ગુજરાતની વધુ એક દીકરી હવસની આગમાં હોમાઈ- રીક્ષા ચાલકોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, ગર્ભવતી થતા ટુકાવ્યું જીવન

વડોદરા(ગુજરાત): વડોદરા(Vadodara) જિલ્લાના ડભોઇ(Dabhoi) તાલુકાના ગામની યુવતી ઉપર ત્રણ મહિના પહેલાં થયેલા સામૂહિક બળાત્કારનો ભોગ બનતા ગર્ભવતી બનેલી યુવતીએ નર્મદા કેનાલ(Narmada Canal)માં પડતું મૂકી આપઘાત(Suicide) કરી લેતા ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા બે હવસખોરોનો ભોગ બનેલી યુવતીએ મુંબઇ(Mumbai)માં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતાં ડભોઇ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ડભોઇ તાલુકાની 19 વર્ષિય સંગીતા(નામ બદલ્યું છે) મુંબઇમાં એક પરિવારમાં રહેતી હતી અને ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. ત્રણ મહિના પહેલાં તે ડભોઇ ઘરે આવી હતી. તે દરમિયાન, આ યુવતીને ઓટો રિક્ષામાં લિફ્ટ આપવાના બહાને ઓટો રિક્ષા ચાલકો ડભોઇ તાલુકાના લિંગસ્થળી ગામની સીમમાં લઇ ગયા હતા. જ્યાં તેની પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સમાજમાં આબરું ન જાય તે માટે યુવતીએ પોતાના ઉપર ગુજરાયેલા સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં મુંબઇમાં જે ઘરમાં રહીને ઘરનું કામ કરતી હતી તે ઘરે પરત જતી રહી હતી.

આ દરમિયાન મુંબઇમાં તેની તબિયત બગડતા મુંબઇનું પરિવાર તેને સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંગીતા ગર્ભવતી હોવાનું અને તેના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. સંગીતા અને મુંબઇનું પરિવાર તબીબી નિદાન સાંભળી ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ મુંબઇના પરિવાર દ્વારા સંગીતાને સ્થાનિક પોલીસ મથકમાં લઇ જઇ ફરિયાદ અપાવવામાં આવી હતી.

ગર્ભવતી બનેલી સંગીતાએ મુંબઇ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલાં ડભોઇ વતનમાં ગઇ હતી. ત્યારે કામ માટે બહાર નીકળવાનું થયું હતું. આ સમયે ઓટો રિક્ષા ચાલક લિફ્ટ આપવાને બહાને લિંગસ્થળી ગામની સીમમાં લઇ ગયો હતો. જ્યાં રિક્ષા ચાલક અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ, પોતાની અને પરિવારની આબરું ન જાય તે માટે ફરિયાદ કરી ન હતી અને પરત મુંબઇ આવી ગઇ હતી. મુંબઇ પોલીસ દ્વારા સંગીતાના આધારે બે અજાણ્યા વ્યક્તિઓ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ઘટના ડભોઇ પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મુંબઇ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ સંગીતા ડભોઇ વતનમાં આવી ગઇ હતી. આ દરમિયાન, ડભોઇ પોલીસ દ્વારા મુંબઇ પોલીસ મથકમાંથી ટ્રાન્સફર થયેલી ફરિયાદની તપાસ શરૂ કરવામાં આવે તે પહેલાં જ સંગીતાએ ડભોઇ તાલુકાના કુરાલી ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મુકી આપઘાત કરી લીધો હતો. બાદમાં ડભોઇ પોલીસ દ્વારા લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે સંગીતાએ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસને આ અંગે હજુ સુધી કોઇ સગડ મળ્યા નથી.

આ અંગે ડભોઇ ડિવીઝનના ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ જણાવતા કહ્યું હતું કે, મુંબઇ પોલીસ મથકમાં ડભોઇ તાલુકાના રિક્ષા ચાલક સહિત બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *