ગુજરાત: વડોદરા (Vadodara) નજીકનાં સોખડા સ્વામિનારાયણ મંદિર (Sokhada Swaminarayan Temple) ના નવા ગાદીપતિ (New Gadipati) ને લઇ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલ વિવાદનો આજે અંત આવ્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામી (Premaswarupadas Swami) ની નિમણૂંક કરવામાં આવી છે.
ગાદીના વિવાદને લઇ થોડા સમય પહેલા જ પ્રેમસ્વરૂપદાસ સ્વામી, પ્રબોધ સ્વામી તથા ત્યાગવલ્લભ સ્વામી સામે આવ્યા હતા તેમજ પ્રેમ સ્વરૂપ તથા પ્રબોધ સ્વામીએ કહ્યું હતું કે, ગાદીપતિને લઇ કોઈ વિવાદ છે જ નહીં. અમે તમામ એકજૂથ થઈને કામ કરી રહ્યા છીએ.
પ્રેમસ્વરૂપદાસ સ્વામીના નેતૃત્વમાં અમે સેવારત છીએ:
સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત ત્યાગવલ્લભ સ્વામી જણાવે છે કે, અમારે ત્યાં કોઇ વિવાદ નથી. થોડા ભક્તોએ લાગણીવશ પ્રબોધ સ્વામીને લઇને વિવાદ કર્યો હતો. પ્રબોધ સ્વામીને સ્વપ્નમાં પણ ક્યારેય ગાદીપતિ થવાનો વિચાર આવ્યો નથી. હરિધામ પરિવાર સ્વામીજીના જીવનમંત્રને લઇ સેવાકીય કાર્યો કરે છે. પ્રેમસ્વરૂપદાસ સ્વામીના નેતૃત્વમાં અમે સેવારત છીએ. તેમનો સ્વીકાર અમને ખુબ સહજ છે તેમજ તેમની આજ્ઞામાં રહેવુ એ અમારી ભક્તિ છે.
યોગીજી મહારાજે પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું:
પ્રેમસ્વરૂપદાસ સ્વામી વર્ષ 1960થી યોગીજી મહારાજ સાથે જોડાયા હતા. વર્ષ 1962માં તેઓ વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. 10 ઓક્ટોબર વર્ષ 1965માં દશેરાના દિવસે હરીપ્રસાદ સ્વામીની સાથે ગોંડલ અક્ષર મંદિરમાં દીક્ષા લીધી હતી.
જેના 5 દિવસ પછી જ એટલે કે, 15 ઓક્ટોબર વર્ષ 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીની સાથે જ ભગવી દીક્ષા લીધી હતી તેમજ યોગીજી મહારાજે તેઓનું નામ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ રાખ્યું હતું. પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલભાઇ પટેલ છે. જેઓ આણંદ જિલ્લામાં આવેલ ધર્મજ ગામના વતની છે.
હાલમાં એમની ઉંમર 75 વર્ષની છે. આપને જણાવી દઈએ કે, હાલમાં તેઓ યોગી ડિવાઇન સોસાયટીના કોઠારી સ્વામી તરીકેની સેવા આપી રહ્યા છે. રવિવારે વાયરલ થયેલ વિડીયોમાં એક વડીલ સંત હરિભક્તોને વિનંતી કરતા હતા કે, ‘સૌ હરિભક્તોને પ્રાર્થના છે કે, આપણે સૌ ગુરુહરી સ્વામી રાજી થાય તેવું કરવું છે કે, પછી મનને રાજી કરવું છે.
સ્વામીજી રાજી થાય તેમ કરવું હોય, તો આપણે જેના માટે પ્રાર્થના કરી હતી તે પ્રેમસ્વરૂપ સ્વામીજીની આજ્ઞામાં રહેવું છે કે, આપણે મનધાર્યું કરવું છે. આ દરમિયાન હરીભક્તોએ બુમો પાડીને કહ્યું હતું કે, પહેલા પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીને હાર પહેરાવી ગાદીપતિ તરીકે નામ જાહેર કરો. બીજી બાજુ પ્રબોધસ્વામીજીના અનુયાયીના હરિભક્તો પણ તેમને ગાદીપતી તરીકે નામ જાહેર કરવાની માગણી કરી રહ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.