ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ બપોરે 2 વાગે ભુજ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી નીકળ્યા બાદ અરવિંદ કેજરીવાલ સેવન સ્કાય ક્લાર્ક એક્ઝોટિકા હોલ પહોંચ્યા હતા. અહીંથી અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે.
આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ભુજમાં ટાઉન હોલ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, જ્યારે અહીંયા આવવાની વાત ચાલતી હતી ત્યારે બધાએ પૂછ્યું કે આજે તો તમારો જન્મદિવસ છે તો તમે કઈ રીતે આવશો? મેં કહ્યું કે, દિલ્હીમાં તો દરેક વર્ષે જન્મદિવસ માનવીએ છીએ આ વખતે ગુજરાતમાં માનવીએ અને અહીંયા આવ્યા બાદ જનતા તરફથી જે પ્રેમ અને સહકાર મળ્યો છે તેનો હું ખુબ જ આભારી છું. મને પૂછવામાં આવ્યું કે, દિલ્હી તો રાજધાની છે ત્યાં શાળાઓ બનાવું સહેલું છે પણ તમે ગુજરાતમાં કઈ રીતે બનાવશો? મારે તેમને કહેવું છે કે દિલ્હીમાં પણ પહેલા ગુજરાત જેવી જ હાલત હતી, ભાજપ અને કોંગ્રેસ વાળાઓએ 70 વર્ષમાં દિલ્હીમાં પણ કોઈ કામ કર્યું નથી. તે બધી જ શાળાઓ અમે આવીને ઠીક કરી છે કેમકે અમને કરતા આવડે છે. જો અમે દિલ્હીમાં કરી બતાવ્યું તો ગુજરાતમાં પણ કરી બતાવીશું.
એક યુવાને કહ્યું કે, તે પોતે ફક્ત 22 વર્ષનો છે તેની કામ કરવાની ઉમર નથી પરંતુ ભણવાની ઉમર છે. પણ ભાજપના રાજમાં એને કામ કરવું પડી રહ્યું છે. અમારું પણ એ જ કહેવું છે કે જો ભાજપ અને કોંગ્રેસે 70-75 વર્ષ કંઈ કામ કર્યું હોટ તો ક્યારેય આમ આદમી પાર્ટી બનાવવાની જરૂર જ ના પડત, ભાજપ કોંગ્રેસે કંઈ કામ કર્યું નથી એટલે હવે જનતાએ તેમની પોતાની આમ આદમી પાર્ટી બનાવવાની ફરજ પડી છે. ગુજરાતમાં શિક્ષકોને ભણાવા સિવાય પણ બીજા ઘણા કાર્યો આપવામાં આવે છે, આ અમે દિલ્હી અને પંજાબમાં બંધ કરી દીધું છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનતા ગુજરાતમાં પણ બંધ કરી દઈશું, શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવા સિવાય બીજા કોઈ કાર્યો આપવામાં આવશે નહિ. આપણા દેશમાં આ લોકોએ શિક્ષા વ્યવસ્થાને ભંગાર બનાવી મૂકી છે. મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણવા મૂકે છે પણ ત્યાં ખાનગી શાળા વાળાઓએ લૂંટ મચાવીને મૂકી છે. યુનિફોર્મ ફીસ, પિકનિક ફીસ, ડેવલપમેન્ટ ફીસ, લાઈબ્રેરી ફીસ એમ ઘણા બધા બહાના ના નામે દર વર્ષે ફીસમાં વધારો કરવામાં આવે છે અને સરકાર તેના વિરોધમાં કઈ કરતી નથી. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં ફીસ પર કાબુ લાવવા માટે એક કમિટી બનાવવામાં આવી છે પણ તે કમિટી કંઈ કામ કરી રહી નથી, બસ ખાનગી શાળાઓ વાળા ફીસ વધારે છે અને કમિટી વાળા તેના પર મંજૂરીનો સિક્કો લગાવતા જાય છે.
માં-બાપ ફક્ત એટલું જ ઇચ્છતા હોય કે અમારું બાળક ભણી ગણીને આગળ વધે, ખાનગી શાળાઓમાં ઘણી મુશ્કેલીથી એડમિશન થાય છે એટલે દરેક વાલીને મજબૂર કરવામાં આવે છે કે જો તેઓ કોઈ પણ વિરુદ્ધ પગલાં ઉઠાવશે તો તેમના બાળકને શાળામાંથી કાઢી મુકવામાં આવશે ને સરકાર આ બધા વિરુદ્ધ કોઈ જ પગલાં ભરતી નથી અને ખાનગી શાળાઓ પાસેથી પૈસા ખાય છે. ઘણી બધી ખાનગી શાળાઓ મોટા મોટા નેતાઓની જ છે એટલે ગમે ત્યારે ફીસ વધારો કરવામાં આવે છે. ગુજરાતમાં લગભગ 44 લાખ બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરે છે અને બાકીના 53 લાખ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને આપણે સૌને ખબર છે કે ગુજરાતમાં સરકારી શાળાની હાલત શું છે. જે લોકો ખૂબ જ ગરીબ છે જેની પાસે ખાવાના પૈસા નથી તેવા મજબૂર લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરવા મોકલે છે પણ સરકારી શાળાની હાલત ખુબ જ કપરી છે અને આ ફક્ત ગુજરાત ની કહાની નથી પરંતુ સમગ્ર દેશમાં આ જ સ્થિતિ છે, 70 વર્ષ સુધી શિક્ષણ વ્યવસ્થાની હાલત કફોડી કરી નાખી છે. જો આપણે ઇચ્છીએ છીએ કે ભારત દુનિયાનો નંબર વન દેશ બને, ભારત અમીર દેશ બને, ભારત વિશ્વ ગુરુ બને તો એ ફક્ત ભાષણબાજી થી સંભવ નહીં થાય, સૌપ્રથમ શિક્ષણ નીતિમાં સુધારા લાવવા પડશે.
ભારત ત્યારે જ અમીર બનશે જયારે ભારતનું દરેક નાગરિક અમીર બનશે, અને મારું એક જ લક્ષ્ય છે કે, હું ભારતના દરેક ગરીબને અમીર બનાવું. હું તમને ઉદાહરણ આપવા માંગુ છું કે, દિલ્હીમાં અમે શિક્ષણ મફત કરી દીધું છે, હમણાં ગુજરાતથી 30-40 પત્રકારો દિલ્હી આવ્યા હતા એ વિચારીને કે કેજરીવાલ ગુજરાત આવીને શાળાઓ વિશે એટલી મોટી મોટી વાતો કરે છે તો તેનો ભાંડો ફોડી નાખીયે પરંતુ તેઓ 2-3 દિવસ ત્યાં ફર્યા અને એટલા ખુશ થઇ ગયા કે, મને મળીને કહ્યું કે ભલે વિરોધી પક્ષ વાળા ગમે તે કહે પરંતુ તમે શિક્ષા અને સ્વાસ્થ્યમાં સરાહનીય કામ કર્યું છે. આજે દિલ્હીની સરકારી શાળામાં ગરીબોના, રિક્ષાવાળાઓના, ખેડૂતોના, મજદૂરોના સૌના બાળકો અભ્યાસ કરે છે અને ડૉક્ટર, એન્જીનીર બને છે. હું તેનું એક ઉદાહરણ આપીશ, એક વિદ્યાર્થી છે કુશાલ ગર્ગ તે બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો, તેના પિતા કાર્પેન્ટર છે જે મુશ્કેલી થી મહિનાના 8-10 હજાર કમાય છે તેનું કહેવું છે કે 7-8 વર્ષ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર નહતી બની ત્યારે હું વિચારી પણ નહોતો શકતો કે હું આગળ કંઈ કરી શકીશ. અને અત્યારે તે જ કુશાલ ગર્ગ નું એડમિશન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ડૉક્ટરીમાં થયું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એડમિશન લેવું વિશ્વમાં સૌથી વધારે અઘરું છે અને કુશાલનું એડમિશન ત્યાં થયું છે, તે હવે ડૉક્ટર બનશે અને તેનો મહિનાનો પગાર 3-4 લાખ રૂપિયા હશે, જ્યારે એના પિતાજી 8-10 હજાર જ કમાય છે. તો આમ સારા શિક્ષણ થી ગરીબી દૂર કરી શકાય છે. એક બીજું પણ ઉદાહરણ છે, એક વિદ્યાર્થીના પિતાજી પ્લમ્બરનું કામ કરે છે અને તેઓ પણ મહિનાના 8-10 હજાર જ કમાય છે, આજે તે વિદ્યાર્થીનું એડમિશન IITમાં કમ્પ્યુટર સાયન્સમાં થયું છે. હું પોતે IITથી ભણ્યો છું, મારું પોતાનું એડમિશન કમ્પ્યુટર સાયન્સમાં નહોતું થયું. તમે વિચારો આખા દેશમાં કોઈ વિચારી જ નહોતું શકતું કે કોઈ ગરીબનું બાળક આટલું ભણશે, જો ગરીબના બાળકો ભણી ઘણીને આગળ વધશે તો જ ગરીબી દૂર થશે, અને જો ગરીબી દૂર થશે તો જ ભારત આગળ વધશે અને અમીર બનશે.
સમગ્ર ભારતમાં 17 કરોડ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે, અને તે 17 કરોડ બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે. જો દિલ્હીમાં સરકારી શાળામાં ભણતા 18 લાખ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ તો દેશમાં પણ 17 કરોડ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ અને ગુજરાતમાં પણ 53 લાખ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકાય છે. જો ગુજરાતમાં પણ સરકારી શાળાઓ સુધારવામાં આવે તો થોડા જ વર્ષોમાં ગુજરાતનું ભવિષ્ય બદલી શકાય છે અને આવી રીતે જ ગુજરાત આગળ વધશે, ભારત દેશ આગળ વધશે. બાકી બીજા લોકો તો ફક્ત મોટી મોટી વાતો કરે છે, કરતા કંઈ નથી.
દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે અમુક મહત્વપૂર્ણ કામ કર્યા છે જેમ કે, દિલ્હીમાં અમે સરકારી શાળા એટલી સારી બનાવી દીધી છે કે, દિલ્હીના 4 લાખ બાળકો જે ખાનગી શાળામાં ભણતા હતા તેમણે પોતાનું એડમિશન ખાનગી શાળાથી હટાવીને સરકારી શાળામાં કરાવી દીધું છે. દિલ્હીમાં ગયા વર્ષે સરકારી શાળાઓનું પરીણામ 99.7% આવ્યું હતું. ત્યારબાદ ખાનગી શાળાઓએ ઘણી ગુંડાગર્દી મચાવી મૂકી હતી, પરંતુ અમે ખાનગી શાળાઓમાં નિયમ લાગુ કરાવ્યો કે કોઈ ફીસ વધારો કરવામાં નહિ આવે. દરેક ખાનગી શાળાઓની ઓડિટ કરાવામાં આવી, ત્યાં જાણ થઇ કે ઘણી બધી શાળાઓએ 30-40 હજાર કરોડની એફ.ડી કરાવીને મૂકી હતી જે ગેરકાયદેસર છે. અમે ખાનગી શાળાઓમાં ઓર્ડર પાસ કર્યો, એફ.ડી તોડાવડાવી અને બાળકોના વાલીઓને ફીસ પરત કરાવડાવી. આ ભારતના ઇતિહાસમાં પહેલી વાર થયું કે બાળકોની ફીસ વાલીઓના બેંક અકાઉન્ટમાં પરત કરવામાં આવી. જે દિલ્હીમાં કર્યું તે ગુજરાતમાં પણ કરશું, એટલે આજે હું ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પાંચ ગેરંટી આપવા જઈ રહ્યો છું.
પહેલી ગેરંટી, ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે. જો તમારી પાસે પૈસા હોય અને તમે ખાનગી શાળામાં જ પોતાના બાળકને ભણાવા માંગતા હોય તો તમે ભણાવી શકો છો, પરંતુ તમારી પાસે પૈસાની અછત છે તો ક્યારેય પૈસાની અછત તમારા બાળકના સારા શિક્ષણ વચ્ચે નહિ આવે. તમારા બાળકને મફતમાં સર્વોત્તમ શિક્ષણ આપીશું એ અમારી ગેરંટી છે. દિલ્હીમાં કરીને બતાવ્યું છે, પંજાબમાં શાળાઓ ઠીક કરવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે અને ગુજરાતમાં પણ કરી બતાવીશું.
બીજી ગેરંટી, દિલ્હીની જેમ જ દરેક સરકારી શાળાને ગુજરાતમાં પણ શાનદાર બનાવીશું અને બહુ મોટા સ્તરે સરકારી શાળાઓ ખોલવામાં આવશે. હમણાં ઘણા લોકોએ કહ્યું કે કચ્છમાં શાળાઓ નથી, પરંતુ અમે ખૂબ જ મોટા સ્તરે સરકારી શાળાઓ બનાવીશું અને હાલની સરકારી શાળાઓને શાનદાર બનાવીશું. દિલ્હીની સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રકચર, ક્લાસરૂમ, બ્લેકબોર્ડ, ડેસ્ક એટલા સારા થઇ ગયા છે કે હવે કોઈ ખાનગી શાળાઓમાં જવા નથી માંગતું. ગુજરાતમાં પણ એવું જ કરશું ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાઓ શાનદાર બનાવીશું.
ત્રીજી ગેરંટી, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ લગાવીશું ખાનગી શાળાઓના માનસ્વી ફી-વધારા પર રોક. બધી ખાનગી શાળાઓની ઓડિટ કરાવીશું, જેણે જેણે ફીસ વધારે લીધી છે તેને પરત કરાવીશું અને ફીસ વધારો અટકાવીશું. જે પણ સરકારી શાળાને ફીસ વધારવી હશે એણે સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. ખાનગી શાળાઓએ જે ગુંડાગર્દી મચાવી રાખી છે કે પુસ્તકો ખરીદવી હોય કે યુનિફોર્મ ખરીદવો હોય તે તેમની પાસેથી જ ખરીદવો, આ અમે દિલ્હીમાં પણ બંધ કરાવી દીધું અને પંજાબમાં પણ બંધ કરાવી દીધું, એમ ગુજરાતમાં પણ બંધ કરાવી દઈશું.
ચોથી ગેરંટી, બધા પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું, શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવશે. ઘણા બધા શિક્ષકો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે તે બધાને કાયમી કરવામાં આવશે. શિક્ષકોને સન્માન આપવામાં આવશે. જ્યારે શિક્ષકોને સન્માન આપીશું, જોબ સિક્યુરિટી આપીશું, ત્યારે જ તો તેઓ આપણા બાળકોને સારું શિક્ષણ આપશે. હાલમાં જેટલી જગ્યાઓ ખાલી છે શિક્ષકોની તેને તો પૂરી કરવામાં આવશે જ પરંતુ જેટલા મોટા સ્તરે નવી સરકારી શાળાઓ બનાવવામાં આવશે એમાં પણ શિક્ષકો માટે ઘણી ભરતી બહાર પડશે. ઘણા બધા સ્ટાફને શાળાઓમાં નોકરી મળશે. જો આપણે બાળકોને સારું શિક્ષણ આપવા માંગતા હોઈએ તો 25-30 બાળકો ઉપર એક શિક્ષક હોવું જોઈએ, એટલા મોટા સ્તરે શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
તે સિવાય મને જણાવવામાં આવ્યું છે કે, ઘણા બધા વિદ્યા સહાયકો છે અને તેમના પણ ઘણા બધા મુદ્દા છે જેમ કે સમયસર TET નથી થતું, TAT નથી થતું, સર્ટિફિકેટ ની સમસ્યા હોય તો ભરતી નથી થતી. મારી તમારા સૌ થી વિનંતી છે કે ચૂંટણીને ફક્ત 3 મહિના રહી ગયા છે, જેટલા પણ વિદ્યાસહાયકો છે તેઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો અને જ્યારે 3 મહિના પછી સરકાર બનશે ત્યારે તમારા બધા મુદ્દાઓના ઉકેલ લાવવાની ગેરંટી મારી. મહિલાઓને ઉચ્ચ શિક્ષણ માટે સુવિધાઓ નથી, તેમના માટે ઉચ્ચ શિક્ષણની સર્વોત્તમ વ્યવસ્થા કરવામાં આવશે.
ગયા અઠવાડીએ હું ગુજરાત આવ્યો હતો ત્યારે મને જાણકારી મળી હતી કે, પોલીસકર્મીઓની ગ્રેડ પે ની માંગ છે, ત્યારે મેં તેમના ગ્રેડ પે ના મુદ્દાનું સમર્થન કર્યું હતું અને ત્યારબાદ ગુજરાત સરકાર જાગી ગઈ હતી. પરંતુ ગુજરાત સરકારે સમસ્યાનું હલ નથી આપ્યું, લોલીપોપ આપી છે. મને સમજાતું જ નથી કે પોતાના જ લોકોને, પોલીસકર્મીઓને ગ્રેડ પે આપવામાં શું વાંધો છે? ગુજરાત સરકારએ ગ્રેડ પે નથી આપ્યું પણ ભથ્થામાં થોડો થોડો વધારો કરવામાં આવ્યો છે. મારી ગુજરાત પોલીસથી વિંનતી છે કે ભથ્થા ભાજપ સરકાર થી લઇ લો, ગ્રેડ પે હું આપીશ.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઈસુદાન ગઢવીએ ક્હ્યું કે, જ્યારે ધરતી પર પાપ વધ્યા છે, જ્યારે ધરતી પર લૂંટ વધી છે, ગરીબોનું લોહી ચુસવામાં આવ્યું છે ત્યારે ભગવાન ગરીબોની ચીસો સાંભળે છે અને અરવિંદ કેજરીવાલ જેવાને ધરતી પર મોકલે છે. આજે આપણા માટે ગર્વનો દિવસ છે કે રાષ્ટ્રીય કન્વીર અને દિલ્હીના લાખો બાળકોને શિક્ષણ આપી દુઆ લેનાર અરવિંદ કેજરીવાલનો આજે જન્મ દિવસ છે. અરવિંદ કેજરીવાલ જેવા માણસો સદીઓમાં એક વાર આવતા હોય છે. આવા જ વ્યક્તિઓ ક્રાંતિવીર બને છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ પોતાનું બધુ છોડીને આવ્યા હતા, જે પોતાનું છોડીને આવે છે તેમનો ઈતિહાસ લખાય છે, બુચાસિયાના ઈતિહાસ નથી લખાતા. આ બુચાસિયાઓનો એક જ ઈલાજ છે અરવિંદ કેજરીવાલજી. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવશે બુચાસિયાઓની બુચ વાગી જશે. ગુજરાત નહીં પણ આખુ હિંદુસ્તાન અરવિંદ કેજરીવાલને એક ઉમ્મીદથી જોઈ રહ્યું છે.
ઈસુદાનભાઈએ રાજકોટમાં હોટલ પર થયેલો અનુભવ લોકોને સંભળાવ્યો, હું રાજકોટથી નિકળ્યો અને મને લોકો ઓળખી ગયા. મને કહ્યું ચા પીવો પરંતુ હું ચા પિતો નથી એ વાત અલગ છે કે ભાજપે દારૂ પિવડાવ્યો. હોટલ પર મને એક નવદંપતિએ કહ્યું કે અમે નવદંપતિ છીએ. અમે ઇચ્છીએ છીએ કે અમારુ બાળક થાય ત્યારે અરવિંદ કેજરીવાલની સરકાર હોય અને અમારું બાળક તેમની સ્કુલમાં ભણે. 44 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતમાં ખાનગી અભ્યાસ કરે છે તેઓ પણ ઇચ્છે કે અમને પણ દિલ્હીની જેમ સારી સ્કુલ હોય. અમારા બાળકો પણ ડોક્ટર, એન્જિનિયર બને પણ કમનસીબ કે તેમણે જેમને પસંદ કર્યા એ બિઝનેસવાળા નિકળ્યા. તેમણે પોતાની સ્કુલ ખોલી નાખી. પરુંત ઇશ્વરની ઇચ્છા હતી એટલે રાવણનો અંત આવ્યો હતો અને ભાજપનો પણ અંત આવશે. ભાજપ હિંદુસ્તાનમાં કોઈથી ડરે છે તો એ આ ચહેરો છે. આખા હિંદુસ્તાનના બાળકોને ખબર છે અમારા મશિહા આવી ગયા છે અને ભાજપની તાકાત નથી કે એ ગુજરાતમાં પણ ટકે.
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પોતાના પ્રવચનની શરૂઆત કરતા પહેલા ગુજરાતમાં લિમ્પીથી ગાયોની મોતના પગલે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી. ગુજરાતમાં ગાયોના મૃત્યુ સરકારના પાપે, ભાજપના નેતાઓના પાપે થયા છે. કોરોનામાં પણ મૃત્યુ થયેલા, લઠ્ઠાકાંડમાં પણ મૃત્યુ થયેલા. આજ સુધી સરકારમાં બેસેલા લોકોએ સંવેદના પાઠવવાનું કામ કર્યું નથી. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સંવેદના દર્શાવવાની હોય, સહાનુભૂતિ આપવાની હોય, માણસ તરીકેની ફરજ બજાવવાની હોય તો ક્યારેય ચુકતા નથી એ વિચાર અરવિંદ કેજરીવાલમાંથી મળે છે. અરવિંદજીનો વિશેષ આભાર માનું છું કે આજે તેમનો જન્મદિવસ હોવા છતાં આપણી વાત સાંભળવા માટે અહીંયા આવ્યા છે. અરવિંદજીના કેલેન્ડરમાં રજાનો કોઈ વાર જ નથી, રજાની કોઈ તારીખ નથી, બધી તારીખ કામની છે એ તેમની આજની હાજરીથી સાબિત થાય છે.
ભાજપે શિક્ષણનો દાટ વાળ્યો છે. શાળા બંધ કરી દીધી, ખાનગી યુનીવર્સીટી ખુલવા લાગી, કોલેજોમાં સુવિધા નથી, સરકારી શિક્ષકોની ભરતી નથી થતી અને જે છે એમની પાસે ભણતર સિવાયના કામ કરાવવામાં આવે. શાળા અને શિક્ષણ વ્યવસ્થાને એક જમાનામાં અંગ્રેજો બરબાદ કરતા હતા તેમ અંગ્રેજોના માસિયાઈ ભાઈઓ ગુજરાતમાં શાળા વ્યવસ્થાને બરબાદ કરી રહ્યા છે. જે માણસ ભણ્યો નથી તે આઝાદ નથી. વિદ્યા બીજા પર આધીન રહેવાની ગુલામીમાંથી મુક્તિ અપાવવાનું કામ કરે છે તેવું વિષ્ણુ પુરાણમાં કીધું છે. અરવિંદ કેજરીવાલ પણ ઇચ્છે છે દરેકને સારુ શિક્ષણ મળવું જોઈએ. સારી શાળા હોવી જોઈએ. માણસ ગુલામ ના હોવો જોઈએ. વૃદ્ધ, બાળક, મહિલાઓ, વંચિત વર્ગને સંવિધાનમાં શું અધિકાર મળ્યા છે એ અધિકાર જો માણસ પોતાની આંખે વાંચી ન શકે તો તે માણસ આઝાદ નથી. અરવિંદ કેજરીવાલ બધાને આઝાદ કરવા આવ્યા છે. ભાજપ ઇચ્છે છે કે સ્કુલ બંધ થાય, લોકો વાંચી ન શકે, કોઈ પાતાનું નામ પણ લખી ના શકે. ગામમાં સ્કુલ ન હોય તો સૌથી વધારે નુકસાન દિકરીઓને થાય. જે બહેનને BCA, MBBS, એન્જીનીયરીંગ કરવું હોય તેમને મજબુરીવશ મરજી વિરૂદ્ધની ડીગ્રી ભણવી પડે છે. પોતે નથી ભણ્યા આપણા માટે શું યુનીવર્સીટી બનાવશે તેના માટે IIT પાસ અરવિંદ કેજરીવાલની જરૂર પડે.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.