પ્રખ્યાત ડેરી બ્રાન્ડ AMUL ના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢી(RS Sodhi)નું સોમવારના રોજ રાજીનામુ લઇ લેવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા 4 વર્ષથી એક્સટેન્શન પર હતા. ત્યારે હવે જયેન મહેતાને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. થોડા મહિના પછી AMUL ને નવો MD મળશે. ગાંધીનગર મધુર ડેરી(Madhur Dairy)ના ચેરમેન શંકરસિંહ રાણા(Shankar Singh Rana)એ આ વાતને સમર્થન આપ્યું છે. 40 વર્ષ અગાઉ આર. એસ. સોઢી ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડકેશનમાં સેલ્સ ઓફિસર તરીકે જોડાયા હતા. જૂન 2010માં તેમને મેનેજિંગ ડિરેકટર તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. જયારે આર. એસ. સોઢીએ એમડી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ટર્ન ઓવર 8 હજાર કરોડ હતું. જે હાલમાં વધીને 61 હજાર કરોડ થઇ ગયુ છે.
જો વાત કરવામાં આવે તો આર. એસ. સોઢીના રાજીનામાનો ઘટનાક્રમ ઘણો જ દિલચશ્પ રહ્યો છે. સોમવારે ઓચિંતી જ ફેડરેશનની બોર્ડ મિટીંગ ગાંધીનગર પાસેની મધર ડેરી ખાતે આવેલી ઓફિસે બોલાવવામાં આવી હતી અને આ દરમિયાન સોઢીને ફેડરેશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સભ્યોએ રાજીનામું આપી દેવા જણાવવામાં આવ્યું હતું. જો કે આ બાબતથી નારાજ સોઢી બેઠક છોડીને બહાર ચાલ્યા ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર, ફેડરેશનના ત્રણ સભ્યોએ જઇને સોઢીને સ્પષ્ટ કહી દીધું હતું કે, રાજીનામું ધરી દો અથવા આવતીકાલે અમે મીડિયાને બોલાવીને તેની સમક્ષ ખુલ્લા પાડી દઇશું. ત્યાર બાદ આર. એસ. સોઢીનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, આશ્ચર્યજનક રીતે સોઢીને પાઠવવામાં આવેલા પત્રમાં ફેડરેશને સોઢીની સેવા સમાપ્ત કરવાનો અને તેમનો ચાર્જ ફેડરેશનના ચીફ ઓપરેટિંગ ઓફિસર જયેન મહેતાને આપવાનું જણાવવામાં આવ્યું છે. આ પછી ચૂપચાપ સોઢી પોતાનું રાજીનામું લખીને ત્યાંથી ચાલ્યા ગયા હતા.
અમૂલ બ્રાન્ડનું સંચાલન કરતી ખેડૂતોની સહકારી સંસ્થા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની બોર્ડ મીટિંગમાં સોઢીને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. GCMMF મુખ્યત્વે ગુજરાત, દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં દૂધનું વેચાણ કરે છે. આ સહકારી સંસ્થા દરરોજ 150 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે, જેમાંથી લગભગ 40 લાખ લિટર દૂધ દિલ્હી-એનસીઆરમાં વેચાય છે.
2010 માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સુકાન પર નિયુક્ત થયા પછી, આરએસ સોઢી લગભગ 13 વર્ષ સુધી કંપનીના એમડી તરીકે નેતૃત્વ કરી રહ્યા હતા. સોઢીની પ્રથમવાર 2010માં અમૂલના ટોચના પદ પર નિમણૂક કરવામાં આવી હતી. 2017માં તેને વધુ 4 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. સોઢી પ્રથમ વખત 1982માં સિનિયર સેલ્સ ઓફિસર તરીકે અમૂલમાં જોડાયા હતા. 2000-2004 સુધી, તેમણે તેના જનરલ મેનેજર (માર્કેટિંગ) તરીકે કામ કર્યું અને જૂન 2010 માં, તેમને મેનેજિંગ ડિરેક્ટરના પદ પર બઢતી આપવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ.આર.એસ.સોઢીના કાર્યકાળ દરમિયાન તેમના વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ ઉપરાંત આવક કરતાં વધુ મિલકત ધરાવતા હોવાના આરોપ પણ લાગ્યા હતા. ત્યારે આ મામલો છેક દિલ્હી સુધી પહોંચતા સેવા સમાપ્તીનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
જયેન મહેતા 31 વર્ષથી અમૂલ સાથે જોડાયેલા છે.
જયેન મહેતા છેલ્લા 31 વર્ષથી અમૂલ સાથે જોડાયેલા છે. તેઓ હાલમાં તેના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે પોસ્ટેડ છે. આ પહેલા તેમણે માર્કેટિંગ ફંક્શનમાં બ્રાન્ડ મેનેજર, ગ્રુપ પ્રોડક્ટ મેનેજર અને કંપનીના જનરલ મેનેજર તરીકે પણ કામ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.