2002 ગુજરાત હિંસા એ ઘટનાઓની હારમાળા છે. તેમાં ગુજરાતના પૂર્વ ભાગમાં આવેલ ગોધરા ખાતે ટ્રેન સળગવાનો અને ત્યારબાદ ગુજરાતના અન્ય ભાગોમાં થયેલ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાનો સમાવેશ થાય છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ તારીખ આવતા નજર સમક્ષ ગોધરા ટ્રેન હત્યાકાંડનો ચિત્ર ઊભું થાય. ગુજરાતના ઇતિહાસમાં આ દિવસ કાળા અક્ષરોએ લખાયો હતો. આ દિવસે ગોધરાની છબી વિશ્વ પટલ ઉપર છવાઈ ગઈ હતી. જેને ગુજરાતીઓ ગોધરા કાંડ તરીકે હમેશા યાદ કરશે.
27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે મુસ્લિમ ટોળા એ સાબરમતી એક્ષ્પ્રેસના ડબ્બાને આગ લગાડી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા 58 કારસેવકો હુમલામાં મૃત્યુ પામ્યા. તેના કારણે બીજે દિવસે મુસ્લિમો સામે અને ત્યારબાદ બંને કોમ વચ્ચે હિંસા અને હુલ્લડો શરુ થયા જે જુન મહિનાના મધ્ય સુધી ચાલ્યા. તેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ મૃત્યુ પામ્યા અને અન્ય 223 વ્યક્તિ ખોવાયેલ જાહેર થયા. 536 ધાર્મિક સ્થળોને નુકશાન થયું જેમાં 273 દરગાહ, 241 મસ્જિદ, 19 મંદિરો અને 3 દેવળનો સમાવેશ થાય છે. અંદાજે 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. હુલ્લડ અટકાવવાના ભાગ રૂપે 17,947 હિંદુઓ અને 3,616 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 27,901 હિંદુઓ અને 7,651 મુસ્લિમોની ધરપકડ થઇ હતી.
આ ઘટનાઓ ભારતમાં રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહી છે. કેટલાક ટિપ્પણી કરનારાઓએ હિંદુઓ અને મુસ્લીમોના મૃત્યુને હત્યાકાંડ જણાવ્યો છે. જેમાં સરકારે ભાગ ભજવ્યો હતો, તો અન્યો એ હિંદુઓ અને મુસ્લીમોના મૃત્યુને હુલ્લડો અને હિંસક બનાવોના શિકાર ગણાવ્યા છે.
આ ગુનામાં સંડોવાયેલા 11 ને કોર્ટે ફાંસીની સજા આપી હતી જે આ મુજબ હતા. ૦૧.સિરાજ મોહંમદ, ૦૨.ઇરફાન મોહંમદ હનીફ અબ્દુલ ગની પાતિળયા, ૦૩.બીલાલ ઇસ્માઇલ અબ્દુલ મજીદ સુજેલા ઉર્ફે બીલાલ હાજી, ૦૪.હસન અહેમદ ચરખા ઉર્ફે લાલુ, ૦૫.રમજાની બિનયામીન બહેરા, ૦૬.અબ્દુલ રઝાક મોહંમદ કુરકુર, ૦૭.જાબીર બિનયામીન બહેરા, ૦૮.મહેબૂબ ખાલીદ ચંદા, ૦૯.સલીમ ઉર્ફે સલમાન યુસુફ સત્તાર જર્દા, ૧૦.મહેબૂબ અહેમદ યુસુફ હસન, ૧૧.ઇરફાન અબ્દુલ મજીદ ઘાંચી કલંદર.
આ હત્યાકાંડના ગુનામાં ૨૦૨૧ ની સ્થિતિએ હજી સાત આરોપીઓ વોન્ટેડ છે. જે પૈકી ચાર આરોપીના ટૂંકા અને અડધા નામ છે.જ્યારે બે આરોપીઓ સામે આરોપીઓ પાકિસ્તાન કે અન્ય સ્થળે ભાગી ગયા હોવાની શક્યતાઓ વચ્ચે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં શોકત ચરખા અને સલીમ પાનવાલા, બંને રહે, ગોધરાનો સમાવેશ થાય છે.