શાળા (School)ની તંત્રની બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા છે. મહિસાગર(Mahisagar) જિલ્લાના સંતરામપુર(Santrampur) નગરની પ્રતાપપુરા પ્રાથમિક શાળા (Pratappura Primary School)માં લોબીના સ્લેબના પોપડા નીચે બેઠેલા બાળકો પર પડતાં 3 વિદ્યાર્થિની અને 1 વિદ્યાર્થી મળી કુલ 4 બાળકોને ઇજા પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાના 12 ઓરડામાંથી 4 ઓરડાને જર્જરિત જાહેર કરીને બાળકોના અભ્યાસ માટે બંધ કરી દીધા હતા. તેથી બાળકોને શાળાની લોબીમાં બેસાડીને શિક્ષણ આપવામાં આવે છે. સોમવારે શાળાના શિક્ષકનો નિવૃત્તિ સન્માન સમારંભ શાળાની બહાર ચાલતો હતો. બાળકોને શાળાની લોબીમાં બેસાડ્યા હતા. આ દરમિયાન આચાનક જ લોબીના સ્લેબના પોપડા નીચે બેઠેલા બાળકો પર પડ્યા હતા.
આ ઘટનામાં 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ બાળકોને માથા તેમજ પીઠના ભાગે ઇજાઓ પહોચી હતી. તેથી ઘાયલ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન છતના પોપડા પડતાં દોડધામ મચી હતી. પ્રતાપપુરા પ્રાથમિક શાળાના 12 વર્ગખંડમાંથી 4 વર્ગખંડને વર્ષ 2017-18માં ડિસમેન્ટલ જાહેર કરવામાં આવ્યા હતા.
અમારાં બાળકની જવાબદારી કોણ લેશે?
આ ઘટનાને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું કે, ‘મારી દીકરીને પીઠના ભાગે ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી છે. સંતરામપુરની પ્રતાપપુરા શાળાનું બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી અમે અમારાં બાળકોને શાળામાં મોકલીશું નહીં. જાનનું જોખમ વધી જાય છે. અમારા બાળકની જવાબદારી કોણ લેશે?’ અન્ય વાલીએ જણાવ્યું કે, ‘મારી દીકરી લોબીમાં બેઠી હતી ત્યારે પોપડા પડતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેને માથામાં 8 ટાંકા આવ્યા છે. આવી જર્જરિત શાળામાં બાળકોને બેસાડવા જોઇતા ન હતા. અન્ય જગ્યાએ કાર્યક્રમ હોત તો મારી છોકરીને વાગ્યું ન હોત.’
શાળાને ડિસમેન્ટલ જાહેર કરીને નવી શાળા બનાવવામાં આવશે:
સંતરામપુરના ધારાસભ્ય અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરે ઘટનાની જાણ થતા જણાવ્યું હતું કે, શાળાને ડિસમેન્ટલ જાહેર કરીને નવિન શાળા બનાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.