ગુજરાતનાં લોકો ખાણી-પીણીનાં ખુબ શોખીન હોય છે. હાલમાં આવા શોખીન લોકોની માટે એક વાનગી લઈને આવી રહ્યાં છીએ. આજે અમે તમારા માટે વિસરાઈ જતી એક ગુજરાતી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. તમારામાંથી કેટલાંક લોકોએ તો આનું નામ પણ નહિ સાંભળ્યું હોય.
અમે જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ ‘ભૈડકું’ જણાવવામાં આવ્યું છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે. આની સાથે જણાવી દઈએ કે, આ એક ઓથેન્ટિક ગુજરાતી રેસિપી છે કે, જે ખુબ સ્વાદિષ્ટ છે તેમજ પોષક તત્વોથી ભરપૂર છે. આવો તમને જણાવી દઈએ કે, કઈ રીતે ભૈડકું બનાવવામાં આવે છે ?
જરૂરી સામગ્રી :
આ વાનગી બનાવવા માટે 1 કપ ચોખા અને બાજરીની સાથે જ 1 કપ જુવાર તેમજ 1 કપ મગની છોળાવાળી દાળની જરૂર પડશે.
પ્રી-મિક્સર બનાવવાની રીત :
સૌપ્રથમ અનાજ સરખા પ્રમાણમાં લઇને તેને સાફ કરીને મલમલના કપડાથી લૂછી લઈશું. તેને આછા ગુલાબી રંગના થાય તે રીતે શેકી લઈશું. તમામ વસ્તુ અલગ અલગ શેકવાની છે. સિંગલ પોલીસ્ડ ચોખામાં ઝીંક, ફાઈબર, આયર્નની માત્રા વધુ હોય છે. શક્ય હોય તો એવા ચોખા લેવા, ન મળે તો જે તમે કાયમ વપરાતા હોય તે લઇ શકો છો.
જુવાર, બાજરી તથા મગની દાળને પણ આ જ રીતે શેકવાના છે. આ રીતે શેકવાથી કુલ 80 % રંધાઈ જશે એટલે કે, બનાવતી વખતે રેસિપી ખુબ ઝડપથી બની જશે. આની સાથે જ ભેજ હોય પણ નીકળી જશે. આપણે તેને ગ્રાઈન્ડ કરવાના છે એટલે તે ફટાફટ ગ્રાઈન્ડ થઈ જશે.
આ બધાને તમે પ્રી-કુક કરીને સ્ટોર કરીને જયારે ખાવું હોય ત્યારે તે ફટાફટ કુલ 15 મિનિટ જેટલા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. આજના સમયમાં ડાયાબિટીસ તથા મોટાપો ખુબ ઝડપથી પ્રસરી રહ્યા છે એટલે નવી પેઢીને આ રેસિપી આપી શકો છો.
તમામ વસ્તુઓ શેકાઈ ગયા બાદ તેમને મિક્સરમાં અલગ અલગ દળી લેવાની છે. તેને દરદરું એટલે કે, અધકચરું દળવાનું છે. ત્યારપછી બધા લોકોને મિક્સ કરી દેવાના છે. તેને તમારે એક એયર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનું છે. આથી જયારે પણ બનાવવું હોય ત્યારે આ વાનગી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે.
હવે આ વાનગી બનાવવા માટે લીલા વટાણા, ગાજર, કેપ્સિકમ મરચા, કોથમીર, કઢી લીમડો, ટામેટા, આદુ તથા લીલા મરચાની જરૂર પડશે. આ વાનગી બનાવવા માટે જો તમે એક બાઉલ પ્રી-મિક્સર પાઉડર લેવાના હોય, તો તેમાં 3 ગણું પાણી લેવાનું છે.
સૌપ્રથમ કડાઈમાં 2 ચમચી તેલ લઈને અડધી ચમચી જીરું નાખવાનું છે. જીરું તૈયાર થાય એટલે તેમાં કઢી લીમડો નાખવાનો છે. ત્યારપછી આદુ મરચાની પેસ્ટ નાખવાની છે તથા તેને સાંતળવાનું છે. હવે લીલા વટાણા નાખવાના છે. 1-2 મિનિટ માટે વટાણા સાંતળી લીધા બાદ તેમાં ઝીણા સમારેલા ગાજર નાખવાના રહેશે તેમજ તેને સાંતળવાના છે. ત્યાર પછી તેમાં સમારેલા કેપ્સિકમ મરચા નાખીને હલાવીને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે.
ત્યારપછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવાના રહેશે. આની સાથે જ તેમાં સ્વાદાનુંસાર મીઠું નાખીને બરાબર રીતે ભેળવી દો. ત્યારપછી અડધી ચમચી હળદર પાવડર નાખીને પણ બરાબર મિક્સ કરવાનું રહેશે. તમે ઇચ્છો તો તેમાં ધાણાજીરુંનો પાવડર નાખી શકો છો. કેટલાંક લોકો સીંગદાણાનો પાવડર પણ નાખતા હોય છે.
હવે તેમાં 3 બાઉલ પાણી નાખીને તેને ઉકળવા માટે મૂકી દો. તેને 2-3 મિનિટ માટે ઢાંકી રાખીને ઉકળવા દો. તને ઘીમાં જીરું નાખીને આ રેસિપી બનાવી શકો છો. અહીં શાકભાજી નાખીને બનાવવાની છે. જે લોકોને કબજિયાત સમસ્યા હોય, ડાયાબિટીસ હોય અથવા તો વજન ખુબ ઓછું કરવું હોય તેમને આ વાનગી મદદ કરી શકે છે.
ઉકળી ગયા બાદ ભૈડકુંનો દળીને તૈયાર કરવામાં આવેલ પાઉડર નાખવાનો રહેશે. તેને તમારે હલાવતા રહેવો પડશે જેને કારણે ગઠ્ઠા ન પડે. તે મિક્સ થઈ ગયા બાદ 3 મિનિટ માટે ઢાંકી દેવાનું રહેશે. ત્યારપછી છેલ્લે તેમાં કોથમીર નાખવાની છે. તો તૈયાર છે તમારું ભૈડકું. તેને તમે દહીં સાથે પીરસી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.