ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જનસભાઓ કરી રહ્યા છે અને તે બધી જ જનસભામાં આમ આદમી પાર્ટીને જાણતા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો પોતાની પીડા, વેદના અને પોતાની સમસ્યા લઈને અરવિંદ કેજરીવાલની સભામાં આવી રહ્યા છે. એક એવી આશા અને ઉમ્મીદ સાથે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તેમની વર્ષો જૂની પીડાનું નિરાકરણ લાવશે. જે રીતે આમ આદમી પાર્ટીનું સમર્થન વધી રહ્યું છે જનતા અરવિંદ કેજરીવાલને પ્રેમ કરી રહી છે, એ જોતા ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ભાજપ વાળા ખૂબ બોખલાયેલા છે, ડરેલા છે અને એટલા માટે જ રોજ અવનવા ગતકડા અને અવનવી નાટકબાજી લઈને આવી જાય છે.
છેલ્લા અમુક દિવસોમાં ભાજપ વાળા વીડિયો લઈને આવી ગયા છે કે ગોપાલ આવું બોલે છે, ઈસુદાન આવું બોલે છે. ગઈકાલે પાછો એક વિડીયો આવી ગયો છે અને આભ તૂટી પડ્યું છે. હું તેમને કહેવા માગું છું કે, ગુજરાતની જનતા 27 વર્ષથી ભાજપની જે સરકાર ચાલી રહી છે તેનો હિસાબ માંગી રહી છે કે 27 વર્ષમાં તમે શું કર્યું? કેટલી સ્કુલ બનાવી, કેટલી હોસ્પિટલો બનાવી, તેનો જવાબ આપો! જનતા જ્યારે જવાબ માંગે છે ત્યારે ભાજપ વાળા કહે છે કે ગોપાલનો વિડીયો જોવો. જનતા પૂછે છે કે લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો પોતાની કારકિર્દી બગાડી રહ્યા છે એમને નોકરી ક્યારે મળશે, ત્યારે ભાજપ વાળા કહે છે કે ગોપાલનો વિડીયો જોવો કે તે ચાર વર્ષ પહેલા કેવું બોલતો હતો. જનતા પૂછે છે કે ખેડૂતોને આત્મહત્યાથી છુટકારો ક્યારે મળશે, તેમણે સિંચાઈનું પાણી ક્યારે મળશે, 12 કલાક વીજળી ક્યારે મળશે અને ભાજપ વાળા જવાબ આપે છે કે ગોપાલનો વિડીયો જોવો તે કેવું બોલે છે. ગુજરાતમાં 6.5 કરોડ ગુજરાતીઓ પૂછી રહ્યા છે કે મોંઘવારીથી છુટકારો ક્યારે મળશે ત્યારે ભાજપ વાળા જવાબ આપે છે કે ગોપાલની ભાષા જુઓ તે કેવું બોલે છે.
ગોપાલ ઇટાલિયાએ આગળ કહ્યું કે, ગોપાલની ભાષા ભાજપ વાળા જેવી સારી ન હોય કેમ કે મારી પાસે ભાજપ વાળા જેવું શાતીર દિમાગ નથી. હું એક ગરીબ માણસ છું, ગામડાનો નાનો માણસ છું, એવું બની શકે કે ભાજપવાળા જેવું શાતીર અને ચાલાક બોલતા મને ના આવડે પણ ગુજરાતની જનતાને જવાબ આપવામાંથી બચવા માટેનો આ રસ્તો યોગ્ય નથી. જનતા પૂછે છે કે CNGના ભાવ કેમ વધી રહ્યા છે, શિક્ષણ આટલું મોંઘુ કેમ છે, દવાખાનાની હાલત ખરાબ કેમ છે અને ભાજપ વાળા એક જ જવાબ આપે કે ગોપાલનો વિડીયો જોઈ લો. જનતા સામે ચાલીને ભાજપની રેલીઓમાં ખુરશીઓ ખાલી હોય તેનો વિડીયો બતાવે છે ત્યારે ભાજપ વાળા કહે છે કે તમે ગોપાલનો વિડીયો જુઓ. ગોપાલ ઇટાલિયા એક સાધારણ સામાન્ય યુવાન છે, કોઈ મોટી હસ્તી નથી, ગોપાલ ઇટાલિયાની ભાષા ખરાબ હોય, ગોપાલ ઇટાલિયાની કોઈ વાત ખરાબ હોય તો ગોપાલ ઇટાલિયાને ફાંસીએ ચડાવી દો, પણ ગુજરાતના યુવાનોને નોકરી ક્યારે આપશો એનો જવાબ આપો, ગુજરાતની જનતાને મોંઘવારીથી છુટકારો ક્યારે આપશો એનો જવાબ આપો. ગુજરાતની જનતા સવાલ પૂછે છે કે પેપર કેમ ફૂટે છે, પેપર ફોડવાવાળા કોણા સગા છે ,કઈ પાર્ટી સાથે જોડાયેલા છે, જેનો જવાબ ન આપવો પડે એટલે તેઓ કહે છે કે ગોપાલનો વિડીયો જોઈ લો.
શું આ બધા પેપર ગોપાલે ફોડ્યા છે? લઠ્ઠાકાંડની અંદર ઝેરી દારૂ ગોપાલએ વેચ્યો છે? જેટલા પણ રોડ રસ્તાઓ તૂટેલા છે શું ગોપાલએ આ બધા રોડ રસ્તાઓના કોન્ટ્રાક્ટ લઈને રોડ બનાવ્યા છે? ગુજરાતની જનતાને તૂટેલા રોડ વિશે જવાબ નથી આપી શકતા, ગુજરાતની જનતાને મોંઘવારી મુદ્દે જવાબ નથી આપી શકતા, ગુજરાતની જનતાને પેપર ફૂટવાના મુદ્દે જવાબ નથી આપી શકતા એટલે એમ કહે છે કે ગોપાલનો વિડીયો જોઈ લો. અને તે વીડિયો જોઈ અમને મત આપી દો. તમે 27 વર્ષ સુધી જે છેતરપિંડી કરી છે તેને જનતા ઓળખી ગઈ છે.
ત્યારબાદ વિશેષમાં મેં જ્યારે જાણવાની કોશિશ કરી કે શા માટે આવું થયું છે કેટલાય સમયથી ભાજપ ગોપાલ ઇટાલિયાની પાછળ પડી ગઈ છે, ભાજપ વાળા મને ગાળો આપે છે, મારા પર હુમલો કરે છે, મારી સામે એ FIR કરવામાં આવે છે. મારી સાથે શું દુશ્મની છે તે હું વિચારતો હતો ત્યારે મને જાણવા મળ્યું કે હું પટેલ છું. ભાજપ એ પટેલ વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે કારણ કે, પટેલો આંદોલનથી જોડાયેલા લોકો છે અને આંદોલનથી ભાજપને ખૂબ નુકસાન ગયું છે એટલે મારી જેવા સામાન્ય માણસને હેરાન કરવામાં આવી રહ્યો છે. મારો શું વાંક છે? મેં બુટલેગરની જેમ દારૂ વેંચ્યો નથી, પેપર ફોડ્યા નથી, રોડ તોડ્યા નથી, મેં ભ્રષ્ટાચાર કર્યો નથી, મેં રૂપિયા ખાધા નથી, લાંચ લીધી નથી. મેં કોઈ ખોટું કામ નથી કર્યું છતાં ભાજપ વાળા આટલી હદે હેરાનગતિ કરી રહ્યા છે.
હું ગુજરાતના સાડા છ કરોડ લોકોની દુઃખ પીડા જોઈ શકતો નથી એટલે હું નાની ઉંમરમાં છેવાડાના ગામડામાંથી રાજકારણમાં આવ્યો. લોકોને પીડા માટે, યુવાનોના અવાજ માટે, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની જે પણ કંઈ સમસ્યા છે તેના માટે લડી રહ્યો છું. મારી વાત ખરાબ હોય યોગ્ય ન હોય તો મને ફાંસીએ ચડાવી દો પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોને જવાબ આપો કે, મોંઘવારીથી કેવી રીતે છુટકારો મળશે, બેરોજગારીથી કેવી રીતે છૂટકારો મળશે. ગુજરાતની જનતા 27 વર્ષનો હિસાબ માંગે છે. વાત વીડિયોની છે જ નહીં, વાત એ છે કે 27 વર્ષ ના કામનો હિસાબ નથી આપી શકતા. રોજગારીનો જવાબ નથી આપી શકતા, બેરોજગારી ઐતિહાસિક સ્તર પર પહોંચી છે તેનો કોઈ ખુલાસો નથી કરી શકતા, પેપર ફૂટવાની ઘટનાને લઈને કોઈ ખુલાસો નથી કરી શકતા એટલા માટે આવા ગતકડા કરે છે. ચૂંટણી છે અને ગુજરાતની જનતા હિસાબ માંગે છે કે, 27 વર્ષમાં ભાજપે શું કર્યું સાડા છ કરોડ લોકો માટે? પેપર શા માટે ફૂટે છે, મોંઘવારી કેમ વધે છે, ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરવી પડે?
મારી વિરુદ્ધ રાષ્ટ્રીય કક્ષાએ ષડયંત્ર ચલાવવામાં આવ્યું છે. આખી ભાજપ પાર્ટીના તમામ રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કેન્દ્રના મંત્રીઓ, ભાજપના કેન્દ્રના નેતાઓ વિશાળ ષડયંત્ર રચવામાં લાગી ગયા. મારી વિરુદ્ધ વિશાળ ષડયંત્ર કર્યું છે. ગુજરાતના લોકોને રોજગાર આપવા માટે આટલી સક્રિયતા બતાવો, ગુજરાતમાંથી મોંઘવારી હટાવવા માટે આટલી સક્રિયતા બતાવો, ગુજરાતમાં પેપર ફોડવા વાળાને જેલમાં પુરાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.