થોડા દિવસ બાદ ખુબ નજીક આવી રહેલ જન્માષ્ટમીનાં તહેવારને લઈ લોકો ઉત્સાહભેર ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આઠમની રાત્રે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને અનોખો બનાવવા સુરતના એક વેપારીએ જ્વેલર્સ પાસે 5 કીલો ચાંદીનું પારણું બનાવડાવ્યું છે.
બાળરૂપને હીચકામાં ઝૂલાવી ભગવાન કૃષ્ણને રાજી કરવાનો પ્રયાસ કરવા માટે કૃષ્ણ ભક્ત વેપારીએ પારણું બનાવડાવ્યું છે. આ વર્ષે પ્રતિકાત્મક રૂપથી લઈને 5 કિલો સુધીના ચાંદીના પારણાની માંગ જોવા મળી રહી છે. 5 કિલો ચાંદીના પારણામાં રજવાડી કલાકારી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
નવજાત બાળકોને ઝૂલાવવામાં આવતા પારણા જેવી જ સાઈઝ તથા આકારના હીંચકામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ પર ભગવાનની પ્રતિમા મૂકીને પૂજા અર્ચના કરીને જન્માષ્ટમીને અનોખી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આટલું જ નહીં પણ 20 કિલો સુધીનું આ પારણું વજન ઉપાડી શકે એવું જ્વેલર્સ હિરેનભાઈ ચોક્સીએ કહ્યું છે.
ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાતા ચાંદીના પારણાંની માંગમાં વધારો:
દીપક ચોક્સી જણાવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ વિશે ભાવિક ભક્તોમાં આ વર્ષે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને અનોખી રીતે ઉજવવા લોકો પૂર્વ તૈયારીના ગ્રાફિક્સ બનાવી રહ્યા છે. આ વખતે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાતાં ચાંદીના ઝુલાની માંગ જોવા મળી રહી છે.
આ જ કારણ છે કે, 500 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીના પારણાં બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે. 80,000 રૂપિયા પ્રતિ કિલો સુધીની ચાંદી 40,000 રૂપિયા પ્રતિ કિલોની નીચી સપાટી ટચ કરી હાલમાં 65,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં આવતા દિવસોમાં વધારો થઈ શકે છે.
સાગના લાકડા પર ચાંદીનું કોટિંગ કરીને પારણું બનાવ્યું:
એક વેપારીએ 5 કિલો ચાંદીના પારણાં બનાવવા માટે ઓર્ડર અપાયો છે. એક સામાન્ય જન્મેલ બાળકનો હીંચકો હોય એ જ રીતે હીંચકો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક નવજાત બાળકને મૂકી શકાય તેટલી જગ્યા છે. સાગના લાકડા પર ચાંદીનું કોટિંગ કરીને આ પારણું બનાવાયુ છે કે, જેમાં 5 કિલોથી વધુ ચાંદી લાગેલ છે. નક્શી માટે ખાસ રાજસ્થાની કારીગરને ઓર્ડર આપવામાં આવ્યો હતો.
કૃષ્ણ જન્મજયંતિ પછી બાળકના હીંચકા તરીકે ઉપયોગમાં લઈ શકાય:
વિરેનભાઈ ચોકસી જણાવે છે કે, દર વર્ષે જન્માષ્ટમીમાં કઈકને કઈક અલગ ઓર્ડર આવતા હોય છે. આ વર્ષે તો વેપારીની ભક્તિને નમન કરવાનું મન થાય છે. સૌપ્રથમવાર એવું પારણું બનાવાયુ છે કે, જેનો બન્ને રીતે ઉપયોગ થઈ શકે છે. કૃષ્ણ જન્મજયંતિ પછી એક બાળકના હીંચકા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
રોકાણની દ્રષ્ટિએ સૌથી સરસ વિચાર કહી શકાય છે. આ પારણું સાડા ત્રણ ફૂટની લંબાઈ અને સવા ચાર ફૂટની પહોળાઈ ધરાવે છે તેમજ 20 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે. પ્યોર સાગના લાકડામાંથી બનેલા પારણા પર 5 કિલો ચાંદીની પરખ ચઢાવાઈ છે. આ પારણું 5 કારીગરોએ એક મહિનાની સતત મહેનત પછી તૈયાર કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.