4 કલાકમાં 7 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો

આણંદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. આ બે દિવસમાં મેહુલિયો ખુબ જ વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળો છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરી વળ્યા અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળ્યા છે.

બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં આણંદમાં કુલ 13 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. દિવસના ભારે બફાટ બાદ પવન સાથે ભારે વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે. વરસાદના આગમનના કારણે જ આણંદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં નાગરિકોને ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે.

આણંદ વિધાનગર રોડ, શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર, લક્ષ્મી ટોકીઝ વિસ્તાર, વિદ્યાનગર રોડ લક્ષ્મી સિનેમા ગામડીવડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર રસ્તા પર પાણી ભરાયા હતા. જાહેર માર્ગો ઉપર પાણી હોઈ, રોજ સવારે નિયમિત ચાલતા નાગરિકોને હાલ ઘરે જ બેસી રહેવાનો વખત આવ્યો છે. જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો હતો. ઘણા ઉત્સાહી નાગરિકો આ માહોલને માણવા ગાડી લઈ નીકળ્યા હતા. તો બીજી તરફ દૈનિક ધંધા-રોજગાર નોકરીએ જતા લોકો અટવાઈ પડ્યા હતા.

આણંદમાં વરસાદી આગમનને કારણે નગરપાલિકાએ ચાલુ કરેલી પ્રી-મોન્સૂન કામગીરી અને વિકાસનાં કામોની ગતિ ખોરવાઈ ગઈ છે. આણંદ જિલ્લાના આજે શુક્રવારે સવારના 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ આણંદ તાલુકામાં 170 મિમી, પેટલાદમાં 48 મિમી અને ખંભાતમાં 22 મિમી, બોરસદ 15 મિમી, આંકલાવમાં 8 મિમી અને સોજીત્રામાં 4 મિમી, તારાપુરમાં 2 મિમી અને ઉમરેઠમાં 1 મિમી વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત હળવદથી 18 કિલોમીટર દૂર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટયું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતાં સાંજે પરત ફરી રહેલા બે માલધારીનાં ઘેટાં- બકરાં તણાઈ ગયાં હતાં. જોકે સરકારી તંત્ર હજુ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે.

અમેરલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે હરસુરપુર દેવળિયા, શેખપીપરિયા અને વાડળિયા ગામમાં પાણી ભરાઈ ગયા હતાં. હરસુરપુર દેવળિયાની સ્થાનિક નદીમાં પૂર આવતાં નદીના પાણી ગામમાં પહોંચી ગયાં હતાં. જોકે ગામમાંથી વહેતા ધસમસતા પ્રવાહમાંથી અનેક વાહનચાલકોએ પસાર થવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન એક ટૂ-વ્હીલર તણાયું હતું.

આ ઉપરાંત નવસારી જિલ્લામાં મેઘરાજા વહેલી સવારથી વરસતા વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના મુખ્ય શાકભાજી માર્કેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં અહીંથી અવરજવર કરતા મુસાફરોએ ભારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *