નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ આજે સરકારી કર્મચારીઓના પગાર બાબતે મહત્વની ઘોષણા કરી છે. જેમાં કેન્દ્ર સરકારનાં અનુસંધાનમાં રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્શનરોને 1 -1- 19થી 3 ટકા ડીએમાં વધારો મળશે. તેમને આ લાભ જુલાઈ મહીનામાં આપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગળ જણાવતા કહ્યું કે, ‘4 લાખ 50 હજારથી વધુ પેન્શનરોને 3 ટકા ડીએનો લાભ આપવામાં આવશે આ ઉપરાંત 961638 કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. અત્યાર સુધી 9 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાતું હતું અને હવે 12 ટકા ભથ્થુ ચુકવાશે. જેનાથી રાજ્ય સરકારની તિજોરી પર 1071 કરોડ રુપિયાનો બોજો પડશે.’
તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ‘ફિક્સ પગારનાં કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકોને સરકારી શિક્ષકોની સમકક્ષ પગાર મળશે. તેને 1-4 2019થી પુરેપુરો પગાર ચુકવવામાં આવશે. રાજ્ય સરકારનાં 2,06,447 પંચાયત વિભાગનાં 2,25,083 અન્ય કર્મચારીઓ 79,599 અને 4,50,509 પેન્શનરોને મળીને આશરે કુલ 9,61,638 કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમા નાણાં પંચનાં લાભો મંજૂર કરેલા છે. જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.’
નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવતાં કહ્યું કે, ‘રાજ્ય સરકારનાં પંચાયતનાં તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓનાં અધિકારીઓ તથા કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા 1.7.2018થી 2 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કર્યુ છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓને 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો કરવામાં આવ્યો છે. ‘