કહેવાય છે ને કે જરૂર કરતાં વધારે સારી વસ્તુઓ હાનિકારક સાબિત થાય છે. તેવી સ્થિતી એક મહિલાની થઈ છે જેનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેના માટે સમસ્યા બની ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે વિદેશ જવા માટે વીઝા લેવા પડે છે. વીઝા લેવા માટે અરજી કરવી પડે છે અને વીઝાની પ્રક્રિયા દરમિયાન પણ સાવધાની રાખવી પડે છે નહીં તો વીઝા રીજેક્ટ થઈ જાય છે. તેમાં પણ ભારતીયોએ ખાસ તો અંગ્રેજી ભાષા માટે સાવધાન રહેવું પડે છે. અંગ્રેજી ભાષાની જાણકારી હોય તો આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે છે. પરંતુ એક મહિલા માટે તો સારું અંગ્રેજી આવડતું હોય તે વાત જ વીઝા રીજેક્ટ થવાનું કારણ બની છે.
એક રીપોર્ટ અનુસાર 22 વર્ષની એલેક્ઝેડ્રિયા રિંટૂલએ યૂકે જવા માટે વીઝાની અરજી કરી હતી. તે ગર્ભવતી હતી અને તેને સ્કોટલેન્ડમાં પોતાના પતિ પાસે જવું હતું. પરંતુ તેનો વીઝા મળ્યો નહીં. અધિકારીઓએ તેને વીઝા એ કારણ આપી રીજેક્ટ કરી દીધો કે તેનું અંગ્રેજી જરૂર કરતા વધારે સારું છે જેના પર તેમને વિશ્વાસ ન આવ્યો. એલેક્ઝેંડ્રિયાએ ઈંટરનેશનલ ઈંગ્લિશ લેગ્વેજ ટેસ્ટ પણ પાસ કર્યો હતો.
વીઝાના નિયમો અનુસાર અરજી કરનારએ આઈઈએલટીએસ પાસ કરવી ફરજિયાત હોય છે. આ બાદ મહિલાને જણાવાયું તે જે પરીક્ષા તેણે પાસ કરી છે તે ઉચ્ચ સ્તરિય છે. તે કારણે તેણીએ ફરીથી અરજી કરવી પડશે. તેના પર મહિલાના અંદાજે 1.70 લાખ રૂપિયા ખર્ચાઈ જશે. એલેક્ઝેંડ્રિયા મેઘાલયની રહેવાસી છે અને તેનો પતિ બોબી સ્કોટલેન્ડમાં છે. બંનેની મુલાકાત ભારતમાં જ થઈ હતી અને બંનેએ લગ્ન પણ કરી લીધા છે. લગ્ન બાદ બંને દુબઈમાં સાથે રહ્યા હતા.
મહિલાએ વીઝાની સમગ્ર ઘટનાની વાત ફેસબુક પર શેર કરી છે. તેણે લખ્યું છે કે “લોકો વીઝાના નામ પર પૈસા લુંટવા માટે ધંધો ચલાવે છે. તેણે જે પરીક્ષા પાસ કરી હતી તેના ડોક્યુમેન્ટ પણ આપ્યા હતા. તેઓ તેના આધારે વીઝા આપી શકતા હતા. પરંતુ હવે જે પૈસા તેના બાળક અને પરીવાર માટે હતા તે પૈસા વીઝા મેળવવા પાછળ ખર્ચવા પડશે. તેનું કારણ ફક્ત એટલું છે કે તે એવા દેશમાં રહે છે જ્યાં મુખ્યત્વે અંગ્રેજી ભાષાનો પ્રયોગ બોલચાલની ભાષામાં નથી થતો. અહીંની નાગરિક થઈ તે સારું અંગ્રેજી કેવી રીતે બોલી શકે !”