અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર મધ્યસ્થીવાળા નિવેદન પર મંગળવારે ભારતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ કે જો ટ્રમ્પના દાવામાં સત્ય છે તો તેનો અર્થ એ થયો કે વડાપ્રધાન મોદી દેશને દગો આપી રહ્યાં છે. આ પહેલાં સંસદના બંને ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષે ચર્ચા પછી વડાપ્રધાન આ મુદ્દે જવાબ આપે તેવી માગ કરી હતી. સરકાર તરફથી વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે વડાપ્રધાને ટ્રમ્પ સાથે કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માટે ક્યારેય નથી કહ્યું.
ટ્રમ્પે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સમક્ષ દાવો કર્યો હતો કે મોદીએ હાલમાં જ મુલાકાત દરમિયાન તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનું કહ્યું હતું.
President Trump says PM Modi asked him to mediate between India & Pakistan on Kashmir!
If true, PM Modi has betrayed India’s interests & 1972 Shimla Agreement.
A weak Foreign Ministry denial won’t do. PM must tell the nation what transpired in the meeting between him & @POTUS
— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2019
રાહુલે ટ્વીટ કરી મોદી પાસે જવાબ માગ્યો…….
કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યાં બાદ રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને લઈને વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે જો ટ્રમ્પનો દાવો યોગ્ય છે તો પીએમ મોદીએ ભારતના હિતો અને 1972ની સીમલા સમજૂતીને દગો આપ્યો છે. રાહુલે વધુમાં લખ્યું કે એક નબળા વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા પૂરતી નથી. પીએમને રાષ્ટ્રને જણાવવું જોઈએ કે ટ્રમ્પ અને તેમની વચ્ચેની બેઠકમાં શું થયું હતું.
મામલાનું સમાધાન દ્વિપક્ષીય રીતે જ થશે…….
જયશંકરે કહ્યું કે ભારતની સ્થિતિ સ્પષ્ટ રહી છે કે પાકિસ્તાનની સાથે કોઈ પણ મુદ્દે દ્વિપક્ષીય રીતે જ ઉકેલવામાં આવશે. પાકિસ્તાનની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત માટે તેમની સરહદમાં પ્રસરતો આતંકવાદ બંધ કરવો જરૂરી છે. રાજ્યસભાના ચેરપર્સન વેંકૈયા નાયડૂએ કહ્યું કે આ રાષ્ટ્રીય મુદ્દો છે. જેમાં દેશની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય હિત સામેલ છે. આપણે આ મુદ્દે એક સુરમાં જ વાત કરવી જોઈએ.
વડાપ્રધાન સમક્ષ જવાબ માગી રહ્યું છે વિપક્ષ…….
યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે વડાપ્રધાન મોદી સમક્ષ સંસદમાં જવાબ ઈચ્છે છે. તો કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, “તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે કેન્દ્રમાં કોની સરકાર છે. કાશ્મીરને લઈને આપણી નીતિ સ્પષ્ટ છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે અને કોઈ ત્રીજો પક્ષ આમાં ન આવી શકે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ જાણે છે. મને નથી લાગતું કે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે આ મુદ્દે કોઈ વાત કરે. આ એક ગંભીર મુદ્દો છે.”
કોંગ્રેસ સાંસદ કે. સુરેશે લોકસભા અને સીપીઆઈના સાંસદ ડી રાજાએ રાજ્યસભામાં આ મુદ્દે તાત્કાલિક ચર્ચાની માગ કરી. જેને લઈને વિપક્ષી પાર્ટીઓએ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદની ચેમ્બરમાં વાતચીત પણ કરી હતી. જે બાદ વડાપ્રધાન નિવેદન ન આપી શકે ત્યાં સુધી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની વાત કરી છે.
ટ્રમ્પને ખ્યાલ નથી કે તેઓ શું કહી રહ્યાં છે…….
આ પહેલાં કોંગ્રેસના નેતા અને પૂર્વ વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરે કહ્યું હતું કે મને ખરેખર નથી લાગતું કે ટ્રમ્પને થોડો પણ ખ્યાલ હશે કે તેઓ શું વાત કરી રહ્યાં છે? મારા ખ્યાલથી તો તેમને આ મુદ્દાની જાણકારી નથી આપવામાં આવી કે તેઓ સમજ્યા ન હતા કે મોદી શું કહી રહ્યાં હતા કે પછી ભારતનો ત્રીજા પક્ષની મધ્યસ્થતાને લઈને શું સ્ટેન્ડ છે. વિદેશ મંત્રાલયે આ મુદ્દે સ્પષ્ટીકરણ આપવું જોઈએ કે દિલ્હીએ ક્યારેય આવી કોઈ મધ્યસ્થીને લઈને કોઈ વાત કરી હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.