લાંચિયા બાબુઓ ક્યારે અટકશે? સુરતમાં ACBની ટ્રેપમાં 5 લાખની લાંચ લેતા પોલીસ કર્મચારીનો વચેટિયો ઝડપાયો

Surat Bribery: એક તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ ભ્રષ્ટાચારના ખપ્પરમાં…

Surat Bribery: એક તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખદબદી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. સુરતમાં ACBએ સપાટો બોલાવીને 5 લાખની લાંચ લેતા(Surat Bribery) વચેટિયાને ઝડપી પાડ્યો છે.સુરતમાં એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી હતી. મુંબઈમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

જેમાં બે ભાગીદારોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમને ઓફિસમાંથી જે મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંને ભાગીદારને છોડાવવા માટે ઇકો સેલના એએસઆઇ દ્વારા 15 લાખની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી આ પાંચ લાખની રકમ લેવા એએસઆઇનો ભાઈ આવ્યો હતો જેને એસીબીએ ઝડપી પાડ્યો હતો. જ્યારે ઈકો સેલનો એએસઆઈ પોલીસ પકડમાં આવ્યો નથી.

છેતરપિંડીના ગુનામાં બે ભાગીદારની ધરપકડ
મળતી માહિતી પ્રમાણે, હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ અને તેના ભાગીદાર ઉપર મુંબઇમાં છેતરપિંડીનો ગુનો દાખલ થતો હતો. જેથી સુરત ઈકો સેલમાં ASI તરીકે કામ કરતા સાગર સંજયભાઇ પ્રધાને હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ અને તેના ભાગીદારને પકડી પાડ્યા હતા. આ સાથે જ તેમની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, કંપનીના દસ્તાવેજ અને ડાયમંડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

ઇકો સેલના ASIએ 15 લાખની લાંચની માગી
આખા કેસમાં ઇકો સેલના એએસઆઈ સાગરે ખેલ ખેલ્યો હતો. હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિના ભાગીદારને તો મુંબઈ પોલીસને સોંપી દીધો હતો. જો કે, આ હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિને છોડવામાં આવી રહ્યો ન હતો. આ વ્યક્તિને છોડવા અને તેમની ઓફિસમાંથી જપ્ત કરવામાં આવેલો માલ સામાન પરત આપવા માટે સાગરે 15 લાખની લાંચની માગણી કરી હતી. જે પૈકી આજે પાંચ લાખ રૂપિયા આપવા માટે જણાવવામાં આવ્યું હતું.

ASIનો ભાઇ લાંચ લેતા ઝડપાયો
હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ આ લાંચ આપવા માગતો ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેથી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યો હતો. આજે તે વ્યક્તિ કતારગામ વિસ્તારમાં આવેલા અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા પાસપોર્ટ એન્ડ ચાઈનીઝ દુકાનની સામે પાંચ લાખ રૂપિયા આપવા માટે ગયા હતા. દરમિયાન સાગરનો ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાન પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો હતો.

મુંબઈથી પરત ફરી લાંચ લેવાનો તખ્તો ઘડ્યો હતો
ઠગાઈના ગુનામાં આરોપીને પકડવા ASI સાગર મંગળવારે સવારે પીએસઆઈ સાથે મુંબઈ ગયો હતો. મુંબઇથી સાંજે પરત ફર્યો હતો. ત્યાર પછી તેણે લાંચની રકમ લેવા માટે પોતાના ભાઈને મોક્લ્યો હતો. જો કે, છટકું ગોઠવાયું હોવાની ખબર પડી જતા તે ભાગી છૂટ્યો હતો.