મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલી- અદાણી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને 5 કરોડની સહાય

5 crore aid to orphans by Adani Foundation: મોરબી ઝૂલતા પૂલ તૂટી પડવાની હૃદયદ્વાવક ઘટનાની પ્રથમ વરસીએ અદાણી ફાઉન્ડેશન(5 crore aid to orphans by Adani Foundation) મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પે છે. અદાણી ફાઉન્ડેશન એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. મચ્છુ નદી ઉપરનો ઐતિહાસિક ઝૂલતો પુલ ગત 3૦ ઓકટોબરે ધરાશાયી થતા 135 લોકોએ જિંદગી ગુમાવી હતી, જેમાં 20 બાળકો અનાથ બન્યા હતા.

મોરબી બ્રિજનું તૂટી પડવું એ એક કાળજુ કંપાવનારી દુર્ઘટના હતી, જેણે સ્થાનિક સમુદાયોને જ નહી, પરંતુ સમગ્ર દેશને ઊંડો આઘાત આપ્યો હતો. આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ અદાણી ફાઉન્ડેશનની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારોના દુ:ખમાં સહભાગી બની ઘર આંગણે મદદ પહોંચાડી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા પીડિત પરિવારોના અનાથ બાળકો માટે કુલ ₹ 5 કરોડની સહાય કરવામાં આવી છે.

તે દિવસે શિવમ પરમાર રાજકોટથી મોરબી માતા-પિતા સાથે ફરવા આવ્યો હતો. કમનસીબે તેના માતા-પિતાનો દુર્ઘટનાનો ભોગ બન્યા પણ શિવમનો આબાદ બચાવ થયો. ક્ષણભરમાં શિવમ જેવા કેટલાય બાળકો અનાથ બની ગયા. અદાણી ફાઉન્ડેશને માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 20 બાળકોનુ ભાવિ સુનિસ્ચિત કરવા દરેક માટે ₹ 25 લાખની ફિક્સ ડિપોઝિટ જમા કરાવી દીધી.

ધોરણ 4માં ભણતો શિવમ ભવિષ્યમાં પોલીસ બની દેશસેવા કરવાના સપના સેવે છે. ફાઉન્ડેશનનો અપાર સ્નેહ, સાંત્વના અને મદદ મેળવતા શિવમના દાદા ભારે હૃદયે જણાવે છે કે “મારા રામે ઘરે આવી અમારી દુ:ખની વેળાએ આંગળી પકડી લીધી છે. અદાણી ફાઉન્ડેશનનો ખૂબ-ખૂબ આભાર..!”

એ મોતના તાંડવમાં અબાળવૃદ્ધ સૌનું આક્રંદ આજે પણ ભલભલાની આંખના ખૂણા ભીંજવી દે છે. સગર્ભા મુમતાઝબેન ત્યારે પરિવાર સાથે ફરવા આવ્યા હતા, નાદુરસ્ત તબિયતના કારણે પૂલ પરથી પરત ફરી રહ્યા હતા તેવામાં જ બાળકોની ચિચિયારીઓ સાંભળી ઢળી પડ્યા. બેશુદ્ધિમાંથી બહાર આવતા જ તેમના માથે જાણે ખરેખર આભ તૂટી પડ્યું હતું. પતિ અને બે માસુમોની લાશ જોતા ફરી અર્ધજાગૃત અવસ્થામાં સરી પડ્યા. એવી નાજૂક ક્ષણોએ અદાણી ફાઉન્ડેશને તેમના આંસુ લુંછ્યા અને ગર્ભસ્થ શીશુની જવાબદારી ઉપાડી લીધી.

ત્રણ મહિનાના ગર્ભસ્થ શીશુ માટે ₹ 25 લાખની માતબર રકમની ફિક્સ ડિપોઝિટ કરાવી એટલું જ નહી, તેના અભ્યાસ અને આરોગ્ય માટે વ્યાજની રકમમાંથી ખર્ચ નિર્વાહ થઈ શકશે. આજે એ બાળક અરહાન અદાણી ફાઉન્ડેશન પરિવાર માટે બંદગી અને દુઆઓ કરે છે. અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવી જણાવે છે કે ”મોરબી દૂર્ઘટના સમયે જ્યારે ફાઉન્ડેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સત્તાવાળાઓ તરફથી પુરતી મદદ અને સહયોગ પ્રાપ્ત થયો તે બદલ અમે તેમના આભારી છીએ ”.

અદાણી ફાઉન્ડેશન વિશે:
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *