ગુજરાત: છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીના કારણે રાજ્યમાં વિકાસના કાર્યો પર મહદઅંશે બ્રેક લાગી ગઈ હતી. આગામી વર્ષે ડિસેમ્બરે 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે રાજ્યમાં ફરી એકવાર વિકાસ કાર્યો ફાસ્ટ ટ્રેક પર હોય તેવું લાગુ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગાંધીનગર અને અમદાવાદમાં અંદાજે રૂ.1200 કરોડના ખર્ચે તૈયાર કેટલાક પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ 1 જૂનથી ગુજરાતમાં અત્યાર સુધી કુલ 550 કરોડના 14 વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત કરવામાં આવ્યા છે. જે ગુજરાતમાંથી જ કેન્દ્રમાં ગયેલા બંને નેતાઓનો આ ગુજરાત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે સાંજે 4 કલાકે રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે. 318 રૂમથી સજ્જ ફાઈવ સ્ટાર બિઝનેસ હોટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ હોટલ 790 કરોડના ખર્ચે તૈયાર થયેલી છે. જ્યારે સાયન્સ સિટી ખાતે 260 કરોડના ખર્ચે તૈયાર એક્વાટિક ગેલેરી અને 127 કરોડના ખર્ચે તૈયાર રોબોટિક ગેલેરીનું પણ વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં જૂન મહિનાથી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી સક્રિય થતા જ ભાજપ પણ 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જૂનમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત ખુંદવા લાગ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ ભાજપના સંગઠનના આગેવાનો, કાર્યકરો, ધારાસભ્યો અને મંત્રીઓને પ્રજા વચ્ચે જવાના આદેશો કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, સરકાર દ્વારા એક બાદ એક વિકાસ કાર્યોના લોકાર્પણો અને સમીક્ષાઓ શરૂ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર અમદાવાદના ફ્લાય ઓવરથી લઈને વિવિધ શહેરોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ કરવા લાગી છે. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આ વિકાસ કાર્યો પ્રજાને અર્પણ કરવા લાગ્યા છે. 1લી જૂનથી 11 જુલાઈ સુધીમાં કુલ 41 દિવસ દરમિયાન 10,400 કરોડ રૂપિયાથી વધુના 113 લોકાર્પણ, મંજૂરી, ખાત મુહૂર્ત તથા ઉદ્ઘાટનના કાર્યો કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ પ્રજા વચ્ચે જઈને સંવાદ શરૂ કર્યો છે. જેથી ભાજપ પણ હવે મિશન 2022ને ધ્યાનમાં લઈ મેદાનમાં ઉતર્યો છે.
અમિત શાહે 550 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત, લોકાર્પણ કર્યા
– આ બાદ 11 જુલાઈએ તેમણે બોપલમાં રૂ. 98 કરોડ અને રૂ. 267 કરોડની બે યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
– આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ 21મી જૂને અમદાવાદમાં રૂ.80 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
– અમદાવાદના બોપલ ખાતે રૂ. 4 કરોડના ખર્ચે AUDA દ્વારા બનાવેલા સિવિક સેન્ટરનુ લોકાર્પણ.
– પશ્ચિમ રેલ્વેમાં રૂ. 17 કરોડના ખર્ચે અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ. ચાંદલોદિયા સ્ટેશન પર રૂ. 4.05 કરોડના વિકાસ કામ. આંબલી રોડ સ્ટેશન પર રૂ. 2.35 કરોડ, ખોડીયાર સ્ટેશન પર રૂ. 1.72 કરોડ અને કલોલ સ્ટેશન પર રૂ. 3.75 કરોડની મુસાફરોની સુવિધા.
– વેજલપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું લોકાર્પણ.
– ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાણંદ, બાવળા અને દશક્રોઇમાં આંગણવાડી, સ્માર્ટ વર્ગખંડ, સીસી રોડ જેવા લગભગ 43 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
– બોપલ ખાતે AUDA દ્વારા 7 કરોડના ખર્ચે નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ.
– ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે રૂ.25 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ.
જાણવા મળ્યું છે કે, અમદાવાદ સાયન્સ સિટીમાં નિર્માણ પામેલાં 5D થિએટર અને 11,600થી વધુ માછલીઓ ધરાવતી એક્વાટિક ગેલેરી, રોબો કેફે સહિત 202 રોબોટ્સ ધરાવતી રોબોટિક ગેલેરી અને મિસ્ટ ફોરેસ્ટ તથા 15 સ્કલ્પ્ચર ધરાવતાં નેચર પાર્કનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.