હમણાં હમણાંથી આપણે સહુ નાના બાળકો સહિત નાની નાની વાતમાં છંછેડાઈ જતાં હોઈએ છીએ. ટેન્શન, તણાવ, તંગદીલી એ આધુનિક યંત્રયુગનો પ્રભાવ અને પરિણામ છે, પુરુષ અને સ્ત્રીની સરખામણીમાં સ્ત્રી સહનશીલતાની મૂર્તિ ગણાય છે. તેમ જ સ્ત્રીની જીવાદોરી પણ પુરુષ કરતાં લાંબી છે.
છતાં સ્ત્રીઓ નાની નાની વાતમાં ઘણું જ ટેન્શન અનુભવે છે અને પરિણામે તે રોગીષ્ટ અનુ કુરૂપ થવાની તૈયારી પણ નોતરી લે છે. ખાસ કરીને કામનું ટેન્શન લગભગ દરેક સ્ત્રીમાં જોવા મળે છે. ઓફિસમાં બેસતી યામિની કે ઘરકામમાં પરોવાયેલી સુનંદા, કોલેજમાં જતી કલ્પના કે ઘરે બેસી સીવણકામ શીખતી રાધા પણ તણાવ અનુભવે છે.
અને એ દરમ્યાન તેની ચહેરાની રેખાઓ તંગ થાય છે, આંખો લાલ બને છે, માથામાંથી લોહીની નસ જાણે હમણાં ફાટી પડશે તેવી લાગણી અનુભવે છે. આવી સ્ત્રી ગમે તેટલી તેવી રૂપાળી હોવા છતાં તેના ચહેરાને ઝાંખપ લાગે છે. એટલું જ નહીં, તેની જીવવાની દોરીને પણ તે ટૂંકાવતી જાય છે. વાત સાવ નાની હોય, વતેસર થવામાં વાર શી? સોમવારે વધારાના કપડાં ધોવાનું નક્કી કર્યું હોય અને મંગળવાર પણ વીતી જાય તો તે વાત તેને સતાવ્યા કરશે એટલી હદે કે જાણે આભ તૂટી પડશે.
ઘરમાં કોઈ વસ્તુ લાવવાની હોય અને બજેટ અપસેટ થઈ જાય તો જાણે ધંધામાં ખાનાખરાબી અનુભવતાં વેપારી જેટલો તણાવ આ સાદી વાતમાં અનુભવાય! એટલે ટૂંકમાં નાની વાતનું મોટું રૂપ આ ટેન્શનથી થઈ જવાનું! અમારા ઘર સામે રેખાબહેન રહે છે.
દરરોજ તેનો પતિ ૯ વાગે આવી જાય છે. તે કોઈ કારણસર સુધી ન આવે તો તેનું રૂપ જ બદલાઈ જાય છે. ટેન્શન, ચિંતા, અકસ્માતના વિચારો જાત જાતના તર્કો-વિતર્કોમાં મન વણાઈ જાય છે! વિનોદીની પણ એવી જ છે. એ રસોડામાં કામ કરતી હોય અને તમે જઈ ચઢો તો તેની ગભરામણ શરૂ! ત્યાં વળી બે બીજા મહેમાન આવે એટલે વિનોદીની ચામાં મીઠું નાંખી દે ને દાળમાં ચા નાંખી દે પ્યાલા ગબડી જાયને કારણ વગર ચાર પાંચ આંટા અંદર બહાર કે બાથરૂમમાં મારી આવે.
એણે પૂછેલો પ્રશ્નનો તમે ઉત્તર આપી દીધો હોય તોય તે ફરી ફરી પૂછી નાંખવાની! આવા અનુભવો મોટાભાગની મહિલાઓને થતાં હોય છે. રોજીન્દા ટેન્શન – તણાવ એ જાણે શ્વાસની જેમ વણાઈ જાય છે. સમજદાર હોય છે તે તેમાંથી જલ્દી બહાર આવી જાય છે અને બાકીના ઘણી બધી મુશ્કેલી નોતરે છે. આ તંગદીલીમાંથી બહાર આવવાની એક સરસ રીત રિલેક્સ થવામાં છે.
સ્વસ્થ થવામાં છે. પળવાર ટેન્શન થાય પછી પાછી વિશ્રાંતિ, સ્વસ્થતા લાવવી અને તેને જરૂર ફાયદો થાય છે. કેમ કે આ તણાવ, ઉત્તેજના અથવા ઉશ્કેરાટ જીવનને ટુંકાવી દે છે. તેની પ્રકૃતિ ઘણી ગંભીર છે. અને તે વધારે કામથી લાગેલા થાક કરતાં પણ વધુ છે. તણાવ અનુભવનારાને લાંબે ગાળે એસીડીટી, અલ્સર, માથાનો દુખાવો, કબજીયાત, ખીલ, ગૂમડા, ચામડીના દર્દો વગેરે થાય છે.
જે રૂપાળી સ્ત્રીને પણ છોડતા નથી. વળી ક્યારેક કોરોનરી થ્રોમ્બોસીસ થાય છે જેમાં લોહીનો પ્રવાહ હૃદય સુધી પહોંચતા ધીમો પડી ‘ક્લોટ’ થાય છે ને ત્યાં સુધી પહોંચી શકતો નથી. આવા તણાવથી કાર્યશક્તિ સ્ફૂર્તિ, સ્વસ્થતા ઘટે છે. તણાવના દર્દીને કારના એ ડ્રાઈવર સાથે સરખાવી શકાય. જે ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવીને ગાડીની ઝડપ વધારવા પ્રયત્ન કરે છે. આ તો પોતાને ભોગવવાના પરિણામ છે પણ આવી સ્ત્રીનો સહવાસ તેનો પતિ, બાળકો કુટુંબીજનો કે મિત્રો પણ ઝંખતા નથી.
આટલા બધા ગંભીર પરિણામોમાંથી સરળતાથી બહાર નીકળવાનો માર્ગ વ્યાયામમાં છે, રિલેક્સેશનમાં છે. બધી નસોને ઢીલી કરી, સ્વસ્થતા, પ્રાપ્ત કરવા માટે વ્યાયામ મદદરૂપ બને છે. લાંબા આયુષ્ય માટે, જીવનને સરળ બનાવવા માટે વ્યાયામ, યોગ જરૂરથી ફાયદો કરી આપે છે.
જે વ્યક્તિ સ્વસ્થ છે તે નિર્ણયો ખોટા લેવાની ભૂલ જ્વલ્લે જ કરે છે. તાણયુક્ત પરિસ્થિતિ નુકસાનકર્તા નીવડે છે. તણાવવાળી વ્યક્તિઓના નિર્ણયો મોટા ભાગે ખોટા, ઉતાવળા હોય છે. સૌ પ્રથમ તો રિલેક્સ થવા માટે મનને કેળવો. ૨૦ મિનિટ ચાલવાથી અથવા તો ૨૦ મિનિટ ઢાળ પર ચઢાણ ચઢવાથી ફાયદો થાય છે. તમને ખ્યાલ આવે કે ટેન્શન થવાની શરૂઆત થઈ રહી છે.
ત્યારે એક ગ્લાસ પાણી પી લો, સંગીત સાંભળવાનું શરૂ કરો અથવા કોઈપણ શોખ (હોબી) હોય તે કરો. બહુ સરસ રીતે સ્વસ્થ થઈ જવાશે. કામ કરતાં કરતાં કંટાળો આવે એટલે એક ખુરશીમાં જઈ બેસી જાવ. આંખ બંધ કરી તણાવને છૂટો કરી દો. બધા વિચારોને ફગાવી દો.
મજા આવશે. વિદેશોમાં એક ચાલી છે ”ટેઈક ઈટ ઈઝી” દરેક બાબતને એ રીતે વિચારવાથી મન ઘણું સ્વસ્થ રહે છે. યોગાસનો દ્વારા રિલેક્સ થઈ શકાય છે. વ્રજાસન સુખાસન, શવાસન વગેરે આસનો કરવાથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. પાંચ મિનિટમાં જાણે તોફાન પછીના સમુદ્ર જેવી મનની સ્થિતિ થઈ જાય છે.
ખાસ કરીને મહિલાઓને ટેન્શન કે તણાવ વધુ પડતાં હોય તો પોતાની સુંદરતા પ્રાપ્ત કરવા, ટકાવી રાખવા કે તેને દીર્ધાયુ બક્ષવા પણ રિલેક્સ થઈ જવાની જરૂર છે. મહિલાઓને માસિક ધર્મની શરૂઆતના અથવા એ દરમ્યાનમાં દિવસોમાં આવું ટેન્શન રહે છે. જેને પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શન કહે છે.
જેમાં માનસિક તંગદિલી અનુભવાય છે, એનું કારણ હોરમોન્સની અસમતુલા ખરી પણ પરિણામ તો ઉપર વર્ણવ્યા તે મુજબના જ આવે છે, એટલે આ દિવસો દરમ્યાન પણ ડોક્ટરની યોગ્ય દવા લઈ રિલેક્સ રહી શકાય તો માસિક ધર્મના દિવસો પીડાકારક ન બને. ઊંડા શ્વાસ લેવાની ટેવ પણ રિલેક્સ થવા માટે ફાયદા રૂપ છે, પ્રત્યેક વ્યક્તિએ પોતાને કઈ રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય છે એ શોધી કાઢવું અને એ રીત અખત્યાર કરવી જોઈએ. સ્વસ્થતા અને સુંદરતા મેળવવા માટે આનાથી વધુ સરળ માર્ગ બીજો કયો હોઈ શકે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.