સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાલમાં લાખો અનુયાયીઓ ધર્માનુસરણ કરી રહ્યા છે. સ્વામિનારાયણ નામ પડે એટલે સ્વાભાવિક રીતે લોકોના મુખે પ્રમુખસ્વામી મહારાજનું નામ આવી જ જતું હોય છે. દેશ વિદેશમાં 1300 થી વધુ હિન્દૂ મંદિરો અને વિશ્વના સૌથી મોટા હિન્દૂ મંદિર બાંધવાનો વિશ્વવિક્રમ ધરાવતા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 2015 માં 13 ઓગસ્ટ એ અંતર્ધાન થયા ત્યારથી તેમના શતાબ્દી મહોત્સવની ઉજવણી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા થઇ રહી છે. 2015નો ઉત્સવ સારંગપુરમાં થયા બાદ 2016નો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સુરત ખાતે ધામધૂમથી ઉજવાયો હતો. ત્યારબાદ 2017 નો ઉત્સવ આણંદ માં અને હવે 2018 નો ઉત્સવ ગણતરીના દિવસોમાં રાજકોટ ખાતે શરુ થશે. ત્યારે આ ઉત્સવની તૈયારીઓ પુરજોશથી થઇ રહી છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બનેલા
આ ઉત્સવ માટે તૈયાર કરાયેલ સ્વામિનારાયણ નગરની ભવ્યતા જ એટલી છે કે દર્શકો કદાચ આ નગરને 3 દિવસે માંડ માંડ જોઈ શકશે. આ નગરનું ક્ષેત્રફળ 500 એકર જેટલું છે. આ નગર માધાપર મોરબી બાયપાસ રોડ પર નિર્માણ થઇ રહ્યું છે. આ નગરમાં 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ભાવિકો વિવિધ કાર્યક્રમો નો લાભ પ્રાપ્ત કરી શકશે. આ કાર્યક્રમ અને નગરનો લાભ લેવા દેશ વિદેશથી લાખો ભાવીકો પધારશે તેને ધ્યાનમાં લઈને યોગ્ય ટ્રાન્સપોર્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીટી બસ રાજકોટ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન થી માંડીને રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી સમયાંતરે ઉપડે તેવું આયોજન કરાયું છે.
આ ઉત્સવની તૈયારીઓ મજૂરો કે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરો દ્વારા નહિ પરંતુ BAPS ના સ્કિલ્ડ સંતો, પાર્ષદો, હરિભક્તો જાતે કરી રહ્યા છે. જેમાં 400થી વધુ સંતો અને 4000થી વધુ સ્વયંસેવકો ઉત્સાહથી દિવસ-રાત મહેનત કરી સેવામાં જોડાઈને મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. અલગ અલગ વિભાગોમાં 400થી વધુ સંતો જોડાયેલા છે. જેઓે ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ, મેનેજમેન્ટ, ક્રિકેટર જેવી ઉચ્ચ કારકિર્દીનો ત્યાગ કરી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના જીવનથી પ્રેરાઈને ત્યાગાશ્રમ ગ્રહણ કરી કઠીન સાધના સાથે સેવામાં જોડાયા છે. આ સાથે આ સંતોમાંથી અમુક સંત તો વ્રત ઉપવાસ શરુ રાખીને આ શ્રમ કરી રહ્યા હોય છે.
આ નગરનું ઉદ્ઘાટન BAPS સંસ્થાના પ્રમુખ અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે થાય તેવી શક્યતાઓ રહેલી છે. આધારભૂત સૂત્રોનું માનીએ તો આ ઉત્સવના અંતિમ દિવસે મુખ્ય મહોત્સવ માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે.
મુખ્ય આકર્ષણો:
લાઈટ એન્ડ સાઉન્ડ શો: ભવ્ય એક્રેલિક મંદિરના ચિત્રપટ પર રોજ સાંજે ધ્વનિ, પ્રકાશ , નૃત્ય અને સંવાદના સંયોજન સાથે પ્રેરણાદાયી લાઈ એન્ડ સાઉન્ડ શો યોજાશે.
સંત ઝરુખા: ભારતમાં થઇ ગયેલ મહાન સંતો ભક્તો ની પૂર્ણકદની પ્રતિમાઓ સાથે તેમના જીવનના પ્રસંગો ની ઝાંખી પણ અહીં દેખાશે. સાથે સાથે BAPS ના ગુરુવર્યોની વિરાટ પ્રતિમાઓ ના દર્શન પણ અહીં સ્વામિનારાયણ નગરમાં ભાવિકોને થશે.
પ્રેરણાદાયી પ્રદર્શન ખંડો: સંવાદો, વિડીયો શો, એનિમેશન જેવી તક્નિકોથી વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશસેવા તેમજ સુખાકારી માટે પ્રેરણા આપતા પ્રદર્શન ખંડ માંથી પ્રેરણા મળશે.
વિશ્વશાંતિ મહાયજ્ઞ: રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરના દ્રીદશાબ્દીના ઉપક્રમે ત્રિદિવસીય મહાયજ્ઞ થશે.
ભગવતી દીક્ષા સમારોહ: શિક્ષિત યુવાનો ત્યાગાશ્રમ માં પ્રયાણ કરશે.
સંત પ્રવચનો: વિદ્વાન સંતો દ્વારા રોજ સાંજે કાર્યક્રમો દરમ્યાન પ્રવચનો થશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો: ગુજરાતના વિખ્યાત લોકસાહિત્યકાર જેવાકે શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી ઓસમાણ મીર, શ્રી ભીખુદાન ગઢવી, શ્રી સાંઈરામ દવે, શ્રી સુખદેવ ધામેલીયા, શ્રી રાજભા ગઢવી ના મુખે સુરાવલી અને લોકસાહિત્યની વર્ષા થશે.