વડોદરાનાં જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં બુધવારે માત્ર 9 વર્ષનાં એક નવાં પોલીસ ઇન્સ્પેક્ટરે ચાર્જ સંભાળ્યો. જો કે, પીઆઇ તરીકે આ બાળ ઇન્સ્પેક્ટરનો ચાર્જ ફક્ત એક દિવસ પુરતો હતો. પરંતુ આ બાળ ઇન્સ્પેક્ટરને એટલું જ માન સન્માન અને ઇજ્જત આપવામાં આવી જેટલું માન સન્માન એક પોલીસ અધિકારીને અપાય છે. વાસ્તવમાં એક દિવસ માટે પોલીસ ઇન્સ્પેક્ટર બનેલ 9 વર્ષનું બાળક લંખી કુમાર એક અસાધ્ય બિમારીથી પીડાઇ રહ્યું છે. બાળકની આ બિમારીનો ઇલાજ અશક્ય હોઇ તેનાં માતા પિતા તેનાં તમામ સપનાં પુરા કરવાનાં પ્રયાસ કરી રહ્યાં છે.
લંખી કુમારનું આવું જ એક સપનું હતું પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું. પરંતુ જે બીમારીથી આ બાળક પીડાઇ રહ્યું છે તે જોતાં તેનું આ સપનું જીવનમાં પૂરું થવાનું કઠિન જણાતાં મેક અ વિશ ફાઉન્ડેશન નામની સેવાકીય સંસ્થા આ બાળકની વ્હારે આવી. અને સંસ્થા દ્વારા વડોદરા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો. જેથી કરીને આ બાળકનું સ્વપ્ન પૂરું થઇ શકે. અને બુધવારે તે દિવસ પણ આવી ગયો જ્યારે માત્ર 9 વર્ષનાં બાળક લંખી કુમારે વડોદરાનાં જે.પી.રોડ પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું તેનાં જીવનનું સૌથી મોટું સપનું સાકાર થતાં ખુશી જોવા મળી હતી.
વ્યક્તિ જ્યારે કોઇ ગંભીર બિમારી સામે ઝઝૂમતું હોય અને આવા સમયે તેને તેની જીવનની સૌથી મોટી ઇચ્છા પુરી કરવાનો અવસર મળે ત્યારે કેવી અનુભૂતિ થતી હોય છે તે વડોદરામાં જોવાં મળ્યું. એક અસાધ્ય બિમારીથી પીડાતાં માત્ર 9 વર્ષનાં બાળકનું પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું સપનું વડોદરા પોલીસે પૂરું કર્યું અને આ પ્રસંગે જે દ્રશ્યો સર્જાયાં તે લાગણીથી ભરપુર હતાં. બાળક લંખી કુમારનાં ચહેરા પરથી જોઇ શકાય છે. જે.પી.રોડ પોલીસ મથકનાં પીઆઇ સહિત વડોદરા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ પણ એક વર્ષનાં આ બાળ પીઆઇને એટલો જ આદર સત્કાર આપ્યો જેટલો એક પોલીસ અધિકારીને મળે છે.
પોતાનાં બાળકનું સપનું પૂરું થતાં તેનાં માતા પિતાની ખુશીનો પાર ન રહ્યો.. જીવનમાં ક્યારેય પોતાનાં બાળકનું પીઆઇ બનવાનું સ્વપ્ન પૂરું થવાની આશ છોડી બેઠેલાં પિતા તેનાં દીકરાનું સ્વપ્ન પૂરું થતાં ગદગદિત થઇ ગયાં. એક દિવસ માટે વડોદરા પોલીસમાં ઇન્સ્પેક્ટર બનેલાં 9 વર્ષનાં લંખી કુમારને પોલીસ અધિકારીઓએ પોલીસની કામ કરવાની રીત તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારની જાણકારી સહિતની પદ્ધતિથી માહિતગાર કર્યા.. સાથે જ આ બાળ પીઆઇએ તેમનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ પણ કર્યું. વડોદરાની આજની આ ઘટનાએ વધુ એક વાર પોલીસનાં માનવતાભર્યા વલણને છતું કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.