હાલ વલસાડ જીલ્લામાં અતિ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકી વેઠવી પડી ચી. તેમજ હાલ તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. જિલ્લાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ રેલના ધસમસતા પ્રવાહમાં NDRFની ટીમે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી છે.
જાણવા મળ્યું છે કે, હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં 2000 જેટલા લોકો ફસાયા છે, તો ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરમાં ફસાયા છે. આ ઉપરાંત શહેરના બરુડિયાવાડ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત વલસાડના હિંગરાજ ગામે હેલિકોપ્ટર દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
વધુ એક ટીમ બોલાવાઈ:
અતિ ભારે વરસાદને કરાને અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં કેટલાક લોકો પહેલા માળેથી, તો કેટલાક લોકોનું બીજા મળેથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરી માટે વધુ એક NDRFની ટીમને બોલાવવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નગરપાલિકા મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હેલિકોપ્ટરથી 5 લોકોનું રેસ્ક્યૂ કરાયું:
મળતી માહિતી અનુસાર, ઔરંગા નદી કિનારે અને દરિયા નજીક આવેલા ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું બન્યું છે. ગઈકાલે પણ આ ગામ સંપર્કવિહોણું બન્યું હતું. ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા છે, જેમાં 9 મહિલા અને 10 જેટલા પુરુષોનું NDRFની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વલસાડ શહેરના શહીદ ચોક ખાતેથી NDRFની ટીમે ચાર બાળક, ચાર મહિલા અને બે પુરુષો મળી કુલ 10 લોકોનું રેસ્ક્યૂ કરવામાં કર્યું છે. અહીં હજુ પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાયા:
આ સિવાય ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અને વહેલી સવારથી મધુબન ડેમના ચેસમેન્ટ વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદને લીધે ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાયા છે. ડેમમાં મધુબન ડેમમાં 1 લાખ 71 હજાર 196 ક્યુસેક પાણીની આવક થઇ છે, જેમાંથી 1 લાખ 41 હજાર 171 ક્યુસેક પાણી દર કલાકે દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
સેલવાસ અને દમણના કલેક્ટર સાથે વલસાડ જિલ્લા કલેક્ટરે વર્ચ્યુઅલ બેઠક કરી ડેમમાંથી છોડવામાં આવતા પાણી વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે સેલવાસનો બિલાડ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ:
ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગત રાત્રે વલસાડમાં પણ બારે મેઘ ખાંગા થતાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વલસાડ શહેરના બંને બ્રિજ ડૂબ્યા છે, તો શહેરના અંડરપાસમાં કમરસમા પાણી ભરાતાં અવરજવર બંધ કરવાની ફરજ પડી છે.
શહેરના કાશ્મીરનગર, દાણાબજાર, છીપવાડ, તરિયાવાડ, બંદર રોડ, કૈલાસ રોડ, વિસ્તારમાં પાણી ભરાતાં જનજીવન પર અસર વર્તાઇ રહી છે, જ્યારે બીજી તરફ, જિલ્લાના અનેક ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘૂસ્યાં છે. જિલ્લાના લીલાપોર, ધમડાચી, હનુમાન ભાગડા, ભાગડાખુર્દ સહિતનાં ગામોમાં નદીના પાણી ઘૂસતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.