‘તારા ઘરવાળાને ધંધે લગાડી દીધો છે’- પ્રેમસંબંધમાં એક મિત્રએ બીજા મિત્રની કરી હત્યા

હાલ વધી રહેલા હત્યાના કેસો દરમિયાન રાજકોટ શહેરના બજરંગવાડી પોલીસ ચોકીથી થોડે દૂર એક અજાણ્યા શખ્સની હત્યા થયાની શંકા દર્શાવતી લાશ મળી આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્ર અને તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીગ્રામ પોલીસને રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલ બજરંગવાડી પોલીસ ચોકીથી થોડે દૂર રેલવે પાટાની આસપાસના અવાવરું જગ્યામાં 4મે ના રોજ એક અજાણી વ્યક્તિની લાશ પડી હોવાની બાતમી મળી હતી. ઘટના સ્થળ પર પહોંચીને પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટમાં મૃતકના માથામાં બોથડ પદાર્થ વડે ઘા ઝીંકવામાં આવતા ખોપડીમાં ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની હત્યાની શંકા સાચી સાબિત થઈ હતી.

બીજી તરફ મૃતકની પત્નીએ પણ ક્રાઇમ સીરિયલમાં આવે તેવી સ્ટોરી પોલીસને જણાવી હતી. મૃતકના પત્ની સંગીતાબેને પોલીસને જણાવ્યું હતું કે, સાગર દરજી નામના વ્યક્તિ સાથે તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક કાવ્ય નામની પુત્રી અને જય નામનો પુત્ર છે. હાલ તેની ઉંમર 35 છે. જ્યારે તેના પતિની ઉંમર 55 વર્ષ છે. એટલે કે, પતિ-પત્ની વચ્ચેની ઉંમરમાં 20 વર્ષનો તફાવત હોવાનું સામે આવ્યું છે.

સંગીતાએ પોલીસને જણાવ્યું હતું કે, “3મે ના રોજ ઘરમાં રાંધણ ગેસનો બાટલો ખૂટી ગયો હોવાથી હું, મારા પતિ અને બે સંતાનો રિક્ષામાં બેસીને રામાપીર ચોકડી સુધી પહોંચ્યા હતા. રામાપીર ચોકડીથી ગારીયાધારમાં રહેતી મારી બહેન દીપિકાના ઘરે હું મારા બે સંતાનો સાથે ગઈ હતી.

બીજી તરફ પતિને પોતાના મોબાઈલમાં રિચાર્જ કરાવવાનું હોવાથી તે અમારાથી અલગ પડ્યા હતા. રિચાર્જ કરાવ્યા બાદ તેઓ પણ મારા બહેનના ઘરે આવવાના હતા. પરંતુ મોડે સુધી તેઓ ન આવતા મારા પતિ મારા માધાપર સ્થિત ઘરે જતા રહ્યા હશે તેમ સમજીને હું મારા બંને બાળકો સાથે બહેનના ઘરે જ રોકાઈ ગઈ હતી.

બહેનના ઘરે બે દિવસ રોકાયા બાદ ત્રીજે દિવસે હું મારા ઘરે ગઈ હતી. ઘરે પહોંચતાં મકાન બંધ હતું અને પતિ પણ જોવા ન મળતાં મેં ગાંધીગ્રામ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. આ દરમિયાન 4મે ના રોજ IOCના ડેપો પાસે પ્રૌઢની લાશ મળી આવી હતી, જે મારા જ પતિની હોવાનું જાણવા મળ્યું હતું.”

આવી વાત બાદ પોલીસને પહેલેથી જ આ કેસમાં પત્ની સંગીતાની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી હતી. પોલીસ દ્વારા પતિ, પત્ની ઉંમરનો તફાવત જોયા બાદ મૃતક અને તેની પત્નીના સંબંધો પર તપાસ શરુ કરવામાં આવી હતી. આ સમયે પોલીસને સચોટ બાતમી મળી હતી કે, સંગીતા અને તેના પતિના મિત્ર સંજય પાસવાન સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે.

ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને પી.એસ.આઇ યુ.બી.જોગરાણાની ટીમ દ્વારા સંજય બિહારીને ઉઠાવી લેવામાં આવ્યો હતો. સંજય બિહારીને ખાખીની સખ્તાઈ બતાવતા જ તેણે બધી વાતની કબુલાત કરી હતી. સંજયે પોલીસને જણાવ્યું હતું કે, તે સંગીતા સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં છે. પ્રેમ સંબંધમાં પોતાનો મિત્ર સાગર નડતરરૂપ બનતો હોવાથી તેને પતાવી દીધો હતો. બંને વારંવાર સાથે દારૂ પણ પીતા હતા. તેમજ સાગરની હત્યા કર્યા બાદ સંજયે પોતાની પ્રેમિકાને કહ્યું હતું કે, તારા પતિને કામે લગાડી દીધો છે.

જાણવા મળ્યું છે કે, 3મે ના રોજ સંજય તેના મિત્ર સાગરને દારૂ પીવડાવી નશાની હાલતમાં બજરંગવાડી પોલીસ ચોકીની પાછળ આવેલા IOC ડેપો પાસે લઇ ગયો હતો. અહીં માથા, નાક તથા ગુપ્ત ભાગ પર પથ્થર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ સંજયની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતાની સાથે જ તેની ધરપકડ પણ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સાગરની પત્નીની પણ હત્યા મામલે સંડોવણી છે કે નહીં તે મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *