સુરત(SURAT): રાજ્યમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. વરાછામાં રહેતા અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
હસમુખો સ્વભાવ અને મોટું મિત્ર વર્તુળ ધરાવતાં શૈલેષ ઝાલાવાડિયા દ્વારા અગમ્ય કારણોસ૨ ઘરમાં આપઘાત કરી લેતાં પરિવારજનોના માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હતો. શૈલેષ ઝાલાવાડિયા દ્વારા કરવામાં આવેલા આપઘાત પાછળનું કારણ હજી સુધી અકબંધ રહ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના સક્રિય કાર્યકર
મળતી માહિતી અનુસાર, સીમાડા નાકા પાસે આવેલ મણિનગર સોસાયટીમાં રહેતા 38 વર્ષીય શૈલેષ જયસુખ ઝાલાવાડિયા છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય કાર્યકર તરીકે કાર્યરત હતા. ડી.જે.નો વ્યવસાય કરતાં શૈલેષ ઝાલાવાડિયાને દાંપત્ય જીવનમાં બે બાળકો પણ છે.
શૈલેષના માતા-પિતા અને પતી ઘરના હોલમાં ટેલિવિઝન જોઈ રહ્યા હતા. આ દરમિયાન શૈલેષે બેડરૂમમાં પંખામાં શાલ વડે ફાંસો ખાઈ લેતાં ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોને આ અંગે જાણ થતાં જ તાત્કાલિક હોસ્પિટલ ખાતે તેને લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતાં જ પરિવારજનોના આક્રંદથી ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી.
ઘરમાં ફેલાયો શોકનો માહોલ
આજે સવારથી જ આ ઘટનાની જાણ સમગ્ર વરાછા પંથકમાં થતાં ભાજપ સહિત સમાજના આગેવાનોમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા શૈલેષ ઝાલાવાડિયા દ્વારા આ રીતે અચાનક આત્યંતિક પગલું ભરવામાં આવતાં તેમના મિત્ર વર્તુળમાં પણ આ વાત ગળે ઉતરી રહી નથી. બીજી તરફ શૈલેષ દ્વારા આપઘાત કરવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.