનું શું કરવું? એ અંગે કંઈ ખબર પડતી નથી. આ વાત ચાલતી હતી, એ સમયે જ અન્ય બે મહિલા આવી પહોંચી હતી, જેમણે સોના જેવી ચળકાટ મારતા સિક્કા ભરેલી પ્લાસ્ટિકની થેલી મિસ્ત્રી દંપતી સામે મૂકી દીધી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે આ સાચા છે કે ખોટા એની અમને ખબર પડતી નથી. આપણે સોનીને બતાવી જોઈએ, પરંતુ, સોની કોણ હોય છે એની અમને ખબર નથી.મહિલાઓએ વાતને આગળ ધપાવતાં મિસ્ત્રી દંપતીને જણાવ્યું કે તમે આ સિક્કા લઈ લો અને અમને થોડા પૈસા આપી દો, એમ કહી સિક્કા ભરેલી થેલીનું વજન ચેક કરી લો. જેથી હાથમાં સિક્કા ભરેલી થેલી દંપતીએ પકડતાં 500 ગ્રામ જેટલું વજન જણાઈ આવ્યું હતું.

એ બાદ તરત જ મહિલાએ હિતેષભાઈને કહ્યું હતું કે અમને રૂપિયા 10 લાખ આપી દો. જોકે દંપતીએ કહ્યું હતું કે આટલી મોટી રકમ ઘરમાં નથી. હાલમાં રોકડા રૂપિયા 3,75,000 છે. ત્યારે મહિલાઓએ કહ્યું, આ રકમ બહુ ઓછી છે.જે દરમિયાન મહિલાઓએ કહ્યું, જે રોકડ છે એ અમને આપી દો અને બાકીની રોકડ રકમની બે દિવસમાં વ્યવસ્થા કરી રાખજો. હાલ ઘરમાં સોનાની તૂટેલી વસ્તુઓ હોય એ આપી દો, આથી દંપતીએ 500 ગ્રામ સોનાના સિક્કા લેવાની લાલચમાં ઘરમાંથી સોનાની બાળકોની તૂટેલી 5 વીંટી, તારાબેને પોતાની 1 તોલાની ચેઇન, હિતેષભાઈની 12 ગ્રામની 1 સોનાની લકી અને લેડીઝને પહેરવાની 10 ગ્રામની સોનાની 1 લકી તેમજ રોકડ રૂપિયા 3,75,000 મળી કુલ રૂપિયા 5,60,000નો મુદ્દામાલ આપી દીધો હતો.

CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી
દરમિયાન મહિલાઓ ત્રણ દિવસ સુધી ઘરે ન આવતાં મિસ્ત્રી દંપતીએ મહિલાઓએ આપેલા સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરાવતાં એ નકલી હોવાનું જણાઇ આવ્યું હતું. મિસ્ત્રી દંપતી સોનાના સિક્કા નકલી હોવાનું જાણતાં જ સ્તબ્ધ થઈ ગયું હતું. બાદમાં આ બનાવ અંગે તારાબેન ઉર્ફે તેજલબેન હિતેશભાઈ મિસ્ત્રીએ તાલુકા પોલીસ મથકમાં ત્રણ ઠગ મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ સિનિયર પી.એસ.આઇ. એ. ઓ. ભરવાડે ઠગ મહિલાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.​​​​​​​

તાંત્રિકવિધિ કરી હોવાનો પરિવારનો આરોપ
મહિલાએ તાંત્રિકવિધિ કરતાં જાતે ઘરેણા સોંપી દીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જો કે, આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સાથો સાથ આવી ઘટનાઓને પગલે શહેરની સોસાયટીઓમાં સઘન સુરક્ષાઓ પણ ગોઠવવામાં આવી રહી છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ પણ નોંધાવી છે