અડાજણના મ્યુઝિક ટીચરના ફોટો મુકી બે બોગસ ફેસબુક આઇડી બનાવનાર અજાણ્યાએ બીજા ફોટો નહી મળે તો બિભત્સ ફોટો ફેસબુકમાં ઉપલોડ કરવાની ધમકી આપી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને મ્યુઝીક ટીચર તરીકે નોકરી કરતી 21 વર્ષીય નિર્ભયા (નામ બદલ્યું છે) એક માસ અગાઉ ફેસબુકના એક એકાઉન્ટના પ્રોફાઇલ પીકચરમાં તેનો ફોટો દેખાતા મેેસેન્જર પણ મેસેજ કરી ફોટો કાઢી નાંખવા કહયું હતું. પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો. ત્યારબાદ તેના જ ફોટા સાથેના અન્ય ફેસબુક એકાઉન્ટ પરથી તેને ફેસબુક મેસેન્જરમાં મેસેજ આવવા લાગ્યા હતા.
મેસેજ કરનાર લખતો હતો કે મારે તારૃ કામ છે, મારી જોડે વાત કર. જો તારા પિક્ચર મૂકી આઇડી બનાવ્યું છે તું મારા જોડે વાત કર. મારે તારૃ કામ છે તો જ હું તારા પિક્ચર કાઢીશ. નિર્ભયાએ કહ્યું હતું કે હું તને ઓળખતી નથી, તું શું કામ મારા પિક્ચર અપલોડ કરે છે. પરંતુ તે વ્યક્તિ માન્યો ન હતો અને મેસેજ કરી ધમકી આપી હતી ક, મારા જોડે સરખી રીતે રહે અને સરખી રીતે વાત કર અને પિક્ચર આપે તો હું ક્યારેય કશું ન કરીશ. પણ હવે તે બ્લોક કર્યો તો હું તને કહેવા પણ નહીં તારા ઓપન પિક્ચર ફેસબુકમાં પોસ્ટ કરી દેવા જોજે.
બાદમાં તેણે નિર્ભયાનો ફોટો એડિટ કરી બિભત્સ બનાવી મેસેન્જરમાં પણ મોકલ્યો હતો. નિર્ભયાએ આવું ન કરવા કહેતા તે વ્યક્તિ સતત મેસેજ કરી બીજા ફોટોગ્રાફની માગણી કરતો હતો. આથી છેવટે નિર્ભયાએ તેના વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ જે બી આહીરે વધુ તપાસ હાથ ધરી છે.