એક દીકરીના દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે તેની દીકરીના લગ્ન સુખી અને પૈસાવાળા પરિવારમાં થાય. જેના કારણે તેની દીકરીને આર્થિક પરેશાનીનો સામનો ન કરવો પડે અને છોકરીઓ પણ મોટા ભાગે પૈસાવાળા છોકરાને વધારે પસંદ કરતી હોય છે. પરંતુ અમુકવાર સામાન્ય ઘરની દીકરી જ્યારે પૈસાવાળા પરિવારની વહુ બને તો તેણે ઘણું બધું દુઃખ પણ ભોગવવું પડતું હોય છે. તો તે દુઃખોની ઝાંખી કરાવતી એક સત્ય ઘટના વિષે આજે અમે તમને આ લેખમાં જણાવશું, જે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ અને સમજવી જોઈએ.
તસ્વીરો પ્રતીકાત્મક છે
અવની કરીને એક છોકરી હતી. અવનીનું ગ્રેજ્યુશન પૂરું થયું કે તરત જ તેના માતા-પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી હતી. તેઓ વિચારતા હતા કે કોઈ સારું ઘર મળી જાય તો ત્યાં અવનીના લગ્ન કરી કરી નાખીએ. એવામાં એક છોકરાની વાત સંબંધ બાબતે આવે છે. છોકરો ખુબ જ પૈસાદાર હતો, મુંબઈમાં પોતાની ફેક્ટરી હતી, એક બંગલો હતો, ગામડે પણ એક આલીશાન ઘર હતું, જ્યાં છોકરાના માતા-પિતા રહેતા હતા અને છોકરો મુંબઈમાં રહેતો હતો.
અવનીના પિતાને આ છોકરો અને તેનો પરિવાર ખુબ જ પસંદ આવ્યો. પરંતુ અવનીને આ છોકરો પસંદ ન હતો. કારણ કે તે 10 નાપાસ હતો, પરંતુ તેના પિતાએ તેને સમજાવી કે છોકરો ખુબ જ પૈસાદાર છે, તેના ઘરમાં કોઈ વાતની ખોટ નથી, ત્યાં તારા લગ્ન થશે તો તું રાજ કરીશ. આવું કહીને તેને લગ્ન કરવા માટે મજબુર કરી દીધી. અવની પણ પિતાની જિદ્દ સામે કંઈ ન બોલી શકી અને તેણે લગ્ન માટે હા પાડી દીધી. ત્યાર બાદ અવનીની સગાઇ આકાશ સાથે જ થઇ ગઈ અને મહિનામાં તો લગ્ન પણ નક્કી થઇ ગયા. અવનીની ઈચ્છા હતી કે તેના લગ્ન કોઈ એન્જીનીયર સાથે થાય. પરંતુ બધું જ આપણું ધાર્યું નથી થતું, એમ વિચારી તે આકાશ સાથે લગ્ન જીવનના સપનાઓ લઈને પરણીને સાસરે ગઈ.
અવિનીએ ઘણી બધી આશાઓ અને સપનાઓ સાથે લગ્ન જીવનની શરૂઆત કરવાનો નિર્ણય લીધો. સાસરે તે પહેલા દિવસે છ વાગ્યે ઉઠી અને સ્નાન કરી તૈયાર થઈને નીચે આવી અને સાસુમાંને પગે લાગી અને તરત જ સાસુમાએ પોતાનો સ્વભાવ બતાવ્યો. કારણ કે અવનીના સાસુ ખુબ જ ઘમંડી નીકળ્યા. સાસુને પહેલેથી જ અવની પસંદ ન હતી. કેમ કે અવનીના પિતા એક સામાન્ય માણસ હતા, એ કોઈ પૈસા વાળા પરિવારમાંથી ન હતા. અને અવનીની સાસુને પૈસાદારની દીકરીને વહુ તરીકે લાવવી હતી. જે કરિયાવરમાં વધારે વસ્તુઓ અને સોનું લાવે. પરંતુ અવનીના સસરાને એક સંસ્કારી વહુ જોઈતી હતી, તેમના માટે પૈસા મહત્વના ન હતા. તેથી અવનીના સસરા સામે તેની સાસુનું કંઈ ચાલ્યું નહિ અને અવનીના સાસુએ આ સંબંધ માટે ઈચ્છા ન હોવા છતાં પણ હા પડાવી પડી. જેનો તે અવની સાથે આવું વર્તન કરીને બદલો લેતી હતી.
પહેલા જ દિવસે અવનીને તેની સાસુએ અમુક નિયમો જણાવી દીધા કે સવારે 4.30 વાગ્યે ઉઠી જવાનું અને રાત્રે 11 વાગ્યે જ સુવાનું, ઘરની બહાર નહિ જવાનું, કામ સિવાય બોલવાનું નહિ વગેરે ઘણા બધા નિયમો તેમણે જણાવી દીધા. અવની આવા નિયમો અને આવું વર્તન જોઇને ખુબ જ દુઃખી થઇ ગઈ. અને અવનીને વારંવાર કરિયાવર ઓછો લાવી તેવા મ્હેણાં મારતા હતા. જ્યારે અવનીને મળવા માટે તેના માતાપિતા આવે તો તેને પણ સંભળાવતા હતા અને તેનું અપમાન કરતા હતા. આ બધું જોઇને અવનીને ખુબ જ દુઃખ થતું અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.
પરંતુ સાસુસસરા સાથે આ રીતે એક મહિનો પસાર થયો ત્યાર બાદ અવનીને તેના પતિ આકાશ સાથે મુંબઈ રહેવા જવાનું હતું. અવનીને લાગ્યું કે હવે તેની જિંદગીમાં સારા દિવસો આવશે .મુંબઈમાં તેણે આલીશાન ઘરમાં રહેવાનું અને ત્યાં કોઈ ખરી ખોટી સંભળાવવા વાળું પણ નહિ હોય. એક વાર તો તેને લાગ્યું કે પપ્પાની વાત સાચી હતી, હું મુંબઈમાં રાજ કરીશ. આ સપનાઓ સાથે તે મુંબઈ પહોંચે છે અને પતિ સાથે રહેવાનું શરૂ કરે છે. થોડા જ દિવસોમાં અવની ગર્ભવતી થાય છે. આ સાંભળી તેના સાસુ ખુબ જ ખુશ થાય છે. કારણ કે તેને તેના ઘરનો વારસદાર આવવાની ખુશી હોય છે. અવની પહેલી વાર જ ગર્ભવતી બની હતી તેથી તેને પિયર જવાનું હતું. તેનાં શ્રીમંત બાદ તે પોતાના પિયર જાય છે.
પિયર ગયા બાદ ક્યારેક જ આકાશ અવનીને ફોન કરતો, તેથી અવની થોડી દુઃખી થઇ જતી. જોત જોતામાં અવનીએ એક દીકરાને જન્મ આપ્યો જેના સમાચાર સાંભળીને અવનીના સાસુસસરા ખુબ જ ખુશ થયા. સવા મહિના બાદ આકાશ તેને ફરી સાસરે જવા માટે લઇ ગયો. અવનીના દીકરાનું નામ જય રાખ્યું અને સાસુ જયની આવવાની ખુશીમાં એટલા ખુશ હતા કે તેણે આખા ગામમાં પેંડા વહેંચ્યા. ત્યાર બાદ આકાશ અવની અને જય બંનેને પોતાની સાથે મુંબઈ લઇ ગયો.
હવે અવની સામે તેના પતિની અસલિયત આવી કે અવની જેટલી સંસ્કારી હતી તેટલો જ આકાશ દુરાચારી હતો. તે અવની સાથે ખુબ જ ખરાબ વ્યવહાર કરતો અને તેને ધુતકારતો, એટલું જ નહિ તેના મુંબઈમાં ઘણી છોકરીઓ સાથે અફેઈર પણ હતા. અને તે છોકરીઓ પાછળ પૈસા અને સમય બર્બાદ કરતો. એટલું જ નહિ, અવની કંઈ કહે તો તે તેને મારતો. હદ તો ત્યારે થઇ જ્યારે આકાશ એક દિવસ પોતાની ગર્લફ્રેન્ડને ઘરે લાવ્યો અને ઘરમાં જ તેની સાથે રોમાન્સ કરવા લાગ્યો. આ બધું થયા બાદ અવની માટે તે જિંદગી નર્ક બની ગઈ હતી. તેને ઘણી વાર થતું કે તે આત્મહત્યા કરી લે, પરંતુ તેને તેના દીકરા જયની ચિંતા સતાવતી હતી તેથી તે આત્મહત્યા કરવાનો વિચાર બદલી નાખતી અને દીકરા માટે જીવવા માટે મન મક્કમ કરી લેતી.
અવની વિચારતી કે આ મારો જ વાંક છે. જો મેં પહેલા જ આકાશને રોક્યો હોત તો વાત આટલી આગળ વધી ન હોત. પહેલેથી જ જો મેં મારા પતિને દાબમાં રાખ્યો હોત તો આજે આ દિવસો જોવા ન પડ્યા હોત. મારું સારું વર્તન જ આજે મારું દુશ્મન હોય એવું લાગે છે. પરંતુ તે પોતાના સંસ્કારોના કારણે આવું ન કરી શકી. આ રીતે તે ક્યારેક પોતાને, તો ક્યારેક પોતાના નસીબને કોસતી અને દિવસો પસાર કરતી. ઘણી વખત તેને વિચાર આવતો કે મારા પપ્પાએ “હું સુખી રહું તેવું વિચારીને અહીં પરણાવી હતી, પરંતુ કદાચ તેમને અંદાજો પણ નહિ હોય કે અહીં મારે કેટલું દુઃખ વેઠવું પડે છે.”
મિત્રો આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. પરંતુ ઘણી દીકરીઓને લગ્ન બાદ આવા દુઃખોનો સામનો કરવો પડતો હોય છે. તેથી દરેક માતાપિતા અને ભાઈઓએ સમજવું અને પોતાની લાડકવાયી દીકરીને કે બહેનને કંઈ પણ વિચાર્યા વગર માત્ર પૈસાદાર છે તે જોઇને ક્યારેય પણ કોઈ સાથે લગ્ન ન કરાવી દેવા જોઈએ. પૈસા તો આજે છે કાલે નથી. પરંતુ સંસ્કાર જ સાચું ઘરેણું છે. કારણ કે સંસ્કાર ક્યારેય મરતા નથી. પૈસાદાર લોકો મોટાભાગે માણસો કરતા પૈસાને વધારે મહત્વ આપતા હોય છે. જ્યારે સંસ્કારી લોકો પૈસા કરતા વધુ મહત્વ માણસોને અને તેની લાગણીઓને આપતા હોય છે. તેથી દીકરીના લગ્ન કરતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
આ બાબતમાં તમારું શું કહેવું છે કે દીકરીના લગ્ન પૈસાદાર છોકરા સાથે કરવા જોઈએ કે પછી સંસ્કારી અને મહેનતુ છોકરા સાથે કરવા જોઈએ ? કોમેન્ટ કરીને તમારો કિંમતી જવાબ જરૂર જણાવજો.
નોંધ : મિત્રો આ લેખમાં અમે કોઈ પૈસાવાળા લોકો કે કોઈના પર વ્યક્તિગત પ્રશ્ન નથી ઉઠાવતા. એક સત્ય ઘટના બનેલી છે તેના આધારે આ લેખને લખવામાં આવેલ છે. જેની બધા જ વાચક મિત્રોએ નોંધ લેવી. કોઈ પણ વ્યક્તિની લાગણીને અમે ઠેંસ નથી પહોંચાડવામાં માંગતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.