ગુજરાત થયું જળબંબાકાર: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં ભારે વરસાદ- જાણો ક્યાં કેટલો વરસાદ

Rain In Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી પડી છે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી જોરદારનો વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં(Rain In Gujarat) વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જામનગરમાં નોંધાયો છે. જામનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જામનગર આખું પાણી-પાણી થઈ ગયું છે.

છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના તાલાલામાં 4 ઈંચ, મહેસાણાના વિજાપુરમાં 4.5 ઈંચ, ગીર સોમનાથના વેરાવળમાં 3 ઈંચ, સુરતના માંડવીમાં 3 ઈંચ, મોરબી અને પાટણના હારીજમાં 2.5 ઈંચ, નવસારીના વાસંદા અને હિમતનગરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ ભુજ અને સૂત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે.

આ તાલુકાઓમાં નોંધાયો 2 ઈંચ વરસાદ
ટંકારા અને હળવદમાં 2.5 ઈંચ વરસાદ, માંગરોળ, બારડોલી, ઉમરપાડા અને ખેરગામમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા અને ગાંધીનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 222 તાલુકાઓમાં 2 ઈંચથી ઓછો વરસાદ પડયો છે.

અનેક ગામો સંપર્ક વિહોણા થયા
બનાસકાંઠાના ડીસા તાલુકામાં ભારે વરસાદને લઈ અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દામાં, વરળ, કંસારી, બાઈવાડા, જેનાલ, ભીલડી સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દામાથી કંસારીને જોડતા રોડ પર પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. રોડ પરથી વધારે પાણી આવતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

આ જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આવનાર 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાથે જ બનાસકાંઠા અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *