મોરબી (Morbi)માં થયેલી દુર્ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. આ ઘટનામાં કેટલાય લોકોના કરુણ મોત નીપજ્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં અમદાવાદ (Ahmedabad)ના આંબાવાડી વિસ્તારમાં રહેતા ચાવડા પરિવારનાં દંપતીનું પણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાત વર્ષની બાળકીનો આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચાવ થયો છે. પુલ તૂટતાંની સાથે જ દંપતી પાણીમાં પડયું હતું, જ્યારે સાત વર્ષની બાળકી હર્ષિ ના હાથમાં દોરી આવી જતાં તેણે પકડી લીધી હતી અને લટકી જતાં તે બચી ગઈ હતી.
આ સિવાય તેમની સાથે તેમના ભાણી અને ભાણેજ બંને પણ પુલ પર ફરવા આવ્યાં હતાં, જેમાં ભાણીનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે ભાણેજને તરતા આવડતું હોવાથી તે તરીને બહાર આવતાં બચી ગયો હતો. 10 ઓક્ટોમ્બરના રોજ મૃતક અશોકભાઈનો જન્મદિવસ હોવાથી બાળકી સાથે હોટલમાં બહાર જમવા ગયા હતા અને 20 દિવસ બાદ તેઓ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામ્યા છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
View this post on Instagram
પરિવાર કચ્છ ફરવા ગયો અને ત્યાંથી મોરબી ગયો:
આ અંગે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અશોક ભાઈ અને તેમની પત્ની ભાવનાબેનની એકની એક દીકરીએ જણાવ્યું હતું કે, હું મમ્મી-પપ્પા સાથે કચ્છમાં ફરવા ગઈ હતી અને ત્યાંથી પછી મોરબી ગયા હતા અને ત્યાં પુલ તૂટતાં પાણીમાં પડી ગયા અને હું મમ્મીને શોધતી હતી. મેં હાથમાં દોરી પકડી લીધી અને મને પોલીસવાળા અંકલે બચાવી લીધી.. હું મારી મમ્મીને ત્યાં શોધતી હતી. મને પોલીસવાળા અંકલે બચાવી અને ત્યાંથી પછી મને મારા ઘરે મોકલી દીધી હતી.
દાદા-દાદી પર બાળકીની મોટી જવાબદારી:
આ 7 વર્ષીય બાળકી હર્ષિ જાણતી નથી કે હવે તેનાં માતા-પિતા તેની સાથે નથી રહ્યાં, પરંતુ જે દુઃખ ચાવડા પરિવાર પર આવી પડ્યું છે એમાં તેના માત્ર વહુ અને દીકરાને જ ગુમાવવાનો વારો નથી આવ્યો, પરંતુ તેમની 20 વર્ષની ભાણી પણ તેમને ગુમાવી છે. સદનસીબે બાળકી અને ભાણેજ બચી ગયાં છે, પરંતુ પરિવાર પર હવે આ સાત વર્ષની બાળકીની મોટી જવાબદારી આવી પડી છે.
આ અંગે બાળકીની ચિંતા વ્યક્ત કરતા દાદાએ જણાવ્યું હતું કે, માતા-પિતા વિનાની આ નાની બાળકીની જવાબદારી કોણ ઉપાડશે, તેનો ભણવાનો ખર્ચ, તેના લગ્નનો ખર્ચ વગેરે કઈ રીતે પૂર્ણ થશે એની અત્યારથી જ પરિવારમાં ચિંતા થઈ છે. દાદા-દાદી જીવશે ત્યાં સુધી તેની સાથે રહેશે, પરંતુ ત્યાર બાદ આ બાળકીનું કોણ થશે અને તેનો ખર્ચ કઈ રીતે પૂર્ણ થશે એના માટે સરકાર અને જો સંસ્થાઓ મદદ કરશે એવી તેઓ આશા રાખી રહ્યા છે.
માત્ર સાત વર્ષની બાળકી જ બચી ગઈ:
મળતી માહિતી અનુસાર, મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પિતા અશોકભાઈ(38) અને માતા ભાવનાબેન(34) અમદાવાદના હીરાબાગ ક્રોસિંગ પાસે આવેલા સુખીપુરાના છાપરામાં રહેતા હતા. દિવાળીનું વેકેશન હોવાથી અશોકભાઈ પત્ની અને દીકરી સાથે કચ્છમાં ફરવા માટે ગયા હતા. કચ્છથી ફરીને પરત તેઓ મોરબી આવ્યા હતા. મોરબીમાં અશોકભાઈની બહેન રહે છે. તેમના ઘરે તેઓ રોકાયા હતા.
આ દરમિયાન સાંજના સમયે અશોકભાઈ તેમની પત્ની ભાવનાબેન દીકરી હર્ષિના, ભાણી પૂજા અને ભાણેજ કાર્તિક સાથે ઝૂલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા. અચાનક જ પુલ તૂટ્યો ત્યારે ભાવનાબેન અને અશોકભાઈ સીધા નદીમાં પડ્યાં હતાં, જ્યારે હર્ષિના હાથમાં દોરી આવી જતાં તેણે દોરી પકડી લીધી હતી અને બ્રિજ ઉપર લટકી ગઈ હતી. જ્યારે ભાણી પૂજા અને ભાણેજ કાર્તિક પણ નદીમાં પડ્યાં હતાં. કાર્તિકને તરતા આવડતું હોવાથી તે સીધો તરીને બહાર આવી ગયો હતો, પરંતુ અશોકભાઈ ભાવનાબેન અને પૂજાનાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં.
એક રૂમના મકાનમાં પરિવાર રહેતો હતો:
જાણવા મળ્યું છે કે, અશોકભાઈ સુખીપુરાના છાપરામાં એક રૂમના મકાનમાં તેમનાં માતા-પિતા અને દીકરી સાથે રહેતા હતા. ઉપરના માળે તેમના મોટા ભાઈ અને નીચે તેમના નાના ભાઈ રહે છે. અશોકભાઈ પોતે માર્કેટિંગમાં નોકરી કરતા હતા. 20 દિવસ પહેલાં, એટલે કે 10 ઓક્ટોબરના રોજ અશોકભાઈનો જન્મદિવસ હોવાથી પત્ની અને દીકરીને લઈને તેઓ સાંજે હોટલમાં જમવા પણ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.