અહેમદ પટેલના ખાસ મનાતા કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ ધારણ કર્યો કેસરિયો- 25 દિવસમાં જ ભાજપમાં જોડાયા

Rohan Gupta Join BJP: લોકસભા ચૂંટણી-2024 પહેલા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. લગભગ દરરોજ કોઈને કોઈ નેતા કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે.ત્યારે કોંગ્રેસ છોડીને આવેલા રોહન ગુપ્તાએ(Rohan Gupta Join BJP) હવે ભાજપમાં જોડાવાનો ખુલાસો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા આજે (ગુરુવારે) ભાજપમાં જોડાશે. આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
તમને જણાવી દઈએ કે 22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને વરિષ્ઠ નેતા પર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.રોહન ગુપ્તાએ કહ્યું, “હું તાત્કાલિક અસરથી કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું. મને જણાવતા દુઃખ થાય છે કે છેલ્લા બે વર્ષથી પાર્ટીના સંચાર વિભાગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ નેતાનું સતત અપમાન અને ચારિત્ર્યની હત્યા થઈ રહી છે. હવે વ્યક્તિગત કટોકટીના સમયમાં મને આ નિર્ણય (રાજીનામું) લેવાની ફરજ પડી છે. રોહન ગુપ્તાએ દાવો કર્યો હતો કે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ આ વાતથી વાકેફ હતા. રોહન ગુપ્તા કોંગ્રેસના પ્રખર પ્રવક્તા તરીકે જાણીતા હતા.

સીનિયર લીડર પર ગંભીર આક્ષેપ
જણાવી દઈએ કે, રોહન ગુપ્તાએ રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેમને મોટા નેતા દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ પણ કરાયો હતો. આ દરમિયાન, કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર તેમણે મોટા આક્ષેપ કર્યા હતો. નોંધનીય છે કે, અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ થોડા દિવસ પહેલા જ અંગત કારણોસર ચૂંટણી નથી લડવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યુ હતુ કે, પિતા રાજકુમાર ગુપ્તાની તબીયત નાદુરસ્ત હોવાનું કારણ આગળ કર્યું હતું.

પિતાની તબિયત
થોડા દિવસ પહેલા આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે માહિતી આપી હતી. રોહન ગુપ્તાએ ‘X’ પર કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા પિતાના ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.’