પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના વિસ્તારમાંથી કોંગ્રેસને લીડ ન અપાવી શક્યા- આ બેઠક પર સટોડીયોનો પણ દાવ થઈ ગયો

આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર નવા નિશાળિયા એવા મિતેશ પટેલને મતગણતરીના સાત રાઉન્ડના અંતે એક લાખની જંગી લીડ મળતા કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહની સતત પીછેહઠ જોવા મળી રહી છે. કોંગ્રેસના મોટા ગજાના ઉમેદવારની સતત લીડ ઘટતા કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઇ હતી.આમ મોદી લહેર વચ્ચે આણંદ બેઠક પર ફરીવાર કેસરીયો લહેરાય તેવી શકયતા સેવાઇ રહી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત ૧૬-આણંદ સંસદીય મતવિભાગની મતગણતરી તા.૨૩ મે, ૨૦૧૯ને ગુરૃવારના રોજ સવારના ૮:૦૦ કલાકના ટકોરે આણંદ શહેર પાસેના વલ્લભવિદ્યાનગર સ્થિત બીજેવીએમ કોમર્સ કોલેજ અને નલીની અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં પ્રથમ રાઉન્ડથી જ આણંદ બેઠક પર ભાજપે મોદી લહેર વચ્ચે પ્રભુત્વ જાળવતા કોંગ્રેસના પંજાને પકડમાં રાખ્યો હતો. ૨૦૧૪ની જેમ ૨૦૧૯માં પણ ભાજપને મોદી લહેરનો ફાયદો મળી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.

બપોરના ૧૧ઃ૪૫ કલાક સુધી ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલને ૩૦૪૭૯૫ અને કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને ૨૦૧૬૭૩ મત મળતા ભાજપને ૧૦૩૧૨૨ મતોની સરસાઈ પ્રાપ્ત થતા ભાજપનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. કોંગ્રેસનો ગઢ ગણતી આંકલાવ, બોરસદ અને પેટલાદ વિધાનસભામાં કોંગ્રેસનું ઘટી રહેલ વર્ચસ્વ કોંગ્રેસની હાર માટે મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ કેન્દ્રીયમ મંત્રી ભરતસિંહ સોલંકી એક મજબુત ઉમેદવાર હોવા છતાં પણ નવા નિશાળીયા એવા ભાજપના મિતેશભાઈ પટેલે તેમને કારમી હાર આપતાં સટ્ટોડીયાઓ પણ ઉંધા માથે પછડાયા છે. આમ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને હરાવીને ભાજપના મિતેશભાઈ પટેલ ડાર્કહોર્સ સાબિત થયા છે.

આણંદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન ગત તા.૨૩-૦૫-૨૦૧૯ના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા ચૂંટણી-૨૦૧૯ના ત્રીજા તબક્કામાં આણંદ જિલ્લામાં ૬૬.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ૭૦.૫૦ ટકા પુરૃષ અને ૬૨.૮૪ ટકા સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૬૦૨૨૫૪ પુરૃષ, ૫૦૩૩૬૦ સ્ત્રી તેમજ ૩૦ ત્રીજી જાતિના મતદારો મળી કુલ ૧૧૦૫૬૪૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વખતની ચૂંટણીમાં ૬૬.૭૯ ટકા મતદાન થયું હોવાથી આ બેઠક પર કોણ હારશે અને કોણ જીતશે ?ની ભારે ઉત્તેજના રાજકીય પક્ષો સહિત જિલ્લાવાસીઓમાં વ્યાપી હતી.

તમામની નજર આજે હાથ ધરાનાર મતગણતરી પર મંડાઈ હતી. આજે સવારના બરાબર ૮:૦૦ કલાકના ટકોરે આણંદ શહેર પાસેના વિદ્યાનગર સ્થિત બી.જે.વી.એમ.કોમર્સ કોલેજ અને નલીની અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતે ઓબ્ઝર્વરોની દેખરેખ હેઠળ કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરીની શરૃઆત થઈ હતી. આણંદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો. આ બેઠક પર પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર મિતેષભાઈ રમેશભાઈ પટેલ (બકાભાઈ) આગળ હતા. પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલને ૩૧૨૭૫ મત, કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને ૨૧૭૮૫ મત મળ્યા હતા.

આમ પ્રથમ રાઉન્ડના કુલ ૫૪૩૫૬ મતોની ગણતરીમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલને ૯૪૯૦ મતની સરસાઈ મળી હતી. શરૃઆતથી જ ભાજપે લીડ મેળવવાનું ચાલુ કરી દીધું હતું. કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ, બોરસદ અને પેટલાદ બેઠક પર કોંગ્રેસને લીડ મળશે તેમ મનાતુ હતું પરંતુ બોરસદ બેઠકને બાદ કરતા આંકલાવ અને પેટલાદ બેઠકમાં ભાજપને સરસાઈ મળતા ભાજપનો વિજય નિશ્ચિત થઈ જવા પામ્યો હતો. પ્રથમ રાઉન્ડથી જ ભાજપને લીડ મળતા કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. પ્રથમ ચાર રાઉન્ડ દરમ્યાન ભાજપને અનુક્રમે ૩૧૨૭૫, ૩૦૭૮૬, ૩૪૩૭૨, ૩૭૭૪૪ અને કોંગ્રેસને ૨૧૭૮૫, ૨૩૪૧૮, ૨૩૯૭૬, ૨૧૮૭૦ મતો મળ્યા હતા.

કઇ વિધાનસભામાં કોને કેટલા મત

પ્રથમ ૨૨૫૮૩૬ મતોમાંથી

ખંભાત વિધાનસભામાં ભાજપને ૧૭૫૫૧, કોંગ્રેસને ૧૧૨૦૪ મત,

બોરસદ વિધાનસભામાં ભાજપને ૧૬૯૧૨, કોંગ્રેસને ૧૭૫૮૯ મત,

આંકલાવ વિધાનસભામાં ભાજપને ૧૩૭૪૩, કોંગ્રેસને ૮૦૦૮ મત,

ઉમરેઠ વિધાનસભામાં ભાજપને ૨૨૮૮૧, કોંગ્રેસને ૧૦૭૮૩ મત,

આણંદ વિધાનસભામાં ભાજપને ૨૧૨૭૯ અને કોંગ્રેસને ૧૨૫૮૧ મત,

પેટલાદ વિધાનસભામાં ભાજપને ૧૬૭૭૫ અને કોંગ્રેસને ૧૪૮૯૭ મત

સોજિત્રા વિધાનસભામાં ભાજપને ૨૦૭૩૦ અને કોંગ્રેસને ૧૨૯૦૨ મત

આમ ભાજપને કુલ ૧૨૯૮૭૧ જ્યારે કોંગ્રેસને ૮૭૯૬૪ મત મળ્યા હતા. આ ગણતરીમાં નોટામાં આણંદ વિધાનસભામાં ૫૪૩, બોરસદ વિધાનસભામાં ૫૨૦, આંકલાવ વિધાનસભામાં ૩૮૯, ઉમરેઠ વિધાનસભામાં ૫૨૩, આણંદ વિધાનસભામાં ૫૦૫, પેટલાદ વિધાનસભામાં ૫૬૮ અને સોજિત્રા વિધાનસભામાં ૫૬૭ મત નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *