રાજ્યના આઠ જિલ્લાઓ ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે, જ્યારે ઘણા વિસ્તારોમાં જળબંબાકાર થયો છે. સ્થિતિની સમીક્ષા કરવા સોમવારે સવારે રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ કહ્યું કે જ્યાં સરકાર પહોંચતી નથી ત્યાં પત્રકારો પહોંચી જાય છે.
બન્યું એવું કે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કર્યા પછી પણ રાજેન્દ્ર ત્રિવેદી પાસે પૂરતી વિગતો ન હતી. તેથી 24 કલાકમાં એક પણ મૃત્યુ થયું નથી, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. તેમની પાસે સ્થળાંતરના આંકડા પણ નહોતા. બીજી તરફ મીડિયાએ તેના સંપર્કોમાંથી મૃત્યુઆંક સહિતની વિગતો એકઠી કરી હતી, જેના આંકડા રજૂ કરવા માટે મંત્રીએ સાંજે ફરીથી પત્રકાર પરિષદ બોલાવવી પડી હતી. જેમાં તેમણે છેલ્લા 24 કલાકમાં સાત મૃત્યુની વિગતો આપી.
સાથોસાથ 272 પશુઓના પણ મોત થયા છે. માનવ મૃત્યુમાં વીજળી પડવાથી 33 લોકોના મૃત્યુ, દીવાલ ધરાશાયી થવાને કારણે 8 મૃત્યુ, ડૂબી જવાથી 16 મૃત્યુ, ઝાડ પડવાથી છ મૃત્યુ અને થાંભલા પડી જવાથી એક મૃત્યુ થયું છે. ભારે વરસાદને કારણે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અસર થઈ છે. રાહત અને બચાવ કામગીરી માટે આ વિસ્તારોમાં NDRF અને SDRFની 18-18 ટીમો તૈનાત છે. એનડીઆરએફની 5 ટીમોને પંજાબથી એરલિફ્ટ કરીને દક્ષિણ ગુજરાત મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કંટ્રોલરૂમ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પ્રભારી મંત્રીઓને તાત્કાલિક અસરગ્રસ્ત જિલ્લામાં પહોંચવા અને બચાવ કામગીરીમાં મદદ કરવા વહીવટીતંત્ર સાથે રહેવા સૂચના આપી હતી.
કચ્છમાં સિઝનનો સૌથી વધુ 65.45% વરસાદ
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન રાજ્યમાં સરેરાશ 36.07 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 65.45 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 41.79 ટકા, સૌરાષ્ટ્રમાં 39.43 ટકા, મધ્ય ગુજરાતમાં 30.07 ટકા અને ઉત્તર ગુજરાતમાં 20.44 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 13 ડેમ હાઈ એલર્ટ પર
– 11 ડેમ 100% ભરેલા છે, 18 ડેમ 70% ભરેલા છે અને 207 ડેમમાં 45% પાણી છે.
– ગુજરાતમાં 207 ડેમમાં 40.24% પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45.37% પાણી છે. 11 ડેમ 100 ટકાથી વધુ ભરેલા છે જ્યારે 18 ડેમમાં 70 થી 100 ટકા પાણી ભરાઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.