બહારનો કેરીનો રસ ખાતાં લોકો સાવધાન: સુરતમાં કેસર કેરી કરતાં સસ્તામાં વેચાતા રસના આરોગ્ય વિભાગે લીધા સેમ્પલ

Health Department Raids: સુરત પાલિકાના ફૂડ વિભાગે કાર્બાઈડથી પકવેલી કેરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કર્યા બાદ હવે મેંગો મિલ્ક શેકના નામે કેરીના રસનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. પાલિકાના ફૂડ વિભાગે કેરીના રસના સેમ્પલ(Health Department Raids) લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કોઈ સેમ્પલ ફેલ જાય તો તેવા વેપારી સામે કાર્યવાહી કરવામા આવશે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું છે.

સુરતમાં કેરીનો રસ વેચતા વેપારીઓના ત્યાં દરોડા
ઉનાળામાં કેરીની સીઝન આવતા બજારમાં કેરીના રસનું વેચાણ શરુ થઈ જતું હોય છે. જે કેરીનો રસ લોકો હોંશેહોંશે ખાતા હોય છે તેમાં ભેળસળ કરવામાં આવી હોવાનું ઘણીવાર સામે આવ્યું છે. આ વખતે સુરતમાં કેરીના રસમાં ભેળસેળની વાત સામે આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. કેરીના રસનું સારા પ્રમાણમાં વેચાણ થાય તે માટે તેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે.કેરીના રસમાં વેચાણ વધુ હોવાથી વેપારીઓ દ્વારા રસમાં એસેન્સ સહિતની મિલાવટ કરવામાં આવતી હોય છે. આવો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી સુરત આરોગ્ય વિભાગ દ્વારા આજે અલગ અલગ ઝોનમાં 10 કરતા વધુ ટીમો બનાવી કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી, જો આ સેમ્પલમાં ભેળસેળ કરવામાં આવેલી હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઉનાળો આવતા કેરીના રસનું વેચાણ કરાતું હોય છે
સુરતમાં ઉનાળાની સાથે જ કેરી કરતાં કેરીના રસનું વધુ વેચાણ થાય છે. સુરતમાં કેરી ઓછી છે પરંતુ મેંગો મિલ્ક શેકના નામે કેરીના રસનું વેચાણ ધુમ થઈ રહ્યું છે. કેટલાક કિસ્સામાં કેરીનો રસ ભેળસેળીયો હોય તેવી ફરિયાદ મળી રહી છે આવા રસના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો થાય તેવી શક્યતા છે. જેના કારણે પાલિકાના ફૂડ વિભાગે શહેરમાં કેરીના રસનું વેચાણ કરતી 12 સંસ્થા પાસે17 નમુના લઈ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

ભેળસેળ કરનારા વેપારીઓ સામે ભરવામાં આવશે પગલાં
કેરીના રસના જે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે તેની હવે તપાસ હાથ ધર્યા બાદ બેદરકારી દાખવનારા કે ભેળસેળ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આવામાં દંડ વસૂલવાની સાથે કેરીના રસનું વેચાણ કરનારી દુકાનને સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

તપાસ બાદ દૂઘનું-દૂધ અને પાણીનું પાણી થઈ જશે
કેરીના રસ બનાવતી વખતે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તેમાં કેરીનો ઉપયોગ કરવામાં ના આવ્યો હોય છતાં તેને કરીનો રસ કહીને વેચાણ કરવામાં આવતું હોય છે. આવામાં સુરત કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા સેમ્પલની તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.