પાલનપુર(ગુજરાત): હાલમાં રાજ્યના પાલનપુરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં તાલુકાના ગઠામણ ગામ નજીક સધીમાંના મંદિર પાછળ આવેલા એક ખેતરમાં ગુરુવારે સાંજે ખેતરમાં પશુઓને પ્રવેશતાં રોકવાના ઝટકા મશીનનો વીજ-કરંટ લાગતાં માતા અને બે સંતાનનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી. જાણવા મળ્યું છે કે, આ અંગે મોડી સાંજ સુધી પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ હીરાભાઈ જગાણિયા પાલનપુર તાલુકાના ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે.
અહી ખેતરમાં ભૂંડ તેમજ અન્ય પશુઓ ખેતીના પાકને નુકસાન ન કરે તે માટે ઝટકા મશીન મૂકી ખેતર ફરતે વીજ વાયર ગોઠવવામાં આવ્યા હતા. આ દરમિયાન, ગુરુવાર સાંજના સુમારે ખુશાલભાઈ હીરાભાઇ જગાણિયાના પુત્ર ભાવેશભાઈની પત્ની કોકિલાબેન અને બાળકો જૈમિન અને વેદુ ખેતર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આ વીજ વાયરની ઝપેટમાં આવતાં કરંટ લાગ્યો અને માતા તેમજ બંને પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
જોકે, આ અંગે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપની પાલનપુરના અધિકારી એલ.એ.ગઢવીએ જણાવ્યું હતું કે, ગઠામણ નજીક ખેતરમાં મૂકેલા ઝટકા મશીનના કરંટથી 3નાં મોત નીપજ્યા છે. આ અંગે, વીજ કંપનીના કર્મચારીઓની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.