રાણી લક્ષ્મીબાઈ હોય કે રાણી અહિલ્યાબાઈ, તેમણે પોતાના જીવના જોખમે સમાજની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયાસો કર્યાં છે. વર્ષોથી સમાજમાં આવતી અડચણોનો ઉપાય લાવવામાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ રીતે જ વડોદરા જિલ્લાની RT-PCR કિટનું ઉત્પાદન કરતી એકમાત્ર કોસેરા ડાઈગ્નોસિસ સંસ્થામાં ફરજ બજાવતી મહિલાઓએ હાલ ચાલતા કોરોનાના કપરા કાળમાં સમાજને RT-PCR કિટના નિર્માણ રૂપે એક અગત્યની ભેટ આપી છે.
જાણવા મળ્યું છે કે, વડોદરા જિલ્લામાં કાર્યશીલ કોસેરા ડાઈગ્નોસીસમાં મહિલાઓ દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે. આ મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કિટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે. કોસેરા ડાઈગ્નોસિસની સિનિયર મેનેજર ડૉ. સ્વપ્નાલી કુલકર્ણીએ આપેલી વિગતો મુજબ, તકનિકી સેવાઓ, ગુણવત્તાની ખાતરી, ઉત્પાદન, ગુણવત્તા ચકાસણી તથા સંશોધન અને વિકાસ જેવા વિભાગોમાં અગ્રણી રહીને કોસેરાની મહિલા કર્મચારીઓ દ્વારા અત્યારસુધીમાં 16 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કિટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ડૉ. ચૌલા શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ, કાર્યશીલ ડૉ. સ્વપ્નાલી કુલકર્ણી (સિનિયર મેનેજર ટેક્નિકલ સર્વિસીસ), જુલી તહિલરામાની (ક્વાલિટી અશ્યોરન્સ), કેશા પરીખ (પ્રોડક્શન હેડ), કીર્તિ જોશી (ક્વોલિટી કંટ્રોલ ઓફિસર) તેમજ જુનીતા વર્મા અને જાનકી દલવાડી (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)એ વડોદરા જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં RT-PCRની કિટ બનાવવામાં ફાળો આપ્યો છે.
વૈશ્વિક મહામારી વચ્ચે પરિવારમાં આવતી મુશ્કેલીઓને અવગણીને દેશની સેવા માટે સમયની ચિંતા કર્યા વગર સતત તત્પર રહેતી આ મહિલાઓએ સમાજને RT-PCR કિટના ઉત્પાદન દ્વારા મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ સ્ટાર્ટ અપ “નારી તું નારાયણી”નું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ કંપનીમાં 6 મહિલાના ઉચ્ચ શિક્ષણ,વ્યાવસાયિક કુશળતા, નારી સહજ કોઠાસૂઝ અને સૂઝબૂઝ, અનુભવ અને ટીમ તરીકે કામ કરવાની ધગશને પરિણામે આ નવું સ્ટાર્ટ અપ હાલમાં ખૂબ જરૂરી છે, ત્યારે મહિને 3.5 લાખ જેટલી કોરોના ટેસ્ટ માટે RT-PCR કિટ બનાવે છે અને ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોને પૂરી પાડવામાં આવે છે. આ મહિલાઓની કાર્યકુશળતા માટે ખુદ મહિલા જિલ્લા કલેક્ટર દ્વારા ઊંચો આદર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ લોકો આમ તો સવારના 9થી સાંજના 5 સુધીના નિયમિત ઑફિસ ટાઈમમાં કામ કરે છે. પરંતુ કિટની માંગ વધે ત્યારે એને પહોંચી વળવા સવારે વહેલા આવીને કે સાંજે મોડે સુધી રોકાઈને કામ કરવામાં કોઈ ખચકાટ અનુભવતું નથી. બધાં એકબીજાનાં કામમાં પૂરક બને છે. લોકડાઉન દરમિયાન એકાદ દિવસને બાદ કરતાં આ એકમને આ મહિલાઓ દ્વારા સતત ચાલુ રાખવામાં આવ્યો હતો.
આ દરમિયાન પરિવહનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેથી દરેક સરળતાથી આવી શકે. તેઓ સતત કોવિડથી બચવાની તમામ તકેદારીઓ લઈને કાર્યરત છે. છેલ્લા 2 વર્ષથી અવિરતપણે દેશ સેવા માટે યોગદાન આપતી આ મહિલાઓ કોરોના સામે મજબૂત લડત આપી રહી છે અને “નારી તું નારાયણી”ની યુક્તિ સાર્થક કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.