આમ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ પહેલા જ અલ્પેશ ઠાકોરે રાંધનપુરથી લડવાના સંકેત આપી દીધા છે. જો કે શંકર ચૌધરીની રાધનપુરથી ચૂંટણી લડવાની અટકળો અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, શંકર ચૌધરી અને મારું મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ છે.
કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા રાંધનપુરના પૂર્વ ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર 30મી ઓગસ્ટથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેવા અહેવાલ પ્રાપ્ત થયાં છે. આમ જ્યારે એક બાજુ ચૂંટણી પંચ દ્વારા તારીખની જાહેરાત થઇ નથી તેમજ ભાજપ દ્વારા પણ હાલમાં રાંધનપુર બેઠકને લઇને કોઇ નામ અંગે સંકેત આપવામાં આવ્યા નથી.
ત્યારે રાંધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાને લઇને એકતરફ ભાજપને પણ આ બેઠકના ઉમેદવાર તરીકે પોતાનું નામ જાહેર કરવા અંગે જણાવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષમાંથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ગાંધીનગરના કમલમ્ ખાતે જીતુ વાઘાણીની હાજરીમાં બન્ને નેતાઓ ભાજપમાં જોડાયા હતા.
ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે નિવેદન આપતાં કહ્યું હતું કે સમગ્ર દેશના લોકોને રાષ્ટ્રવાદી નેતૃત્વ પર ભરોસો છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નેતૃત્વથી પ્રભાવિત થયો છું.