ગુજરાત(Gujarat): રાજ્યમાંથી પટેલ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ગયા અઠવાડિયે કેનેડા બોર્ડર(Canada Border) પરથી મળી આવ્યા હતા. મૃતદેહો મળી આવતા તેની ઓળખ શંકાના દાયરામાં હતી, જેને આજે ભારતીય હાઈ કમિશન દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે અને મૃતદેહની ઓળખ કલોલ(Kalol)ના ડીંગુચા(Dingucha)ના જગદીશ પટેલ અને તેની પત્ની અને બાળકો તરીકે કરવામાં આવી છે. મૃતદેહને ભારત પરત લાવવા કે કેનેડામાં અંતિમ સંસ્કાર કરવામાં આવે તે અંગે સંબંધીઓ ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ પરિવારે હવે મૃતદેહને ભારત પરત નહીં લાવવાનો નિર્ણય લીધો છે.
પરિવારના સભ્ય મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, “એ વાતની પુષ્ટિ થઈ છે કે જગીદશભાઈ અને તેમની પત્ની અને બાળકોના મૃતદેહ અમારા જ પરિવારના છે. અમારામાંથી ઘણા લોકો સાથે ચર્ચા કર્યા બાદ અમે આખરે મૃતદેહોને ભારત નહીં લાવવાનો નિર્ણય કર્યો છે અને નક્કી કર્યું છે.” અંતિમ સંસ્કાર કેનેડામાં થશે.
ડીંગુચા ગામના એક વ્યક્તિના જણાવ્યા મુજબ, મૃતદેહ સંપૂર્ણપણે થીજી ગયો છે, શરીરમાં કશું જ બચ્યું નથી. સાથે જ મૃતદેહને ભારત પરત લાવવા માટે લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. પરિવારે દૂતાવાસ સાથે પણ ચર્ચા કરી હતી જે બાદ મૃતદેહ પરત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અનેક ગુજરાતીઓ વિદેશ જવાની લાલચમા રૂપિયા ગુમાવી રહ્યા છે. પરંતુ કેનેડા બોર્ડર પર બનેલી ઘટના અત્યંત કરુણ છે. અમેરિકા જવાની લાલચમાં કલોલના પટેલ પરિવારને મોંઘુ પડ્યું છે. પટેલ પરિવારનું અમેરિકા જવાનુ સપનુ બોર્ડર વટે તે પહેલા જ રગદોળાયુ. ગુજરાતી પરિવાર અમેરિકા પહોંચવા માટે માઈનસ 35 ડિગ્રી હાડ થીજવતી ઠંડીમાં એકધારા 11 કલાક ચાલ્યા હતા.
આ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરીએ જ પટેલ પરિવારનો જીવ લીધો છે. કુલ 11 લોકો આ રીતે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હતા, જેમાઁથી એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. મૃત્યુ પામેલામાં એક બાળક અને એક નાનકડી દીકરી પણ છે. બાકીના 7 લોકોને હાલમાં પકડી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 10 દિવસ પહેલા બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્ર, પુત્રી 10 દિવસ પહેલા એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા પછી તેમનો સંપર્ક થયો હતો, પરંતુ ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ છે કે, છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. બીજી તરફ, અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના સમાચાર સામે આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
મૃત્યુ પામેલા લોકોની યાદી:
ભારતના હાઈકમિશને ગુરવારના રોજ આ અંગે આપેલા નિવેદનમાં જણાવતા કહ્યું હતું કે, કેનેડાના અધિકારીઓ દ્વારા ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. આ મૃતકોની યાદીના નામમાં જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.