ભારત દેશમાં ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)ના ભાવમાં ઘટાડો થઈ શકે છે. અમે આ દાવો નથી કરી રહ્યા પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ(Crude oil)ના ભાવમાં ઘટાડો આ તરફ ઈશારો કરી રહ્યો છે. બુધવારે ક્રૂડ ઓઇલ છ મહિનાની નીચી સપાટીએ ચાલ્યું ગયું હતું. આવી સ્થિતિમાં ઈંધણના ભાવમાં રાહત મળવાની આશા વધી ગઈ છે.
ક્રૂડના ભાવ અહિયાં પહોંચી ગયા હતા:
રોઇટર્સ અનુસાર, બુધવારે ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 4 ટકા ઘટીને છ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. જો આપણે યુએસ ડેટા પર નજર કરીએ તો, તેનું મુખ્ય કારણ ગયા સપ્તાહે ક્રૂડ ઓઇલ અને ગેસોલિનના સ્ટોકમાં અણધાર્યો વધારો હતો. બ્રેન્ટ ક્રૂડ LCOc1 ફ્યુચર્સ $3.76 અથવા 3.7 ટકા ઘટીને $96.78 પ્રતિ બેરલ થયા છે. 21 ફેબ્રુઆરી પછી આ તેનું સૌથી નીચું સ્તર છે.
WTI માં આવ્યો આટલો ઘટાડો:
વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ CLc1 ફ્યુચર્સ $3.76 અથવા 4 ટકા ઘટીને $90.66 થઈ ગયો, જે 10 ફેબ્રુઆરી પછીનો સૌથી ઓછો છે. એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે યુએસ ક્રૂડ ઇન્વેન્ટરીઝમાં તીવ્ર વધારો થયો હતો કારણ કે નિકાસમાં ઘટાડો થયો હતો અને રિફાઇનર્સે રનમાં ઘટાડો કર્યો હતો. જ્યારે પેટ્રોલની માંગ પણ ધીમી પડી હતી.
ક્રૂડ ઓઈલ આ રીતે અસર કરે છે:
ભારત ક્રૂડ ઓઈલનો મુખ્ય આયાતકાર છે અને તેની જરૂરિયાતના 85 ટકાથી વધુ બહારથી ખરીદે છે. ભારતે આયાતી કાચા તેલની કિંમત ડોલરમાં ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારા અને ડોલરની મજબૂતીથી સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવા લાગે છે. જાણકારોના મતે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં એક ડોલરનો વધારો થાય છે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 50 થી 60 પૈસાનો વધારો થાય છે.
આટલું સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ :
નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનામાં MCX પર કાચા તેલની કિંમતમાં લગભગ 18 ટકાનો ઘટાડો થયો છે. માર્ચ 2022માં તે 139 ડોલર પ્રતિ બેરલની ટોચે પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે હવે કિંમતોમાં મોટો સુધારો તે અર્થતંત્રો માટે સારો છે, જેઓ ભારત જેવા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 થી 5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.