સુરત(ગુજરાત): 12 વર્ષથી અમેરિકાના ન્યુજર્સીની 37 વર્ષીય મહિલાને પેશાબના બ્લોકેજની જૂની બિમારીથી પીડાઈ રહી હતી. આ મહીલા સામાન્ય વ્યક્તિની જેમ મૂત્રસ્ત્રાવ કરી શકતી ન હતી. કાયમી કેથેટર આ મહિલાને મૂકવું પડ્યું હતું. અનેક પ્રકારની દવા અને સારવાર કર્યા પછી પણ કોઈ ફરક પડ્યો ન હતો. તેવામાં હિંમત હારી ગયેલી આ મહિલાને સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુરોલોજિસ્ટ ડો.સુબોધ કાંબલેની સારવાર અંગે જાણવા મળ્યું હતું. આ મહિલા બિમારીમાંથી મુક્તિની આશા સાથે તેઓ પતિને લઈને સુરત સારવાર માટે આવ્યા હતા.
ડો.કાંબલેએ ભારતની સૌપ્રથમ અસામાન્ય પ્રક્રિયા દ્વારા આ મહિલાના મૂત્રાશયના ગેગ લેયરને સફળતાપૂર્વક બદલીને નવી જિંદગી આપી છે. ઇન્ટ્રા-સ્ફિન્ટેરિક બોટ્યુલિનમ ટોક્સિનની જટિલ ગણાતી સફળ સર્જરી ગુજરાતમાં આ પ્રકારની સૌ પ્રથમવાર કરીને અમેરિકન તબીબો જે ન કરી શક્યા એ સુરતના તબીબ ડો. કાંબલેએ કરી બતાવ્યું છે. કોરોનાની મહામારીમાં હવાઈ મુસાફરી પર કડક નિયંત્રણો હોવાં છતાં પેશાબ બ્લોકેજની ગંભીર બિમારીમાંથી છૂટકારો મેળવવા માટે આ એન.આર.આઈ. મહિલા શ્રીમતી પટેલ ભારત આવ્યાં હતા. તેમણે સારવાર પહેલાં ફોન પર વાતચીત કરીને ડો.કાંબલેનું કન્સલ્ટન્ટેશન મેળવ્યું હતું. તેઓએ અમેરિકાના ઘણાં હોનહાર ડોક્ટરો પાસેથી સારવાર મેળવ્યા બાદ પણ તેમને નિરાશા મળી હતી.
ડો.સુબોધ કાંબલેએ શ્રીમતી દિશા પટેલનો કેસ અત્યંત જટિલ અને પડકારજનક હોવા છતાં તેમને સ્વસ્થ કરવાં માટે તે મક્કમ થયા હતા. ડો.સુબોધના જણાવ્યા મુજબ, દિશાબેનનું મૂત્રાશય નિષ્ક્રિય થઇ ગયું હતું. મૂત્રાશય અને યુરીન વાલ્વ વચ્ચેનું કુદરતી સંતુલન બગડી ગયું હતું. જેને કારણે વાલ્વ પેશાબને બહાર આવવા દેતું ન હતું. તેમને પેશાબ માટે 20 મિનિટ સુધી કેથેટરનો ઉપયોગ કરવો પડતો હતો. દિશા પટેલ સાથે બે કલાક લાંબી પ્રારંભિક ચર્ચા કર્યા પછી સારવાર માટેની વ્યૂહાત્મક યોજના તૈયાર કરવામાં આવી હતી. પટેલ દંપતિએ સારવાર અને સર્જરી અંગેના તમામ વિકલ્પો સ્વીકાર્યા અને તમામ સારવાર પૂર્ણ કરવા માટે તેઓ ત્રણ મહિના સુધી ભારતમાં રહ્યા હતા. કુલ બે સર્જરી કર્યા પછી વાલ્વ અને મૂત્રાશય વચ્ચે તૂટેલા સંતુલનને પહેલા જેમ કરવામાં સફળતા હાથ લાગી હતી.
સર્જરીમાં પડકારો સાથે સાથે જોખમો પણ ઘણા હતા, પરંતુ ડો.કાંબલેનો મુખ્ય ઉદ્દેશ દર્દીને કાયમી કેથેટરમાંથી મુક્ત કરવાનો હતો. એટલું જ નહીં, દર 20 મિનિટે પેશાબ કરવામાંથી અને દર 20 મિનિટે કેથેટર મૂકવાથી રાહત આપવાનો હતો. ડો.કાંબલેએ તેમને જણાવ્યું હતું કે, અમેરિકાના ડોકટરોના જણાવ્યા મુજબ, મૂત્રાશયને મોટું કરવાં જેવી મોટી સર્જરીની કોઈ જરૂર રહેતી નથી. જો કોઈ ઉપાય ન રહે તો જ મૂત્રાશયને મોટું કરવાંની સર્જરી કરવી પડશે.
વધુમાં ડો.સુબોધે જણાવ્યું હતું કે, અમેરિકામાં તેમના પર થયેલાં યુરોડાયનેમિક નિદાન અને અભ્યાસમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, જો મૂત્રાશય ઓવરએક્ટિવ થઈ જાય તો વારંવાર પેશાબ થાય અને શારીરિક સંતુલન ખોરવાય જાય છે. સંતુલન સરખું ન હોવાથી યુરિન અટકી જતાં ઘણાં પ્રકારના ઈન્ફેકશન થાય છે. આ પ્રકારની જ સમસ્યા દિશા પટેલને હતી. જેના લીધે દર 20 મિનીટે શરીરમાં જાતે જ કેથેટર નાંખવું પડે તેમજ કેથેટર વિના પેશાબ કરી શકાતું નથી. તેમને યુરિનરી ઇન્ફેકશન પણ થયાં હતાં. આના લીધે જ અમેરિકન ડોકટરોએ તેમને કાયમી કેથેટર મૂક્યું હતું.
આ બિમારીથી એટલી હદે દિશાબેન ત્રસ્ત હતાં કે, તેમણે મને ઓ.પી.ડી.માં આવતાં જ બીજા દિવસે સર્જરી કરી દેવાની વિનંતી કરવા લાગ્યા હતા. મારૂ મુખ્ય લક્ષ્ય એ હતું કે, સૌપ્રથમ તેમની પેશાબ વધુ સમય રોકી શકાય અને કેથેટરના ઉપયોગને લંબાવી શકાય. ત્યારબાદ સર્જરી કરવી અને આ પીડામાંથી મુક્તિ આપવી હતી. જ્યારે આ પછી બીજી સર્જરી કરીને કેથેટરનો ઉપયોગ સંપૂર્ણ દૂર થાય અને સામાન્ય વ્યક્તિની માફક મૂત્રત્યાગ કરી શકે તે હતું. આ મુજબ પહેલી સર્જરી કર્યા પછી પેશાબને ચાર કલાક સુધી રોકી શક્યા અને રાતના ઉજાગરાથી મુક્તિ મળી હતી. જ્યારે બીજી સર્જરીથી ‘કેથેટર ફ્રી’ નવી જિંદગી ભેટ થઇ હતી.
ડો.કાંબલેએ વધુમાં જણાવ્યું હતું કે, દર્દીના મૂત્રાશય અને સ્ફિન્ક્ટર વચ્ચે કુદરતી સંકલનના અભાવે તે પોતાનો પેશાબ કરી શકતી ન હતી. પ્રથમ સર્જરી બાદ દર ચાર કલાકે સેલ્ફ કેથેટેરાઇઝેશન થતાં તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. જેના એક મહિના પછી બીજી સફળ સર્જરી કરીને દિશા પટેલને કેથેટર મૂકવાથી છૂટકારો મળ્યો હતો. ભારતમાં સૌ પ્રથમવાર GAG લેયર બદલવાની આ પ્રકારની સફળ અને નવીનત્તમ પ્રક્રિયાની સર્જરી થઇ હતી. મૂત્રાશયની દીવાલમાં ગેગ લેયર હોય છે. જેને અવારનવાર નુકસાન પહોંચે તો શરીરને ચેપ લાગી શકે છે. ઈન્ટ્રાવેસિકલ એટલે કે, મૂત્રાશયની અંદરની સારવાર શરૂ કરીને તેમને થયેલાં આ બેક્ટેરિયાના ચેપને અટકાવવામાં મને સફળતા હાથ લાગી હતી.
ખુશી વ્યક્ત કરતાં દિશા પટેલના પતિએ જણાવ્યું હતું કે, અમે અમેરિકાના ઘણાં ખ્યાતનામ ક્લિનિકમાં નિષ્ણાત તબીબોની સારવાર મેળવી હતી, પૈસા ખર્ચવા છતાં અમને નિરાશા જ મળી હતી. મેં મારી પત્નીને સામાન્ય જીવન જીવવાની આશા મૂકી દીધી હતી. તેવામાં ડો.સુબોધ કાંબલે અને આ દર્દમાં તેમની સારવાર અંગે સાંભળ્યું હતું, એટલે તે પત્નીના નવા જીવનની આશા સાથે સુરત આવ્યાં હતા. તેમની બે સફળ સર્જરીના કારણે અમને મળેલા સુખદ નિરાકરણથી અમે અત્યંત ખુશ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.