સુરતમાં 6 ટેક્સટાઇલ ટ્રેડર્સની 54.52 લાખની GST ચોરી પકડાઈ. જાણો વિગતે

Published on: 1:25 pm, Fri, 10 May 19

સુરતથી મધ્યપ્રદેશમાં ઈ-વે બીલ વગર કાપડનો જથ્થા સાથે ઝડપાયેલા ટ્રાન્સપોર્ટર્સ બાદ જીએસટી વિભાગે સુરતના રીંગરોડ સ્થિત ૬ કાપડના વેપારીઓ પર હાથ ધરેલી તપાસના અંતે કુલ રૂ.૫૪.૫૨ લાખની જીએસટી ચોરી ઝડપાતા વિભાગે ટેક્સ વસુલાતની કાર્યવાહી હાથ ધરી છે.

જીએસટી વિભાગની મોબાઈલ ચેકીંગ ટીમ દ્વારા તાજેતરમાં સારોલીના ટ્રાન્સપોર્ટર્સ કંપનીઓના ટ્રકમાં સુરતથી મધ્યપ્રદેશ આંતર રાજ્યમાં વહન થઈ રહેલા કાપડના જથ્થાની તપાસ હાથ ધરી હતી. પરંતુ ટ્રાન્સપોર્ટર્સ કંપનીના ટ્રક ચાલકો પાસેથી ઈ-વે બીલ કે ચલણ રસીદ ન મળી આવતા જીએસટી વિભાગની ટીમે સુરતના ૬ ટેક્સટાઈલ ટ્રેડર્સના વ્યવહારો  પર વોચ રાખી હતી.

ગયા સપ્તાહ દરમિયાન જીએસટી વિભાગ દ્વારા રિંગરોડની અભિષેક માર્કેટમાં આવેલા ૬ ટેક્સટાઈલ વેપારીઓના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા તમામ ટેક્સટાઈલ વેપારીઓના વાંધા જનક હિસાબી દસ્તાવેજો  કબજે કર્યા હતા.

જે દસ્તાવેજોના વેરીફિકેશનની કાર્યવાહી બાદ જીએસટી વિભાગ દ્વારા સુરતના ૬ વેપારીઓ દ્વારા કુલ રૂ.૫૪.૫૨ લાખની જીએસટીની ચોરી કરી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. જીએસટીના અમલી કરણ બાદ ઈ-વે બીલ વગર  સુરતના ટેક્સટાઈલ ટ્રેડર્સ ઈ-વે બીલ વગર ટ્રાન્સપોર્ટર્સ મારફતે કાપડના જથ્થાની આંતર રાજ્યના વેપારીઓને સપ્લાય કરીને લાખો રૂપિયાની જીએસટી ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે.