સુરત(Surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે ગુજરાતના સુરતમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ(Sardardham)” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ બુધવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
આ કોન્ફરન્સ દર બે વર્ષે યોજાય છે:
PMOના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ સરદારધામ “મિશન 2026” હેઠળ યોજવામાં આવી રહ્યો છે અને તેની પાછળનો ઉદ્દેશ્ય પાટીદાર સમુદાયનો આર્થિક વિકાસ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. PMOના કહ્યા અનુસાર આ GPBS-2022 ની મુખ્ય થીમ “આત્મનિર્ભર ગુજરાત અને ભારત માટે આત્મનિર્ભર સમુદાય” રાખવામાં આવેલ છે.
કાર્યક્રમમાં જાણો કોણ રહેશે હાજર:
સરદારધામ દ્વારા આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દેશ-વિદેશના અનેક પ્રતિનિધિઓ હાજરી આપશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અનુપ્રિયા પટેલ હાજર રહેશે. આ સાથે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને દેશ-વિદેશના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેવાના હતા. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ગુજરાત મુલાકાતના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલની આજની સુરત મુલાકાત રદ કરવામાં આવી છે. તેઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પણ ભાગ લેવાના હતા. તો મુખ્યમંત્રી પણ વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલ રીતે જોડાશે.
સરસાણામાં 30 હજાર ચોરસ મીટરમાં 950 જેટલા સ્ટોલ સાથે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે. આઇટી, ફૂડ એન્ડ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, એગ્રીકલ્ચર, રબર, ડાયમંડ અને ટેક્સટાઇલ સહિત 15 થી વધુ ક્ષેત્રોમાં સ્ટોલ છે. મહિલા ઉદ્યોગકારો તેમજ કૃષિ અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલ પર 50 ટકા રાહત આપવામાં આવી છે.
વેપાર ઉદ્યોગનો વિકાસ કરવાનો મુખ્ય હેતુ:
સરદારધામના પ્રમુખે જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય મિશન-2026 અંતર્ગત રાજ્યમાં વેપાર-ઉદ્યોગનો વિકાસ કરવાનો અને નવા ઉદ્યોગ સાહસિકો માટે તકો ઊભી કરવાનો તેમજ રોજગારીનું સર્જન કરવાનો છે. સમિટનો મુખ્ય ધ્યેય યુવા સાહસિકોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. સમિટ દરમિયાન દેશ-વિદેશમાંથી 10 હજાર જેટલા અગ્રણી પાટીદારો આવશે અને વિવિધ વિષયો પર સેમિનારને સંબોધિત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.