અનેકવિધ રોગને કારણે કેટલાય લોકોના મોત થતા હોય છે ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં રોગચાળો સતત વકરતો જઈ રહ્યો છે. વડોદરામાં આવેલ વાઘોડિયા રોડના 25 વર્ષનાં જિમ સંચાલકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું હતું. જેને કારણે સમગ્ર પરિવાર શોકમાં ગકરાવ થયો છે.
ફેબ્રુઆરી-2021માં યુવાનની સગાઈ થઈ હતી:
શહેરના વાઘોડિયા રોડ પર રહેતા તેમજ શહેરના જ મહાવીર હોલ ચાર રસ્તા નજીક જિમ ચલાવી રહેલ યુવક જલ્પન શિંદેના બાપોદની યુવતી સાથે ફેબ્રુઆરી-2021માં સગાઈ નક્કી થઈ હતી તેમજ ફેબ્રુઆરી-2022માં લગ્ન લેવાના હતા. જો કે, એના પહેલાં જ તેને જલ્પન શિંદેને ડેન્ગ્યૂ ભરખી જતા પરિવારમાં માતમ ફેલાયો હતો.
સતત 9 દિવસ સારવાર ચાલી:
જિમ સંચાલક જલ્પન શિંદેની છેલ્લા 9 દિવસથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર વખતે જ યુવાનનું મોત નીપજ્યું હતું. શહેરમાં છેલ્લા 3 દિવસમાં ડેન્ગ્યુના 67 કેસ તેમજ ચિકનગુનિયાના 41 કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
જ્યારે મચ્છરને લીધે કુલ 368 લોકો બિમાર હોવાનું નિદાન થયું છે. બીજી બાજુ ઝાડા ઉલ્ટીના કેસોનો ગ્રાફ ઊંચે જઇ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં 53 કેસ ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા છે. મેલેરિયાના 2 તથા ટાઇફોઇડનો 1 કેસ મળી આવ્યો હતો.
જુડો ચેમ્પિયન યુવતીનો ડેન્ગ્યુની બીમારીએ લીધો ભોગ:
એક મહિના અગાઉ શહેરમાં આશાસ્પદ નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનો ડેન્ગ્યુની બીમારીએ ભોગ લેતાં હાહાકાર મચી જવા પામ્યો હતો. શહેરની સયાજી ટાઉનશિપમાં રહેતી તેમજ ઝારખંડમાં રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર 19 વર્ષની સાક્ષી રાવલનું ડેન્ગ્યુની બીમારીથી મોત નીપજતા રમતગમતક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ઉઠી હતી.
જોકે, ફેમિલી તબીબની ઘરે જવાની ઉતાવળમાં દીકરીનું મોત થયું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે, અમને ખબર જ છે કે, અમને ન્યાય મળશે નહીં. મૃત્યુ પામેલી યુવતીની ઓલિમ્પિકમાં રમવાની ઇચ્છા હતી.
ડેન્ગ્યુના કેસનો કુલ આંકડો 560 પર પહોંચ્યો:
શહેરમાં મચ્છરનો ઉપદ્રવ સતત વધતો જઈ રહ્યો છે તેમજ એને લીધે જીવલેણ ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા અને મલેરિયા તથા તાવ આવતા હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. છેલ્લા 3 દિવસમાં પાલિકાના ચોપડે 154 નમૂનાઓ પૈકી 67 નમૂનામાં ડેન્ગ્યુ પોઝિટિવ આવતા ડેન્ગ્યુના કેસનો કુલ આંકડો 560 પર પહોંચ્યો છે. જ્યારે પાલિકાએ લીધેલા 95 નમૂનામાંથી 41 નમૂના ચિકનગુનિયાના પોઝિટિવ આવતા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
તરસાલી અને સુભાનપુરામાં મલેરિયાના કેસ નોંધાયા:
અત્યાર સુધીમાં શહેરમાંથી ચિકનગુનિયાના કુલ કેસ વધીને 317 થઈ ચુક્યા છે ત્યારે તરસાલી તથા સુભાનપુરા વિસ્તારમાં મલેરિયાના કેસ નોંધાયા છે. શહેરમાં પાલિકાની ટીમ દ્વારા 24,384 મકાનોમાં તપાસ કરતાં ત્યાંથી 368 લોકોને તાવ આવતો હોવાનું સામે આવ્યું છે.
મચ્છરજન્ય રોગોની સાથે શહેરમાં પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. છેલ્લા 3 દિવસમાં પાલિકાએ 19,294 મકાનોમાં સર્વે કરવામાં આવ્યો હતો કે, જેમાં ઝાડા-ઊલટીના કુલ 104 તેમજ તાવ આવતા હોવાની 168 ફરિયાદો મળી છે. જો કે, શંકાસ્પદ લાગતા 660 લોકોના લોહીના નમૂના લઇને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.